અમદાવાદના બોપલમાં હાલમાં જ એક કોન્સ્ટેબલ દ્વારા MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી, હજુ આ મામલો શમ્યો નથી ત્યાં વધુ એક હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો. દીપક દશરથભાઈ પટેલ નામના વ્યક્તિને બોથડ પદાર્થના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયા. આ ઘટના અમદાવાદના બોપલના ગરોડિયા ગામની સીમની છે.લગભગ બે મહિના પહેલાં અમેરિકાથી આવેલ NRI દીપક પટેલને એક બાદ એક બોથડ પદાર્થના ઘા મારવામાં આવ્યા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી હતી અને એફએસએલની ટીમને પણ પુરાવા એકઠા કરવા બોલાવવામાં આવી હતી. એવી માહિતી સામે આવી છે કે બે મહિના પહેલા અમેરિકાથી આવેલ દીપક પટેલ ચાલુ મહિને અમેરિકા પરત ફરવાની તૈયારી કરી રહ્યા હતા. જો કે આ હત્યા કોણે અને કેમ કરી તેની હાલ તપાસ ચાલી રહી છે. આ ઘટના બાદથી ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે.