ખબર

અમદાવાદમાં લક્ઝુરિયસ BMW કારથી વૃદ્ધ દંપતીને અડફેટમાં લેનારો સત્યમ અહિયાંથી ઝડપાયો, દારૂ પીવાની વાત પણ કબૂલી

ગુજરાતમાં હિટ એન્ડ રનના મામલાઓ સતત વધી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા જ અમદાવાદમાંથી એક હિટ એન્ડ રનની ઘટના સમયે આવી હતી. જેમાં સીમ્સ હોસ્પિટલથી ઝાયડસ હોસ્પિટલ જવાના રસ્તા પર એક પુરપાટ ઝડપે દોઢી રહેલી લક્ઝુરિયસ BMW કારે વૉક કરવા માટે નીકળેલા એક દંપતીને અડફેટમાં લીધા હતા અને જેમાં તે ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ત્યારે દંપતીને અડફેટમાં લીધા બાદ કાર ચાલક કારને દોઢ કિલોમીટર દૂર મૂકીને ફરાર થઇ ગયો હતો અને પોલીસે જ્યારે કાર જપ્ત કરી ત્યારે તેમાંથી દારૂ અને એક પાસબુક પણ મળી હતી. જેમાં કાર ચાલકનું નામ સત્યમ શર્મા હોવાનું સામે આવ્યું હતું. પોલીસ આરોપીની શોધખોળ કરી હતી. ત્યારે હવે આ મામલામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે અને કાર ચાલક સત્યમ શર્માની પોલીસે ધરપકડ કરી લીધી છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી સત્યમ શર્માને રાજસ્થાનમાંથી ઝડપી લીધો છે અને હાલ અમદાવાદ લાવવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં ચાર અલગ અલગ ગુન્હા પણ નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે. સત્યમે જે કાર લઈને અકસ્માત સર્જ્યો હતો તે તેના પિતા શ્રેક્રિષ્ના શર્માના નામ પર રજીસ્ટર થયેલી હોવાનું પણ સામે આવ્યું હતું. આરોપી ધનાઢ્ય પરિવારમાંથી આવતો હોવાના કારણે અત્યાર સુધી તેને પોલીસ છાવરી રહી છે તેમ લાગતું હતું પરંતુ હવે પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે.

તો બીજી તરફ ઘટનાનો ભોગ બનેલા દંપતીને પણ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ભોગ બનેલા અમિતભાઈએ એક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ તેમની સોસાયટીની બહાર એક મેદાન છે ત્યાં પિચકારી સહિતની વસ્તુઓ જોવા માટે ગયા હતા, ત્યાંથી પરત ફરતા સમયે કારે ડિવાઈડરને અથડાયા બાદ અમને ઉડાવી દીધા હતા. જેમાં મારી પત્ની 7 ફૂટ દૂર ઉછળીને પડી અને કારનું ટાયર મારા પગ પર ફરી વળ્યું, તેમણે એમ પણ જણાવ્યું કે કારની સ્પીડ ત્યારે 170-180ની આસપાસ હોવી જોઈએ.