અમદાવાદ સોલા હિટ એન્ડ રન કેસને 2 દિવસ થયા પણ આરોપી હજુ પોલીસ પકડથી દૂર, ભોગ બનેલ દંપત્તિએ કર્યો મોટો ખુલાસો
છેલ્લા થોડા સમયમાં અમદાવાદમાંથી ઘણી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે અને હાલમાં જ બે દિવસ પહેલા જ એક હિટ એન્ડ રનની ખબર સામે આવી. અમદાવાદના સોલા સિમ્સ હોસ્પિટલ પાસે ગત 1 માર્ચના રોજ લક્ઝુરિયસ કાર BMW લઈને ફૂલ સ્પીડમાં જતા એક યુવકે એક દંપતીને અડફેટમાં લીધા હતા. જેમાં દંપતી ગંભીર રીતે ઘાયલ થઇ જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક કારને ઘટના સ્થળેથી દોઢ કિલોમીટર દૂર મૂકીને ફરાર થઇ ગયો હતો.
પોલીસે કારને જપ્ત કરી ત્યારે અંદરથી દારૂની બોટલો અને એક પાસબુક મળી આવી હતી, પાસબુકમાં સત્યમ શર્મા નામ લખેલું હતું. જેના આધારે પોલીસે કર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ ઘટનાને બે દિવસ થઇ ગયા છે પણ આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. ત્યારે હવે ચર્ચા થઇ રહી છે કે આરોપી ધનાઢય પરિવારમાંથી આવતો હોવાથી પોલીસ તેને નથી પકડી રહી. ત્યારે આ બધા વચ્ચે ભોગ બનનાર દંપતિ મીડિયા સામે આવ્યુ અને તેમણે આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી.
આ મામલે ઈજાગ્રસ્ત દંપતીનું કહેવું છે કે ખવડાવી પીવડાવીને આ મામલો દબાવવામાં આવી રહ્યો છે. તેમને આશા નથી કે ન્યાય મળશે પણ તેઓએ ન્યાયની માગ કરી છે. ઇજાગ્રસ્ત મહિલાએ કહ્યુ કે, ડાબા પગની ઘૂંટણનો નીચેનો બોલ ખસી જવાના કારણે તેમને ત્રણ મહિના સુધી બેડરેસ્ટ કરવો પડશે. તેઓએ કહ્યુ કે, તેઓ દીકરા માટે પિચકારી લેવા નીકળ્યા હતા અને આ સમયે જ કાર ડિવાઈડર તોડી આવી અને તેને કારણે તેઓ છ ફૂટ સુધી ફેંકાયા.
જ્યારે મહિલાના પતિને જમણા પગે એંકલમાં ફ્રેક્ચર થયુ છે. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યુ કે, કારની સ્પીડ 170થી 180 હતી અને પતિના પગ પર ગાડીનું ટાયર ચઢી ગયું હતું. તેઓએ કહ્યુ કે, અકસ્માત બાદ ત્યાં જે લોકો હાજર હતા તેઓ કારચાલકને પકડવા પાછળ દોડ્યા પણ તે હાથ ન લાગ્યો. તેઓએ જણાવ્યું કે, આ કારચાલકના કારણે અમારું આખું ઘર વિખેરાઈ ગયું છે.