અમદાવાદ એલિસબ્રિજ પર હિટ એન્ડ રન, એક યુવકનું કરુણ મોત- હજુ તો 2 દિવસ પહેલા જ ખરીદી હતી BMW બાઈક…

Ahmedabad Accident : ગુજરાતમાંથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવે છે, ત્યારે હાલમાં જ થોડા દિવસો પહેલા અમદાવાદના ઇસ્કોન ફ્લાય ઓવર પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતની ઘટના બાદ ખાલી અમદાવાદીઓ જ નહિ પરંતુ ગુજરાતીઓ પણ કંપી ઉઠ્યા હતા. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. ત્યારે હવે અમદાવાદમાંથી વધુ એક અકસ્માતની ખબર સામે આવી છે, જેમાં કારની ટક્કરને કારણે બાઈક ચાલકનું મોત નિપજ્યું.

રોડ અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું મોત
મિત્ર પાસે વેચાણથી ખરીદેલી BMW બાઈક પર જઈ રહેલા યુવકનું વાહનની ટક્કરે મોત થતા પરિવારે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર એલિસબ્રિજ સ્થિત એમજે લાયબ્રેરી બ્રિજ પરના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે રોડ એક્સીડન્ટમાં બાઈક ચાલક સાહિલ અજમેરીનું મોત થયું હતું. મૃતકના ભાઈએ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું કે, તે ગાયકવાડ હવેલી સામે આવેલી ટોકરશાની પોલ રાયખડ ખાતે પરિવાર સાથે રહે છે અને ડ્રાઈવિંગનો ધંધો કરે છે.

બે દિવસ પહેલા જ ખરીદી હતી BMW બાઇક
પરિવારમાં માતા-પિતા અને બે ભાઈ તેમજ એક બહેન છે, મૃતક સૌથી નાનો હતો અને તે પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસે આવેલા મર્સડીઝ કારના શો-રૂમમાં નોકરી કરતો હતો. સાહિલે બે દિવસ પહેલા જ તેના મિત્ર પાસે વેચાણથી એક BMW બાઈક ખરીદી હતી. 10 ઓગસ્ટે રાત્રે જ્યારે સોહિલ 10 વાગ્યા સુધી ઘરે ન આવ્યો તો પરિવારે તેને ફોન કર્યો, પણ તેનો ફોન સ્વીચ ઓફ હતો. પરિવાર ટેન્શનમાં આવ્યો અને તેની શોધખોળ શરૂ કરી.

પરિવારમાં ફરી વળ્યુ શોકનું મોજુ
જો કે, આ દરમિયાન સાહિલના મિત્રને તેના ભાઇએ ફોન કર્યો તો તેણે જણાવ્યું કે, સાહિલના બાઈકનો અકસ્માત થયો છે અને તેને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. ત્યારે આ વાતની જાણ થયા બાદ આખો પરિવાર સિવિલ હોસ્પિટલ દોડી ગયો પણ સાહિલનું મોત થઈ ગયું હતું અને તે પછી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો. સાહિલને માથાના અને દાઢીના નીચેની ભાગે ઈજાઓ પહોંચી હતી. સાહિલના મોતથી પરિવારજનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું.

Shah Jina