શું આ જ છે વિકાસ ? ‘ખાડો ખોદે તે જ પડે’ AMC પર પડી સાચી, AMCની ગાડી જ મસમોટા ભુવામાં પડી

અમદાવાદમાં દિવસેને દિવસે ભુવા પડવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ વખતે અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે છેલ્લા બે મહિનામાં જ શહેરમાં 90થી વધારે ભૂવા પડ્યા છે. ત્યારે ગઇકાલના રોજ વધુ એક ભૂવો જુહાપુરા વિસ્તારમાં મુખ્ય રોડ પર અંબર ટાવર નજીક પડ્યો. જેમાં ખુદ કોર્પોરેશનની મોટી કચરાની ગાડી જ ભૂવામાં ફસાઈ હતી. ગાડી એવી રીતે ફસાઇ કે તેનો પાછળનો ભાગ ભૂવામાં ગરકાવ થઈ ગયો અને આગળનો હવામાં રહ્યો.

કોર્પોરેશન દ્વારા ભૂવામાં ફસાયેલી ગાડીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપરલ કોર્પોરેશનનું ડ્રમ્પર જેવું કદાવર વાહન મસમોટા ભૂવામાં ફસાઇ ગયું.આવામાં લોકો માટે પણ એક પ્રકારનું કૂતુહલ સર્જાયું અને લોકો ફોટો અને વીડિયો ઉતારવા ઉમટી પડ્યા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ગઇકાલથી જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.

જો કે, સ્થાનિક લોકોનું કહેવું છે કે ગઇકાલે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું વાહન દરરોજની જેમ રસ્તા પર મૂકેલા ડસ્ટબીન ખાલી કરવાની કામગીરી કરી રહ્યું હતું અને ત્યારે જ 100 ફૂટ રોડ પર સવેરા હોટલ પાસે પડતાં ત્રણ રસ્તા પાસે વાહન ભુવામાં ગરકાવ થઇ ગયું.જેને પગલે સ્થાનિક લોકોની મદદથી ડ્રાઇવર અને ગાડીમાં સાથે રહેલા લોકોને વાહનમાંથી બહાર કાઢવામાં આવ્યા અને તે બાદ તંત્રને જાણ કરવામાં આવી.

AMCનું કચરાનું ડમ્પર પસાર 2 કલાકની મહેનત બાદ ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યુ હતું.જુહાપુરાના ભુવા સાથે અમદાવાદમાં આ સીઝનના 93 ભુવા નોંધાયા છે. હવે તો અમદાવાદમાં વરસાદ અને પછી ભુવા એ સામાન્ય થઇ ચૂક્યુ છે. જુહાપુરામાં જે ભુવો પડ્યો છે તે 12થી 15 ફૂટ પહોળો અને 10 ફૂટ ઊંડો છે. જેમાં ડ્રેનેજનું પાણી પણ વહી રહ્યું હોવાથી વધુ મોટો બને તેવી પણ શકયતા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ મનપાની ટીમે માત્ર ડમ્પરને બહાર કાઢવાની કામગીરી જ કરી છે. ભુવાના પૂરવાની કામગીરી કલાકો વીતી ગયા હોવા છતાં શરૂ કરવામાં આવી નથી.જણાવી દઇએ કે, શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 92 જેટલા ભૂવા પડ્યા છે, અને તેમાંથી 84 તો રિપેર થઈ ગયા છે. જુલાઈ મહિનામાં જ 70 અને ઓગસ્ટમાં 15 ભૂવા પડ્યા છે. માત્ર ચાલુ મહિનામાં પડેલા 6 ભૂવા રીપેર કરવાની કામગીરી ચાલી રહી છે.

Shah Jina