બે વર્ષના માસુમ ભૂલકા માટે ભગવાન બન્યા અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોકટરો, પેટમાંથી ખતરનાક વસ્તુઓ કાઢીને બચાવ્યો જીવ

નાના બાળકોની કાળજી હંમેશા રાખવી પડે છે, કારણ કે તે રમત રમતમાં કોઈ વસ્તુ કયારે મોઢામાં મૂકી દે અને કયારે ગળી જાય તે કોઈને ખબર નથી હોતી. ઘણીવાર બાળકો પોતાના ગળામાં અને નાકમાં પણ ઘણી વસ્તુઓ ફસાવી લેતા હોય છે અને તેમના માટે ઘણીવાર આવું જીવલેણ પણ બનતું હોય છે. ત્યારે આવી જ એક ઘટના હાલ અમદાવાદમાંથી સામે આવી છે જ્યાં એક બાળક અણીદાર સ્ક્રૂ ગળી બાદ સિવિલના સર્જનોએ બાળકનો જીવ બચાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા અને સુથારી કામ કરતા રામકલાલ ચૌહાણનો 2 વર્ષનો બાળક પિયુષ ઘરમાં રમતા-રમતા કેટલીક વસ્તુઓ ગળી ગયો. જેના કારણે તેને સમયાંતરે ઉલ્ટીઓ થવાની શરૂ થઇ. જેને તેમના માતા-પિતાએ નઝરઅંદાજ કરીને સામાન્ય દવાઓ આપી હતી. હવે જ્યારે પિયુષને સતત શરદી અને ઉધરસ રહેવા લાગી ત્યારે તેના માતા-પિતા ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો.

જ્યાં ખાનગી હોસ્પિટલના ડોકટરોએ એક્સ-રે કરાવતા પિયુષ ત્રણથી ચાર વસ્તુઓ ગળી ગયો હોવાનું જાણવા મળ્યું. જેના કારણે ત્યાંના સર્જનોએ એન્ડોસ્કોપી કરતા નાની ચેઇન અને ટાંકણી તેના પેટમાં હોવાની જાણ થઇ. જે ખાનગી તબીબોએ સર્જરી કરીને દૂર કરી. જો કે આ બંને વસ્તુની સાથે બે સ્ક્રૂ પણ તેના પેટમાં મળી આવ્યા હતા. જેની સર્જરી કરવી ખાનગી તબીબો માટે જોખમ ભરેલી અને ખર્ચાળ પણ હોવાથી સામાન્ય વર્ગના પરિવાર માટે અશક્ય બની રહી હતી.

જેના બાદ પીયૂષના પિતા તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ રોગમાં લઈને આવી ગયા હતા. રિપોર્ટ કરતા તબીબોને આ સ્ક્રૂ 6-8 મહિનાથી આંતરાડામાં ચોંટેલો હોવાનું લાગ્યું. સિવિલ હોસ્પિટલ બાળરોગ વિભાગના વડા અને સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમે પિયુષને આ પીડામાંથી મુક્ત કરવાનું બીડુ ઉપાડ્યુ. તેઓએ એનેસ્થેસિયા વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કિરણ પટેલ અને તેની ટીમના સહયોગથી આ સર્જરી હાથ ધરી.

2 વર્ષના બાળકના બંને આંતરડા વચ્ચે ફસાયેલા સ્ક્રુને સર્જરી દ્વારા દૂર કરવું પડકાર ભરેલું હતું. સર્જરી દરમિયાન તબીબોને આશ્રર્યમાં મૂકે તે બાબત એ હતી કે, સ્ક્રુનો આગળનો ભાગ મોટા આંતરડામાં જ્યારે પાછળનો અણીદાર ભાગ નાના આંતરડા વચ્ચે ચોંટી ગયો હતો. આ સર્જરી દરમિયાન ખૂબ જ ચોકસાઇ વર્તવાની જરૂર હતી. સર્જરી બાદ આંતરડામાં રૂઝ ન આવે અને ટાંકા તૂટી જાય તો પિયુષનો જીવ જોખમમાં મુકાવવાની શક્યતાઓ રહેલી હતી.

પરંતુ નિષ્ણાંત તબીબોની ટીમે ફરી એક વખત પોતાની નિપુણતા અને કૌશલનો પર્ચો બતાવ્યો અને પિયુષના આંતરડામાંથી સ્ક્રુ દૂર કર્યો. હાલ તો 2 વર્ષીય આ માસૂમને સિવિલ હોસ્પિટલના તબીબોએ બચાવી લીધો છે, પરંતુ તમામ માતા-પિતાએ ખાસ ચેતવાની જરૂર છે.

Niraj Patel