અમદાવાદીઓ હજી પણ ન નીકળતા બહાર ! આવતા 48 કલાક માથે તોળાઇ રહ્યુ છે સંકટ, અતિ ભારે વરસાદની આગાહી

અમદાવાદમાં ગઇકાલ એટલે કે રવિવાર સાંજથી શરૂ થયેલ મૂશળધાર વરસાદને કારણે ઘણી તારાજી સર્જાઇ હતી. અનેક વિસ્તારોમાં વરસાદને પગલે પાણી ભરાઇ ગયા હતા અને ઘણા લોકો તો વાહનો સાથે ફસાઇ ગયા હતા. જો કે, વરસાદને પગલે શાહીબાગ ભુવો પડવાને કારણે કાર પણ જમીનમાં સમાઇ ગઇ હતી. જેને લીધે કારમાં સવાર લોકોને ઇજા પણ પહોંચી હતી. અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી ત્યાં વરસાદ પછી તો સ્થિતિ કપરી બની રહી છે.

શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાઇ ગયા હતા ત્યારે હજી પણ આવનારા દિવસોમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં હવામાન વિભાગ દ્વારા 48 કલાકની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર, બનાસકાંઠા, સબરકાંઠા, જામનગર, દ્વારકા, મહેસાણા, આણંદ, અને વડોદરા તેમજ છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સુરત, પાટણ અને નવસારીમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની અને અરવલ્લી, ખેડા, પંચમહાલ, મોરબી, જૂનાગઢ, રાજકોટ, દાહોદ, બોટાદ, દીવ, ગીર સોમનાથ વગેરે જગ્યાએ પણ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સ્થાનિક હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આજ અને આગામી ત્રણેક દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. આ ઉપરાંત અનેક ઠેકાણે પાણી, ભુવા અને અન્ય તારાજીને કારણે પ્રી મોનસૂન કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ તથા ઉત્તર અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તેમણે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગરમાં કરી છે.

Shah Jina