રાજકોટમાં જિમમાં વીડિયો બનાવવાની ના પાડતા મામલો હત્યા સુધી પહોંચ્યો! છરીના 16 ઘા ઝીંકી મર્ડર, વાંચો આખી ઘટના
Ahir youth Ashish murder case : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે, તેમાં પણ આજે તો ઘણા લોકો એવા બેફામ બન્યા છે કે કોઈને રસ્તા વચ્ચે જ મોતને ઘાટ ઉતારતા જરા પણ અચકાતા નથી, ખાસ કરીને આવા મામલાઓ સુરત, અમદાવાદ અને રાજકોટમાંથી સામે આવતા હોય છે, ત્યારે હાલ રાજકોટમાંથી આવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક યુવકને છરીના 19 ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો, આ ઘટનાને લઈને સમગ્ર રાજકોટમાં ચકચારી મચી ગઈ છે.
છરીના 19 ઘા ઝીંક્યા :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના ઉપલેટામાં રહેતા 29 વર્ષીય આશિષ નાથાભાઈ ભાદરકા નામના યુવકને જિમમાં તેની સાથે આવતા એક 19 વર્ષીય યુવક કોળી વિનય ઉર્ફે સુજુ હિતેશ ધામેચા સાથે રીલ્સ બનાવવાને લઈને થોડા દિવસ પહેલા જ માથાકૂટ હતી. ત્યારે આ વાતની ખાર રાખીને બેઠેલા વિનયે ગત 15 તારીખના રોજ જિમમાંથી બહાર આવતા સમયે જીમના પહેલા માળે જ આશિષ પર છરીથી હુમલો કરી દીધો અને એક પછી એક છાતી તેમજ શરીર પર છરીના 19 ઘા ઝીંકી દીધા.
ફરસાણની દુકાન ચલાવતો હતો યુવક :
જેના બાદ જિમમાં હાજર અન્ય લોકો આશિષને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા, પરંતુ ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો. આ બાબતની જાણ તેના પિતાને થતા જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આશિષના પિતાએ આ મામલે જણાવ્યું કે તેમને એક 29 વર્ષીય દીકરો અને એક 32 વર્ષીય દીકરી છે. બંને હજુ અપરણિત છે. તેઓ ફરસાણના ધંધા સાથે સંકળાયેલા છે અને આશિષ પણ તેમને આ ધંધામાં મદદ કરતો હતો.
રીલ બનાવવાને લઈને થઇ હતી માથાકૂટ :
આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા જ પોલીસે વિનયની ધરપકડ પણ કરી લીધી છે. પોલીસે મીડિયાને જણાવ્યું કે આરોપી કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આ મામલે એવું પણ સામે આવ્યું છે કે મૃતકે ચાર દિવસ પહેલા જ તેને કોલેજમાં જઈને પણ માર માર્યો હતો. જેની રીસ રાખીને તેને આશિષ પર છરીથી ઘા ઝીંકી દીધા. મૃતક અને આરોપી બંને એક જ જિમમાં જતા હતા. તો આ મામલે એવું પણ સામે આવ્યું છે કે આરોપીએ મૃતકને કસરત કરતો વીડિયો બનાવી આપવા માટેનું કહ્યું હતું, પરંતુ આશિષની કસરત ચાલુ હોવાના કારણે તેને વીડિયો બનાવી આપવાની ના પાડી, જેના બાદ મામલો વધુ ગરમાયો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.