લેખકની કલમે

કર્મોનો હિસાબ તો ચૂકવવો જ રહ્યો આજે કે કાલે….વાંચો એક કરૂણ કહાની, જેનો અંત વાંચ્યા પછી તમે ક્યારેય કોઈનું ખરાબ કરવા વિચારશો પણ નહી !!!

મેં અહીંના કર્યા, અહીંજ ભોગવ્યા…”

  • “યાદ રાખો આ વાતને , સત્ય સનાતન જ્ઞાન.
  • જેવા જેના કર્મ હો, ફળ આપે ભગવાન.
  • સદકર્મ સદા કરતા રહો, છોડી ખોટા કર્મ,
  • નહિતર જીવન બની જશે, જાણે હો સમશાન…”
   – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’
   પોતાના આલીશાન મકાનના એક ખૂણાના રૂમમાં એ બાવન વર્ષના ભાઈ આજે પોતાના જીવનની અંતિમ ઘડીઓ લગભગ બે મહિનાથી ગણી રહ્યો હતો… લોકો જ્યાં ભગવાન પાસે બે હાથ જોડી જીવનની ભીખ માંગતા હોય છે ત્યાં એ ભાઈ ભગવાન પાસે આંસુ ભરેલી આંખોથી છેલ્લા બે મહિનાથી દિવસના ચોવીસ કલાકની પ્રત્યેક ક્ષણમાં પોતાના મૃત્યુ માટે ભીખ માંગતો હતો… એ બોલી તો ક્યાં શકતો હતો પણ એના વાર્તાલાપ માટેના સાધનરૂપ એની પથારી પાસે રાખેલ સ્લેટમાં પેન વડે એ ભગવાનને પોતાને મૃત્યુ આપી દેવાની કૃપા કરવા રીતસર જાણે વિનવતો હતો… અને ભગવાન પણ જાણે હસતા હસતા એની મૃત્યુની તિથિ પાછી ઠેલવી રહ્યો હતો. કદાચ કહી રહ્યો હતો કે…
  • “બેટા, તારા કર્મોના હિસાબ કિતાબના મેં રાખેલા ચોપડા માં જમા ઉધાર સરભર તો થવા દે…!!!”
   એ ભાઈ પાસે હતું બે માળનું આલીશાન મકાન, મકાનના છ રૂમોમાંથી ત્રણ રૂમોમાં એસી. ઘરના દીવાન ખંડ માં મોટું ઓગણચાલીશ ઇંચનું એલ ઇ ડી ટીવી. ઘરમાં ખાવા પીવાની કોઈ કમી નહિ. બેંકમાં લાખો રૂપિયાની ડિપોઝીટ. પરિવારમાં એક યુવાન દીકરો અને યુવાન દીકરી. ઘરડા માતા અને પિતા…
   આમ જોઈએ તો એના જીવનમાં માત્ર એના આરોગ્ય સુખ વિના એને કોઈ સુખની ઉણપ ન હતી. પણ આજે એને એ તમામ સુખો સાવ નિરર્થક લાગી રહ્યા હતા. એને મન ભૌતિક સુખોની કોઈ કિંમત ન હતી…
   આજે પથારીમાં ગળાના કેન્સરથી પીડિત લેવાઈ ગયેલા સાવ હાડપિંજર થઈ ગયેલુ શરીર લઈને પડેલા એ ભાઈને પોતાની તલાટીની નોકરી દરમિયાનના દિવસો જાણે આંખો સામે આવી રહ્યા હતા… આજે એને એ તમામ ઘટનાઓ યાદ આવી રહી હતી કે નોકરી દરમીયાન જે જે જગ્યાએ એનું પોસ્ટિંગ થયું હતું ત્યાં ત્યાં એને કેટલા રૂપિયાના ભ્રષ્ટાચારો આદર્યા હતા. નાના અમથા અને કાયદેસરના કામો માટે પણ ગરીબ અને અભણ ગામ લોકો પાસે એને કેટકેટલા રૂપિયા પડાવ્યા હતા…

આજે પોતાના કર્મોના લેખા જોખા જાણે એ તલાટી સાહેબ સ્વયં કરી રહ્યા હતા. આજે ઊંડી ઉતરી ગયેલી આંખોમાં એ પ્રસંગ એમને સ્પષ્ટ દેખાઈ આવતો હતો કે…

એક ગામમાં નોકરી દરમિયાન એક ગરીબ અને અભણ ખેડૂતની જમીન નું નાનકડું કટકું એ ખેડૂતની જાણ બહાર જ એણે શહેરના એક ધનપતિને લાખો રૂપિયા લાંચ લઈને બારોબાર વેચી માર્યું હતું. એ ગરીબ ખેડૂત માટે જીવન નિર્વાહ નું એ નાનકડું ખેતર જ એકમાત્ર સાધન હતું. બાદમાં જાત જાતના કાયદા અને ધાક ધમકીઓ આપી બિચારા એ ખેડૂતનું મોં આ તલાટી સાહેબે બંધ કરાવી દીધું હતું. પોતાની જમીન છીનવાઈ જતા એ ગરીબ ખેડૂતનું જીવન વેર વિખેર થઈ ગયું હતું. અને ભૂખમરીથી એના બબ્બે સંતાનો મોતને ભેટ્યા હતા.

એ સમયે પૈસાની ચમકમાં આ તલાટી સાહેબ બધું ભાન ભૂલી ગયા હતા. એ સમયે એમને એ નહોતું સમજાયું કે એ ગરીબની હાય એક દિવસ પોતાને જરૂર લાગશે… પણ આજે ભોગવાઈ રહેલી અપાર શારીરિક યાતનાઓ જોઈ કર્મોના ભગવાન પાસેના ગણિતનો હિસાબ એમને સમજાઈ રહ્યો હતો…

સાહેબને ગળા નું કેન્સર થયું હતું. ઘરમાં ખાવા પીવાની કોઈ કમી ન હતી પણ મોઢેથી ખાવાનો હુકમ ન હતો. ફરવા માટે ઘેર બબ્બે ગાડીઓ હતી પણ રોગિષ્ટ શરીર સાથે ગાડીમાં બેસવાની ક્ષમતા ન હતી. ન જાણે કેટલીયે જોડ નવા નકોર કપડાં હતા પણ હોસ્પિટલના ડ્રેસ પહેરવા સિવાય કોઈ છૂટકો ન હતો. પરિવારના સભ્યો સાથે એ સાહેબ ને ઘણીયે વાત ચિત કરવી હતી પણ મોઢેથી ક્યાં બોલાઈ શકતું હતું…
કોઈ જીવતા માણસના નખ ખેંચી લેવામાં આવે અથવા શરીર પર થયેલા ઘા ઉપર મીઠું ભભરાવવામાં આવે અને મૃત્યુ વિહીન જે પીડા થાય કદાચ એવીજ પીડાનો બે મહિનાથી એ તલાટી સાહેબ અનુભવ કરી રહ્યા હતા.

જ્યારે સ્વજનો સાહેબની ખબર અંતર પૂછવા જાય ત્યારે રીતસર હાથ જોડી અને ભીતર તેમજ બહારથી રડતા હૃદયે બંને હાથ જોડી સૌને એ એકજ વાત પાસે રાખેલી સ્લેટમાં લખીને જણાવતા કે…

“મેં જે ખોટું કર્યું છે એનું પરિણામ આજે હું ભોગવી રહ્યો છું. મહેરબાની કરી કોઈ સહેજ પણ ખોટું કર્મ ન કરશો…”
આટલું લખતા તો એમની આંખો ફરી ભરાઈ આવતી અને એ પશ્ચાતાપના બોર બોર જેવડા આંસુ સ્લેટ માં પડી જતા…

પોતાની પથારી પાસે આખો દિવસ બેસી રહેતા પોતાના વૃદ્ધ પિતાને પણ બે હાથ જોડી જાણે એ સાહેબ વારી ઘડીએ કહેતા કે… “બાપુજી, મને આમાંથી છોડાવો… મને આમાંથી છોડાવો…”

અને ત્યારે ગળામાં ભરાઈ આવેલા ડુમા સાથે કેન્સર થયેલ ગળાના ભાગેથી લોહીની ધાર ફૂટી નીકળતી… અને ફરી પાછી એ ભાગે પાટા પિંડી થતી… એ ભાગ પર જ્યારે જ્યારે મલમ લગાવાતો ત્યારે ત્યારે પીડાથી સાહેબ કણસી ઉઠતા… ત્યારે જીભે કાંટા વાગતા હોય એવા અનુભવ સાથે એ સાહેબના પિતા કુદરત સામે હારી અને કુદરત સામે પોતાના વહાલસોયા દીકરા ના મૃત્યુની ભીખ માંગી ઉઠતા… આપણે કલ્પના પણ ન કરી શકીએ કે ત્યારે એ પિતાના મન પર શુ વિતતી હશે…!!!

આજે આવી અર્ધમૃત્યુની અપાર પીડા દાયક અવસ્થામાં સાહેબ છેલ્લા બબ્બે મહિનાથી મૃત્યુની ભીખ માંગી રહ્યા હતા…
એક દિવસ રાત્રીના એક વાગ્યે સાહેબને અસહ્ય પીડા ઉપડી સાથે સાથે શ્વાસ પણ જાણે હળીએ ચડ્યો હતો… સાહેબને ખ્યાલ આવી ગયો કે હવે મૃત્યુ હાથ વેંત જ છેટું છે… એવી અવસ્થામાં પણ સ્લેટ અને પેન હાથમાં લીધી અને એમાં ભાંગ્યા તૂટ્યા અક્ષરો પાડી સાહેબ સદા માટે મૃત્યુની ગાઢ નિંદ્રામાં પોઢી ગયા…

સમાચાર મળતા આખો પરિવાર સાહેબના રૂમમાં એકઠો થઈ ગયો. આછા અંધકારમાં કાળી સ્લેટ પર સફેદ પેન થી ,ભાંગેલા અક્ષરે સાહેબે પોતાના કર્મોનું સફેદ સત્ય લખ્યું હતું કે…

“મેં અહીંના કર્યા, અહીં જ ભોગવ્યા…”

● POINT :-
ભગવાન પાસે કર્મોનો ખુબજ સરળ અને સમજી શકાય એવો હિસાબ હોય છે. માણસ પોતાને ગમે એટલો ચાલાક સમજે પણ એ વખતે એ ભૂલી જાય છે કે આપણને બનાવનાર ને આપણે ક્યારેય બનાવી ન શકીએ…

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)
Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.