બીભત્સ વીડિયોના ચક્કરમાં ચાંદલોડિયાના યુવકનો આપઘાત, બિચારાના અધધધ લાખ પડાવ્યા હતા, આંખ ઉઘાડનાર કિસ્સો
ગુજરાતમાંથી ઘણીવાર છેતરપીંડી અથવા તો બ્લેકમેઇલ કરી પૈસા પડાવવાના કિસ્સા સામે આવે છે. ઘણીવાર આવા મામલામાં પીડિત દ્વારા આપઘાત જેવું પણ પગલુ ભરવામાં આવતુ હોય છે. ત્યારે હાલમાં અમદાવાદના ચાંદલોડિયામાંથી આવો જ એક મામલો સામે આવ્યો, જેમાં 37 વર્ષના પરિણીત યુવકે ગત અઠવાડિયે જ આત્મહત્યા કરી હતી.

આપઘાતનું પગલુ યુવક દ્વારા એટલે ભરવામાં આવ્યુ કારણ કે ન્યૂડ વિડીયો બનાવીને તે યુવકને એક ટોળકી બ્લેકમેઈલ કરતી હતી, જેને કારણે યુવકે ચાંદલોડિયા સ્થિત તેના ઘરમાં જ આત્મહત્યા કરી લીધી. આ મામલે પોલીસે તપાસ હાથ ધર હતી અને રાજસ્થાનના ભરતપુરમાં ઓપરેશન હાથ ધરીને મેવ ગેંગના બે સાગરિતને ઝડપી પાડવામાં આવ્યા. 21મી એપ્રિલના રોજ ચાંદલોડિયા ખાતે બે સંતાનના પિતા અને કન્સ્ટ્રકશન સાઈટ પર સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા 37 વર્ષીય પરિણીત યુવકે પોતાના ઘરે આપઘાત કર્યો હતો.
આ કેસની પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, યુવકનો ન્યૂડ વિડિયો ઉતારી તેને બ્લેકમેઈલ કરવામાં આવતા આના ત્રાસથી તેણે આપઘાત કર્યો હતો. સીબીઆઈના પીઆઈ તરીકે ઓળખ આપીને આરોપીઓ આ યુવકને ડરાવતા.
તેઓએ યુવકને કહ્યુ હતુ કે વીડિયોમાં જે છોકરી દેખાય છે તેણે બદનામીના ડરથી આત્મહત્યા કરી લીધી છે. તેમજ આ કેસની તપાસ અમારી પાસે છે તેવું કહીને ચાંદલોડિયાના યુવક પાસેથી રૂપિયા 8 લાખ 60 હજાર પડાવ્યા હતા. જો કે, આરોપીઓએ વધુ રૂપિયાની માગ કરીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા ચાંદલોડિયાના યુવકે આત્મહત્યા કરી હતી.
આ મામલે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો અને રાજસ્થાન-હરિયાણા બોર્ડર પાસેના ભરતપુરમાં ઓપરેશન હાથ ધર્યું હતું. આ ગેંગના સભ્યો પકડાઈ જતાં અન્ય ગુનાઓના ભેદ ઉકેલાવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. પોલીસે કોલ ડિટેઈલ અને જે બેંક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે તેની પણ તપાસ હાથ ધરી હતી.