ગુજરાતમાંથી ઘણીવાર સગીરા સાથે દુષ્કર્મ અને મહિલાઓ સાથે અત્યાચારના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે અમદાવાદમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વાસણામાં એક પ્રેમિકાએ તેના પ્રેમી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેના પ્રેમીએ તેને ગર્ભવતી બનાવીને તરછોડી દીધી હતી. હાલ તો પોલિસે આરોપી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી અલગ અલગ કલમો હેઠળ ગુનો નોધ્યો છે અને તપાસ શરૂ કરી છે. આરોપીએ બે વખત સગીરાનો ગર્ભપાત કરાવ્યો અને ત્રીજી વખત પણ તે ગર્ભપાત કરાવવા ધમકી આપી રહ્યો હતો તેવો ફરિયાદમાં આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. (તસવીર સોજન્ય : ન્યુઝ 18 ગુજરાતી)
હાલ તો પોલિસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ આરોપીનું નામ હરિશ છે અને તે પરણિત છે, તેમ છતાં તેણે કુવારી સગીર વયની યુવતિને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી હતી. ઘટનાની વિગત જોઇએ તો, છેલ્લા લગભગ છ વર્ષથી હરિશ સાથે પીડિત યુવતિ લગ્નનું સપનું જોઇ રહી હતી. બંને મૈત્રી કરારમાં સાથે રહ્યા હતા. પરંતુ આરોપી હરિશ તેને ગર્ભવતી બનાવી લગ્ન કરવાની ના કહી દીધી હતી અને તે બાદ તે ફરાર થઇ ગયો હતો.
ત્યારે યુવતિએ આ બાબતે પોલિસ સ્ટેશનમાં હરિશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. જયારે યુવતિ 16 વર્ષની હતી ત્યારે એટલે કે છ વર્ષ પહેલા તે હરિશના સંપર્કમાં આવી અને ત્યારે તે રિક્ષા ડ્રાઇવર હતો. યુવતિ અને તેની માતા ઘરકામ કરતા જતા ત્યારે હરિશની રિક્ષામાં જતા. આ દરમિયાન હરિશે સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધ બાંધ્યા. આ દરમિયાન યુવતિ ગર્ભવતી પણ થઇ હતી અને તેણે બે વખત ગોળીઓ આપી ગર્ભપાત પણ કરાવ્યો હતો.
જો કે, ત્રીજી વખત પણ હરિશે યુવતિ પર ગર્ભપાતમ માટે દબાણ કર્યુ હતુ. જો કે યુવતિએ ના કહેતા યુવક તેને છોડીને ફરાર થઇ ગયો હતો. 4 મહિનાની ગર્ભવતી યુવતીને આરોપી હરીશ અને તેનો ભાઈ વિજય ગર્ભપાત કરવાની ધમકી આપતા હતા. જેના કારણે યુવતીએ વાસણા પોલિસ સ્ટેશને યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે દુષ્કર્મ કેસમાં મહિલાનું મેડિકલ કરાવીને જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ કેસમાં આરોપીના ભાઈની પણ મદદગારી હોવાથી તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની પણ શોધખોળ હાથ ધરાઈ છે.