અમદાવાદ સમેત સમગ્ર ગુજરાતમાંથી આપણે લગભગ દરરોજ અલગ અલગ માર્ગ અકસ્માતના સમાચાર સાંભળતા હોઈએ છીએ. ત્યારે અકસ્માતના કારણે ઘણા લોકો પોતાના જીવ પણ ગુમાલે છે. જો કોઈ ટ્રાફિક નિયમોનું પાલન ન કરે તો તેના કારણે અકસ્માતની ઘટનાઓ બનતી રહેતી હોય છે.
ત્યારે ટ્રાફિક નિયમને લઈને વાહનચાલકોમાં જાગૃતતા લાવવાના હેતુથી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ અપનાવવામાં આવ્યો છે. શહેર પોલીસે એક શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કર્યુ છે, જેમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. ટ્રાફિકને લઈને લોકોમાં જાગૃતતા આવે એ માટે 2 મિનિટ સુધીની શોર્ટ ફિલ્મ બનાવવાની રહેશે.
ફિલ્મ બનાવનાર વ્યક્તિનો ઉત્સાહ વધે એ માટે થઇને પોલીસ દ્વારા ઈનામની પણ જાહેરાત કરાઇ છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિએ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના X એકાઉન્ટ અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના પ્રોફાઈલ પર જે લિંક આપી છે તેના પર ક્લિક કરી ગૂગલ ફોર્મમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને આ દરમિયાન ફિલ્મની ગૂગલ ડ્રાઈવ લિંક અપલોડ કરીને સબમીટ કરવાની રહેશે.
સ્પર્ધાના નીતિ નિયમો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. જે પણ વ્યક્તિ પસંદ થશે તેમને ત્રણ કૃતિઓમાં વહેચવામાં આવશે, પ્રથમ આવનારને બે લાખ, બીજા નંબરે આવનારને 1.5 લાખ અને ત્રીજા નંબરે આવનારને 1 લાખ રૂપિયા રોકડાનું પુરસ્કાર આપવામાં આવશે.
આ ઉપરાંત અન્ય 7 ઉત્તમ કૃતિઓને 10 હજારનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. જ્યારે જ્યુરી દ્વારા પસંદ કરવામાં આવેલ શ્રેષ્ઠ 50 કૃતિઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સ્પર્ધાની તારીખ 1 જૂનથી 30 જૂન સુધીની છે.
View this post on Instagram