ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોના મામલા સામે આવે છે, ત્યારે ગત રોજ રાત્રે એટલે કે 20 ડિસેમ્બરે રાત્રિના સમયે અમદાવાદના સિંધુભવન રોડ પર અકસ્માતની ઘટના બની. મેંગો રેસ્ટોરન્ટ પાસે રસ્તો ક્રોસ કરતી એક ઓડી કાર પાછળ બે બાઈક સવાર યુવકો ઘૂસી ગયા અને બંને ઈજાગ્રસ્ત થયા હતાં.
આ ઘટનામાં પોલીસે કારચાલકને ફરિયાદી બનાવી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ગત રોજ રાત્રે 10:00 વાગ્યા આસપાસ આ અકસ્માતનો બનાવ બન્યો હતો. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સિંધુભવન રોડ પર મેંગો રેસ્ટોરન્ટ પાસે રાજસ્થાન પાસિંગની બાઈક લઈ બે શખ્સો સ્પીડમાં આવી રહ્યાં હતા. જેમાં રસ્તો ક્રોસ કરતી ઓડી કાર પાછળ આ બાઈક ઘૂસી ગઇ અને બાઈકસવાર બંને યુવકો ઇજાગ્રસ્ત થયા.
તેમને માથામાં ભાગે ઈજા થતાં લોહીલુહાણ થઈ બેભાન થયેલા યુવકોને હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે ઘણા લોકો એકઠા થઈ ગયાં હતા. આ અકસ્માતમં બાઈકનો બુકડો બોલાઇ ગયો હતો અને કારમાં પણ મોટુ નુકસાન પહોંચ્યું હતુ.