અમદાવાદ : સમલૈંગિક સંબંધો માટે વપરાતી એપ દ્વારા હનીટ્રેપનો શિકાર કરતી હતી ટોળકી, આવી રીતે કરવામાં આવી ધરપકડ

ઘણીવાર હનીટ્રેપના અનેક કિસ્સાઓ ગુજરાતમાંથી સામે આવે છે. કેટલીકવાર એપ્લિકેશન મારફતે લોકોને સંબંધો બાંધવાના બહાને લૂંટી લેવામાં આવતા હોય છે, ત્યારે હાલમાં જ આવો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદમાં રહેતા એક પ્રોફેસરે પોલિસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેમની પાસેથી સમલૈંગિક સંબંધો માટેની એપ મારફતે ફસાવી લાખો રૂપિયા પડાવવામાં આવ્યા છે. આ મામલે હાલ તો અમદાવાદ જિલ્લા પોલિસે 2ની ધરપકડ કરી છે. જો કે, હજુ પણ જે આરોપી ફરાર છે તેને પકડવા માટે પ્રયાસ હાથ ધર્યા છે.

જે આરોપી પકડાયા છે તેમના નામ દીપેન પટેલ અને હર્ષિલ પટેલ છે. આ આરોપીઓ સમલૈંગિક સંબંધો માટે વપરાતી જે એપ્લિકેશન છે GRINDR તેના પર ખોટા નામનું એકાઉન્ટ બનાવી અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા. હાલમાં જ અમદાવાદના નિર્ણયનગર પાસે આવેલ ગ્રીન સીટી ફ્લેટમાં એક નિવૃત્ત પ્રોફેસરને સમલૈંગિક સંબંધો માટે બોલાવવામાં આવ્યા હતા અને તેમની પાસેથી 5 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ અંગે તેમણે પોલિસ ફરિયાદ નોંધાવી હતી.

જે બાદ પોલિસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને તે બાદ પોલિસે બેની ધરપકડ કરી હતી. આ સાથે જ મારામારી કરનાર 4 આરોપી હજુ ફરાર છે જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. GRINDR એપ્લિકેશન એક એવી એપ્લિકેશન છે કે જ્યાં સજાતીય સંબંધો ધરાવતા લોકો વાતો કરે છે અને એક બીજા સાથે મુલાકાત કરે છે. દીપેન નામનો જે આરોપી છે તે ખોટા નામનું એકાઉન્ટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. જે પણ બે આરોપી પકડાયા છે તે બંને યુવકોને મળવા બોલાવતા અને ત્યારબાદ જે આરોપી ફરાર છે તે લોકો જબરદસ્તી રૂપિયા પડાવી લેતા.

સમલૈંગિક સંબંધોને કારણે બદનામીના ડરે પોલિસ સુધી કોઇ ફરિયાદ કરતુ ન હતુ. જો કે, ગ્રામ્ય ગ્રામ્ય સાયબર સેલ ને ફરિયાદ મળતા પોલીસે આ ગુનાના બે માસ્ટર માઇન્ડની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યુ છે કે, બંને આરોપી ધોરણ 10 પાસ છે અને છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર હોવાને કારણે આવું કામ કરતા હતા. હાલ તો પોલિસ એ પણ તપાસ કરી રહી છે કે તેમણે કેટલા લોકો પાસેથી પૈસા પડાવ્યા છે.

Shah Jina