ગુજરાતમાંથી ઘણીવાર એવા એવા કિસ્સા સામે આવે છે કે સાંભળી કોઇ પણ ચોંકી જાય. ત્યારે હાલમાં અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં ઓનલાઈન મિત્ર બનાવવાનું એક 20 વર્ષીય યુવતીને ભારે પડી ગયું. સરખેજના ફતેવાડી વિસ્તારમાં ઘરમાં એકલી રહેતી યુવતી ગંભીર બીમારીથી પીડાતી હતી અને તેનો સંપર્ક સોશિયલ મીડિયા મારફતે એક યુવતી સાથે થયો,
તે બંને મિત્ર ગયા અને આ મિત્રતા જેમ જેમ આગળ વધતી ગઇ તેમાં એકલી રહેતી યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્ર બનેલ યુવતીએ પોતાની જાળમાં ફસાવી. તેણે કહ્યુ કે તું એકલી રહે છે તો હું તને દરેક રીતે મદદ કરીશ. જે પછી તે તેના ઘરે રહેવા આવી ગઇ. આ યુવતી પોતે ઓનલાઈન દેહવ્યાપાર અને ડ્રગ્સનો ધંધો કરતી અને તેણે યુવતીના ઘરનો ઉપયોગ કરી રોજ અલગ અલગ ગ્રાહકોને યુવતીના ઘરમાં બોલાવ્યા અને પોતે શરીર સંબંધ બાંધતી, ડ્રગ્સ પણ ત્યાં જ વેચતી.
આ અંગે જ્યારે યુવતીને જાણ થઇ તો તેણે તે યુવતિને આવું કરવાની ના પાડી અને ઘરમાંથી જતાં રહેવા કહ્યું. પણ તે યુવતિએ બે મિત્રોને બોલાવ્યા અને ખોટી પોલીસની ઓળખ આપી ધમકી આપી. ત્યારે આ મામલે બોલાચાલી બાદ યુવતિને ડ્રગ્સ આપવાની કોશિશ પણ તેણે કરી. જો કે, આ મામલે પીડિત યુવતિએ તાત્કાલિક તેના પિતાને જાણ કરી.
યુવતીના પિતાએ મહિલા હેલ્પલાઈનની મદદ લેતા પોલીસ અને મહિલા હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક પહોંચી. પરંતુ આ દરમિયાન યુવતીની હાલત ગંભીર હતી અને તેને તાત્કાલિક 108 મારફતે સોલા સિવિલમાં ખસેડાઇ. જો કે, પોલિસ અને મહિલા હેલ્પલાઇનની ટીમ આવે ત્યાં સુધીમાં તો આરોપી યુવતી અને યુવકો ત્યાંથી ફરાર થઈ ગયાં હતા.