ગુજરાતમાંથી અવાર નવાર નાની નાની સગીરાઓ સાથે દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર સગીરાઓને ગંદા વીડિયો બાતાવી તેમની સાથે અડપલા કરવાના કિસ્સાઓ સામે આવે છે તો ઘણીવાર તેમની સાથે બળાત્કારની ઘટના સામે આવે છે. હાલમાં અમદાવાદમાંથી જે દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે, તે ખરેખર ખૂબ જ ચોંકાવનારો છે. અમદાવાદના અમરાઇવાડીમાં એક હવસખોરે 7-8 વર્ષની નાનકડી સગીરાને પોતાની હવસનો ભોગ બનાવી. આ ઉપરાંત તેણે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર અમરાઈવાડીમાં એક મહિલા તેના પતિ અને બાળકો સાથે રહે છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
તેની નજીકમાં એક યુવક રહેતો હતો, જેને કોઇ સગી બહેન ના હોવાને કારણે પીડિત બાળકીની માતાએ તેને ધરમનો ભાઈ બનાવ્યો હતો અને તેણે તે યુવકને રાખડી પણ બાંધી હતી. જો કે આ ધરમના ભાઇએ તો પોતાની જ ભાણી સાથે એવું કર્યુ કે સાંભળી મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઇ. મહિલા જયારે 7 મે ના રોજ બપોરે નોકરીથી પરત આવી ત્યારે તેની દીકરીએ કહ્યું હતું કે, મામાને ઘરે આવવા ન દેતા. તે મોબાઇલમાં ગંદા ગંદા વીડિયો બતાવે છે, એ મને નથી ગમતા. જો કે મહિલાને એવું લાગ્યુ કે આરોપી બાળકીને કાર્ટૂન બતાવતો હશે.
તે બાદ તે નોકરી જતી રહી હતી. લગભગ સાંજે સાત વાગ્યા આસપાસ જયારે મહિલા નોકરીથી પરત ફરી ત્યારે તેની દીકરી ગભરાયેલી હાલતમાં જોવા મળી હતી. ત્યારે મહિલાએ બાળકીને આ વિશે પૂછતા તેણે કહ્યુ કે, જ્યારે ઘરે ન હોય ત્યારે આરોપી ઘરે આવે છે અને મોબાઇલમાં ગંદા વીડિયો બતાવી અને ક્યારેક કપડાં ઉતારીને અડપલાં કરે છે. તે છેલ્લા બે એક મહિનાથી આવું કરે છે. આ દરમિયાન જો બાળકી બૂમ પાડવા જાય તો તે તેનું મોઢું દબાવી દે છે અને તેને કહે છે કે જો આ બાબતની જાણ કોઈને કરશે તો તેના નાના ભાઈને જાનથી મારી નાખશે.
જેથી બાળકીએ આ બાબતની જાણ કોઈને કરી ન હતી. બાળકીની આ વાત જાણ્યા પછી મહિલાએ આરોપી દિપક પ્રજાપતિને ઘરે બોલાવ્યો અને તેની કડકાઈથી પૂછપરછ કરી હતી. ત્યારે આરોપીએ સમગ્ર બાબતની કબૂલાત કરી હતી. આ બાબતે પોલીસને જાણ કરાતા ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.