ખબર

અમદાવાદના વ્યક્તિને મિત્રતા નિભાવવી પડી ભારે ! આધેડે ટૂંકાવ્યુ જીવન, સાઇડ નોટમાં ખુલ્યુ ચોંકાવનારુ રહસ્ય

અમદાવાદ વેજલપુરમાં આધેડે કરી આત્મહત્યા, મરતા પહેલા કહ્યું કે, હું શાંતિથી જમી પણ નથી શકતો સુઈ પણ…સુસાઇડ નોટમાં થયો મોટો ધડાકો

ગુજરાતમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાનું ચલણ ખૂબ વધ્યુ છે. લોકો ઘણીવાર નાની નાની વાતોમાં આપઘાત જેવું મોટુ પગલુ ભરી લેતા હોય છે. ઘણીવાર કોઇ પ્રેમ સંબંધમાં જીવન ટૂંકાવી લેતુ હોય છે, તો ઘણીવાર કોઇ માનસિક હેરાનગતિને કારણે જીવન ટૂંકાવી લેતુ હોય છે. ત્યારે અમદાવાદમાંથી હાલ આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના વેજલપુરમાં એક વ્યક્તિને મિત્રતા નિભાવવી ભારે પડી છે. પોતાના નામે કેટલીક વસ્તુઓ ખરીદવા માટે મિત્રને લોન અપાવી અને તે મિત્રએ લોનના રૂપિયા ન ભરતા ઉઘરાણીથી કંટાળી આધેડે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યુ છે.

આ ઘટના બાદ દંપતી વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, વેજલપુરમાં આવેલ વણકરવાસમાં મહેન્દ્રકુમાર ગોહેલે એક દંપતીથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. તેમના પર્સમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેના આધારે પોલીસે યોગેશ શુક્લા અને તેની પત્ની વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો. આરોપીઓએ મૃતકના નામે લોન લીધી હતી અને છેલ્લા બે મહિનાથી હપ્તા ભરતા નહતા.

જેના કારણે બેંકની ઉઘરાણીથી કંટાળી તેમણે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં મૃતકે કર્યો છે. તેમણે નોટમાં લખ્યું હતુ કે, યોગેશ શુક્લા અને તેની પત્નીએ મળીને મારા નામે અલગ અલગ વસ્તુની લોન લીધી અને મારી સાથે છેતરપિંડી કરી છે. છેલ્લા બે મહિનાથી બેંકનો હપ્તો ન ભરતા બેન્કોવાળા મારા ઘરે આવીને ઉઘરાણી કરે છે. આ વાતથી હું એટલો કંટાળી ગયો છું કે હું શાંતિથી જમી પણ શકતો નથી સુઈ પણ શકતો નથી.

તે બંનેને કારણે મારા સુખી સંસારમાં આગ લાગી છે. તેમના કારણે મારુ જીવન બરબાદ થઈ ગયુ છે. મારા ડોક્યુમેન્ટ તેના મોબાઇલમાં છે અને મારી બેંકના ક્રેડિટ કાર્ડ પણ તેની પાસે છે. આ મહિનાનો પગાર પણ તે લોકોએ ઉઠાવી લીધો છે. ત્યારે હવે આ બધુ મારાથી સહન થતું નથી અને એ માટે હું આત્મહત્યા કરું છું. યોગેશ શુક્લા તથા તેની પત્નીને એવી સજા અપાવશો કે, જેથી કરીને તે મારા જેવા ભોળા તથા નિર્દોષ લોકો સાથે તેઓ આવી રીતે છેતરપિંડી કરે નહીં.