ખબર

શરમજનક: અમદાવાદના પબ્લિક ગાર્ડનમાં 15 થી 16 વર્ષના લબરમુછીયા હુક્કા પાર્ટી એન્જોય કરતા હોય તેવો વીડિયો થયો વાયરલ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યુ છે. છેલ્લા ઘણા સમયથી દારૂની હેરાફેરીના કે દારૂની મહેફિલ માણવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતનું ભાવિ નશાના રવાડે ચઢી ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. દારૂ અને ડ્રગ્સની હેરાફેરી તેમજ મહેફિલ માણતા લોકોને હવે કોઇ ડર જ રહ્યો નથી એમ લાગી રહ્યુ છે.

હાલમાં અમદાવાદમાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જે લોકોના હોંશ ઉડાવી રહ્યો છે. પબ્લિક ગાર્ડનમાં બેફામ રીતે કેટલાક યુવકો હુક્કાની મહેફિલ માણી રહ્યા છે. ગાર્ડનમાં હુક્કા પાર્ટી માણતા આ લોકોનો વીડિયો એક જાગૃત નાગરિક દ્વારા ઉતારવામાં આવ્યો હતો.

આ વીડિયો સામે આવ્યા બાદ હવે પોલિસ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યુ છે. આવા લોકોને કારણે સામાન્ય જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. થોડા સમય પહેલા ઇસનપુરમાં દારૂના વેચાણ દરમિયાન લાઇનો લાગી હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.

ત્યારે હવે અમદાવાદમાંથી જાહેરમાં હુક્કાની મજા માણતા લોકોનો વીડિયો વાયરલ થયો છે. અમદાવાદના મણિનગરમાં આવકાર હોલ ઘોડાસર ચોકડી પાસે આવેલા અમૂલ ગાર્ડનમાં કેટલાક યુવકો ઘસી આવ્યા હતા અને આ દરમિયાન ગાર્ડનની અંદર મહિલાઓ અને બાળકો સહિત વૃદ્ધો પણ હતા. ત્યારે સામાન્ય જનતાની કોઇ પણ પરવાહ કર્યા વગર અને પોલિસનો ખોફ રાખ્યા વગર તેઓ બેફામ હુક્કાની પાર્ટી કરી રહ્યા હતા.

ત્યારે આ જ વિસ્તારમાં રહેતી એક મહિલાએ હિંમત કરી અને ગાર્ડનમાં આ ટપોરીઓ જે હુક્કાપાર્ટી કરી રહ્યા હતા તેમનો વીડિયો ઉતારી લીધો. આ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, ચાર-પાંચ છોકરાઓ હાથમાં હુક્કો લઈને ગાર્ડનમાં ઘૂસે છે અને જાહેરમાં બેસીને હુક્કાની મજા માણે છે. આ સમગ્ર ઘટનાથી કેટલાક લોકો ગાર્ડન છોડીને જતા રહે છે. આ વીડિયો જેણે ઉતાર્યો તે મહિલા જણાવે છે કે, તેઓ આ ગાર્ડનમાં નિયમિત આવે છએ અને બીજા પણ ઘણા લોકો આવે છે, ત્યારે ગાર્ડનમાં આવા લોકો ઘૂસી ગયા બાદ લોકો ત્યાં જતાં હવે ફફડે છે. આ બનાવ અંગે ઇસનપુર પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે તેઓ આ પ્રકરણમાં તપાસ કરાવી રહ્યા છે.