અમદાવાદ : લિવ ઈન રિલેશનશીપમાં રહેતા પ્રેમી પંખીડાઓ વચ્ચે થઈ માથાકૂટ, પ્રેમિકાએ પ્રેમીનું માથું દિવાલ પર પછાડીને કરી દીધી હત્યા

4 વર્ષમાં પ્રેમનો ધ એન્ડ: લિવ ઈન રિલેશનશિપમાં રહેતી પ્રેમિકાએ દીવાલે માથું પછાડી પ્રેમીને પતાવી દીધો, અમદાવાદનો ચકચારી કિસ્સો

Ahmedabad GF Killed BF : ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે અને કેટલીકવાર આવા મામલામાં પ્રેમ પ્રકરણ તો કેટલીકવાર અંગત અદાવત સહિત અનેક કારણો હોય છે. ત્યારે હાલમાં અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ મધુવન ગ્લોરી સોસાયટીમાં રહેતા રવિકાન્ત ચૌહાણ નામના 29 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો અને આ હત્યા કોઇ બીજાએ નહિ પણ તેની પ્રેમિકાએ જ કરી હોવાનું ખુલ્યુ.

પત્નીનું મોત થયા બાદ યુવક આવ્યો આરોપી પ્રેમિકાના સંપર્કમાં
કૃષ્ણનગરમાં આવેલી હોટેલ સર્ચ સ્ટોપના રૂમ નંબર 203માંથી રવિકાન્તનો મૃતદેહ મળી આવ્યો હતો અને તે બાદ હોટલ સ્ટાફે પોલીસને જાણ કરી હતી. ત્યારે ઘટનાની જાણ થતા કૃષ્ણનગર પોલીસ તપાસ કરી તો મૃતક સાથે ભારતી શર્મા નામની યુવતી હોટેલમાં રોકાઈ હોવાનું સામે આવ્યું. આ આધારે ભારતીની પૂછપરછ કરવામાં આવી અને રવિકાન્ત અને ભારતી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોવાનું સામે આવ્યુ.

લિવ ઇન રિલેશનશિપ દરમિયાન થઇ એક દીકરી
તપાસમાં એ પણ સામે આવ્યુ કે બંને વચ્ચે ઝઘડો થતા ભારતીએ દીવાલ પર રવિકાન્તનું માથું પછાડ્યુ અને તેને કારણે રવિકાન્તનું મોત નીપજ્યું. મૃતકના 2015માં પ્રેમનગર પાસે રહેતી એક યુવતી સાથે લગ્ન થયા હતા. પણ 2018માં તેનું ડિલિવરી સમયે મોત થઇ ગયુ. તે પછી મૃતક ચાર વર્ષ પહેલાં ભારતી શર્માના સંપર્કમાં આવ્યો અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા બંને લિવઈનમાં રહેતા હતા.

માથાકૂટ થતા પ્રેમિકાએ પ્રેમીનું માથુ દીવાલ પર પછાડ્યુ
જો કે, આ દરમિયાન તેમને એક દીકરી પણ થઇ, જે હાલ ત્રણ વર્ષની છે. જો કે, ઘરે કોઈને ખબર ન પડે એટલે મૃતક ભારતીને અલગ રાખતો અને છેલ્લા 6 મહિનાથી તે પણ ઘર છોડીને તેની પાસે રહેવા લાગ્યો હતો. ત્યારે 4 ઓગસ્ટે બંને હોટેલમાં પાર્ટી કરવા ગયા અને રાતે કોઈ બાબતે ઝઘડો અને મારામારી થતા ભારતીએ રવિકાન્તનું દીવાલ સાથે માથુ પછાડયું અને આ પથી રવિકાન્ત બેભાન થઈ જતા ભારતી રૂમમાં બેડ પર સુવડાવીને જતી રહી.

 

પ્રેમી બેભાન થઇ જતા હોટલમાંથી ભાગી ગઇ
જો કે, ગંભીર ઇજાના કારણે રવિકાન્તનું ત્યાં જ મોત નીપજ્યું. પોલીસે આરોપી ભારતીની અટકાયત કરીને નારી સંરક્ષણ ગૃહમાં નજર કેદ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કૃષ્ણનગર પોલીસે આરોપીની અટકાયત કરી છે અને હત્યાના કારણને લઈને પૂછપરછ હાથ ધરી છે.

Shah Jina