લગ્ન વાંછુક યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો ! અમદાવાદની યુવતીને મેટ્રિમોનિયલ સાઈટ પર જીવનસાથી શોધવો ભારે પડ્યો

ઓનલાઇન મુરતિયો શોધવો અમદાવાદની યુવતીને ભારે પડ્યું, અધધધધ લાખ લૂંટી લીધા, આખી કહાની સાંભળીને મગજ ટલ્લે ચડી જશે

હાલમાં ઓનલાઇન વસ્તુઓનું ચલણ ખૂબ વધ્યુ છે. જીવનને સરળ બનાવવા માટે ઘણા કામો હવે લોકો ઓનલાઈન કરવાનું પસંદ કરતા હોય છે. ત્યારે હવે તો ઓનલાઈન શોપિંગનું ચલણ પણ ખૂબ જ વધી ગયુ છે, પરંતુ આ બધાની સાથે સાથે ડેટિંગ એપ્સ અને મેટ્રિમોનિયલ સાઈટનો ઉપયોગ પણ હવે વધ્યો છે. ત્યારે ઘણીવાર લોકો તેનો દુરૂપયોગ પણ કરતા હોય છે અને આ માટે આપણે ઓનલાઈન સુવિધાઓનો ઉપયોગ કરતી વખતે ઘણી સાવચેતી પણ રાખવી પડતી હોય છે. ત્યારે હાલમાં લગ્ન વાંછુક યુવતીઓ માટે અમદાવાદમાંથી ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદની એક યુવતિને મેટ્રોમોનીયલ સાઈટ પરથી જીવનસાથી શોધવો ભારે પડ્યો છે. તેની જે યુવક સાથે મુલાકાત થઈ હતી તેણે ધીરે ધીરે કરીને તેની પાસેથી 22 લાખ રુપિયા પડાવી લીધા હતા. અમદાવાદની એક યુવતિને યુવકે કરોડો રૂપિયાની ગિફ્ટ મોકલી હોવાની લાલચ આપી અલગ-અલગ ટેકસ પેટે 22 લાખ જેટલા રૂપિયા પડાવી લીધા હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની વિગત તપાસીએ તો, અમદાવાદની એક યુવતીનો મેટ્રોમોનિયલ સાઇટ પરથી સંપર્ક અમોલ દલવી નામના યુવક સાથે થયો હતો.

જે મૂળ પુણેનો અને પોતે વર્ષોથી યુકેમાં રહીને ત્યાં ગ્લાસગો સીટીમાં મોરીશન કન્ટ્રકશન લી. નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે તેવી ઓળખ આપી હતી. તેણે એવું કહી ઓળખ આપી કે પોતે નાનપણથી યુકેમાં રહેતો હતો અને તે ભારતની છોકરી સાથે લગ્ન કરવા માગે છે અને પછી ભારતમાં રહેવા માગે છે. જે બાદ તેણે પીડિતા સાથે ચેટ દ્વારા તેમજ વોટ્સએપ ઓડીયો કોલિંગથી વાતચીત કરી અને પછી તેના ફોટાઓ મોકલી ફરીયાદીનો વિશ્વાસ જીત્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

બાદમાં આરોપીએ યુકેથી પાર્સલ મોકલ્યા જેમાં યુકેની કરન્સી હોવાનું કહ્યું, જે ભારતીય ચલણ પ્રમાણે બે કરોડ જેટલી થાય છે. જે પાર્સલ છોડાવવા માટે યુવતિને કહ્યુ હતું. પછી આરોપીઓએ મુંબઇ કસ્ટમ વિભાગમાંથી બોલાતા હોવાનું જણાવી યુકેથી પાર્સલ આવેલું છે તેવું ફરીયાદીને જણાવી તેમજ મુંબઇ બ્રિટીશ એમ્બેસીની ઓળખ આપી અને અમોલ દલવી વતી પાર્સલ છોડાવી આપશે તેમ કહી અલગ અલગ ચાર્જીસ પેટે રૂપિયા 21,79,500 બેંક એકાઉન્ટમાં ભરાવ્યા હતાં.

જે બાદ યુવતિને ભાન આવતા કે તેની સાથે છેતરપીંડી થઇ છે તો તેણે પોલિસ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમએ તપાસ કરી.અલગ-અલગ ફોનથી વાતચીત તેમજ બેન્ક એકાઉન્ટ, તેમજ ફરિયાદી પાસેથી નાણાં મેળવ્યા હતા તે દિલ્હીના ઇરફાનખાન હોવાનું સામે આવ્યું હતું. જે બાદ તેને ઝડપી લેવામાં આવ્યો હતો. હાલમાં તો પોલીસે આરોપીની ધરપકડ કરીને આ ગુનામાં અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલ છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Shah Jina