ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મના કિસ્સા સામે આવે છે. યુવતિઓ અને સગીરાઓ સહિત પરણિતા પર પણ બળાત્કારના મામલા સામે આવે છે. આવા ઘણા કિસ્સાઓમાં તો કેટલીકવાર સંબંધો પણ શર્મશાર થાય છે. ત્યારે હાલમાં અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક 24 વર્ષીય પરણિતા પર સસરા દ્વારા દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે.
આ મામલે પીડિતાએ તેના સસરા વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે અને મામલો બહાર આવતા જ લોકો સસરા પર ફિટકાર વરસાવી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, અમદાવાદના વસ્ત્રાલમાં આવેલ આવાસ યોજનામાં રહેતી એક પરિણીતાના લગ્ન હજુ તો ચાર મહિના પહેલા જ થયા હતા. પરિણીતા પતિના પરિવાર સાથે રહેતી હતી અને તેનો પતિ એક ખાનગી કંપનીમાં કામ કરે છે,
જ્યારે સસરા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. 28 એપ્રિલે જ્યારે મહિલાનો પતિ નોકરી ગયો હતો ત્યારે મહિલા રોજની જેમ તેનું કામ કરી રહી હતી.ત્યારે અચાનક બપોરના સમયે જ્યારે મહિલા બાથરૂમમાં કપડા ધોઈ રહી હતી ત્યારે સસરાએ તેના પર નજર બગાડી.
સસરાએ કપડા ધોઇ રહેલી વહુને પાછળથી બાથમાં ભીડી અને જમીન પર સુવડાવીને એક હાથે તેનું મોઢુ બંધ કર્યુ અને બીજા હાથે રૂમાલ બાંધી દીધો. જે બાદ તેણે જબરદસ્તી પુત્રવધુ પર દુષ્કર્મ ગુજાર્યુ. આ ઘટના બાદ સસરાએ પીડિતાને ધમકી આપી હતી કે જો તે આ વાતની જાણ તેના પતિને કરશે તો તે તેને જાનથી મારી નાખશે.
ત્યારે આ ઘટનાથી હેબતાઈ ગયેલી પીડિતા પતિને જાણ કર્યા વગર પિયર જતી રહી અને ત્યાં એકદમ ગુમસુમ રહેવા લાગી. પોતાની પુત્રીને આવી રીતે સુમસામ રહેતા જોઇ પિતાએ પૂછપરછ કરી તો મહિલા ભાંગી પડી અને સસરાની કરતૂત અંગે પિતાને જાણ કરી. ત્યારે પત્નીને લેવા પહોંચેલા પતિને આ ઘટનાની જાણ થતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.
જે બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં પોતાના સસરા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. ત્યારે ફરિયાદ નોંધાયા બાદ રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી.