અમદાવાદમાં 18 વર્ષીય યુવકનું ઇન્જેક્શનના ઓવરડોઝથી કંપારીભર્યું મોત, મિત્ર એ મજા આવશે કહી અવળા રવાડે ચડાવ્યો

અમદાવાદમાંથી એક ચેતવતો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, ઈસનપુરમાં આવેલ ઘોડાસર તળાવ પાસે ગત શુક્રવારના રોજ એક વિધાર્થીની લાશ મળી આવી હતી, જેનું ઈન્જેક્શનના ઓવરડોઝના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ 18 વર્ષીય વિદ્યાર્થીએ મિડાઝોલમ નામની દવાનો 3MLનો ડોઝ ઈન્જેક્શનમાં લીધો અને ગણતરીની મિનિટોમાં જ તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગતા તેનું મોત નીપજ્યું હતું.

આ અંગે મૃતકની માતાએ ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા પોલીસે રાજસ્થાનથી આરોપીની ધરપકડ કરી છે અને તેના વિરૂદ્ધ સાઅપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, મૂળ રાજસ્થાનનો અને વટવામાં રહેતો તેમજ દહેગામ મોનાર્ક યુનિવર્સિટીમાં બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો 18 વર્ષીય પ્રિન્સ શર્મા કાયમ તેના મિત્ર તરુણ સાથે કોલેજમાં આવતો-જતો.

ત્યારે ગત શુક્રવારે સવારે પણ પ્રિન્સ રોજની જેમ જ કોલેજ જવા તરુણ સાથે નીકળ્યો હતો. જો કે કોલેજ પહોંચવાની જગ્યાએ બંને ઘોડાસર તળાવમાં તેના મિત્ર જયદીપ સુથારને મળવા પહોંચ્યા, જે એક ખાનગી હોસ્પિટલમાં મેઈલ નર્સ તરીકે કામ કરે છે. જયદીપ સુથાર અવારનવાર સર્જરી દરમિયાન બેભાન કરવા માટે વપરાતા ઈન્જેક્શનની હોસ્પિટલમાંથી ચોરી કરતો અને નશાના આદી બનેલા લોકોને આપી તેમની પાસેથી રુપિયા લેતો.

ત્યારે શુક્રવારે ઘોડાસર તળાવ પાસે બેસેલા જયદીપે પ્રિન્સને મિડાઝોલમ નામની દવા બતાવી અને કહ્યું- આ દવાનો એકવાર નશો કર તને મજા આવશે. જો કે પ્રિન્સે હા પાડતા તેણે તરત ઈન્જેક્શનમાં 3MLનો ડોઝ આપી દીધો. ઈન્જેક્શન લીધા બાદ પ્રિન્સ એકદમ નશામાં ધૂત થઈ ગયો અને આસપાસનું તેને કંઇ ભાન ના રહ્યું.

જો કે ગણતરીની મિનિટોમાં જ તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું અને આ પછી તે ઢળી પડ્યો. આ જોઈ તેની સાથે આવેલ તરુણ એકદમ ગભરાઈ ગયો અને તેને જયદીપે કહ્યું કે, થોડા કલાકોમાં હોંશ આવી જશે, હું ખરીદી કરીને આવું છું. જો કે આ સમયે પ્રિન્સના મિત્ર તરુણે ફોન કરી એક મિત્રને જાણ કરી અને પછી પ્રિન્સના માતા-પિતાને પણ જાણ કરી. પ્રિન્સના માતા-પિતાને જાણ થતા જ તેઓ ઘોડાસર તળાવ દોડી આવ્યા અને તાત્કાલિક તેને સારવાર માટે લઇ ગયા.

જો કે આ પહેલા જ તેનું મોત થઇ ચૂક્યું હતુ. ત્યારે આ મામલે મૃતક પ્રિન્સની માતાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં જયદીપ સુથાર સામે સાઅપરાધ મનુષ્ય વધની ફરિયાદ નોધાવી છે અને આ પછી પોલીસે જયદીપની રાજસ્થાનથી ધરપકડ કરી છે. મૃતકનાં પરિવારજનોએ આક્ષેપ છે કે જયદીપ સુથાર આ રીતે યુવાનોને નશાના રવાડે ચઢાવતો અને પૈસા કમાવતો. આ ઉપરાંત એવું પણ કહ્યુ કે પ્રિન્સ શર્માએ આ પહેલા તેને ટુકડે-ટુકડે પૈસા પણ આપ્યા છે અને બે વાર આ રીતે ઈન્જેક્શન લઈને નશો પણ કર્યો છે.

Shah Jina