ગુજરાતમાંથી શેરબજારમાં રોકાણ કરવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાની સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઇ છે. દંપતિએ શેરબજારમાં રોકાણ કરી કરોડો રૂપિયા કમાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી છે, જેને લઈને સીઆઈડી ક્રાઈમમાં 2 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપી જીગર તુલી પંજાબી અને સપના મલ્હોત્રા તુલીએ કંપની ખોલી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ બંનેએ શેરબજારમાં રોકાણ કરી વધુ નફો કરાવી આપવાની લાલચ આપી 1.8 કરોડની છેતરપિંડી આચરી છે.
ઠગ બંટી બબલી દંપતીએ નરોડા રીંગ રોડ નજીક આવેલ બીલાસીયા ગામમાં રહેતા વેપારીને લાલચ આપી “અમારી કંપની” થકી આઈપીઓમાં 1.80 કરોડનું રોકાણ કરાવ્યું અને 20 દિવસમાં બમણો નફો મળશે તેમ કહી રૂ.1.80 કરોડના ચેક આપ્યા. જો કે ચેક બાઉન્સ જતા વેપારીએ જીગર ઉર્ફે બાબા તુલી અને સપના તુલી વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી. હાલ તો આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. વિજયભાઈ પટેલ બિલાસીયા ગામમાં પરિવાર સાથે રહે છે અને ઓઢવ રિંગ રોડ પર લિફ્ટ બનાવવાની કંપની ધરાવે છે.
ત્યારે વિજયભાઈની ન્યુ રાણીપમાં આશ્રય-9 નામના કોમ્પ્લેક્ષમાં ત્રણ દુકાનો આવેલી છે જે ભાડેથી આપવાની હોવાથી જીગર અને તેની પત્ની સપનાએ વેપારીનો સંપર્ક કર્યો હતો અને ત્રણ વર્ષ માટે દુકાન ભાડે લીધી હતી. ઠગ દંપતીએ બે વર્ષ સુધી તો સમયસર ભાડું ચૂકવી આપ્યું પણ છેલ્લા કેટલાક મહિનાથી ભાડું નહોતા આપતા જેથી વેપારીએ ભાડાની માંગણી કરતા આ ઠગ દંપતીએ કહ્યું, તમારી દુકાન અમને ફળી છે અને કરોડો રૂપિયાનો ફાયદો અમારા ધંધામાં થયો છે. એટલે તમારી ત્રણ દુકાન અમારે ખરીદી લેવાની ઈચ્છા છે.
ફરિયાદીએ ત્રણ દુકાનની વેચાણ કિંમત રૂ.1.25 કરોડ નક્કી કરી અને ત્યારબાદ ઠગ દંપતીએ ત્રણમાંથી બે દુકાનના 80 લાખ ચૂકવી આપ્યા. જો કે જે દુકાન સૌથી મોટી હતી તેના 1 કરોડ ન ચૂકવ્યા અને બાદમાં આ ઠગ દંપતીએ પોતાની કંપની મારફતે આઈપીઓમાં રૂપિયા 1 કરોડનું રોકાણ કરશો તો અગામી 20 દિવસમાં 1.80 લાખ મળશે તેવી લાલચ આપી. વેપારી પાસે એક કરોડ રૂપિયાનું આઈપીઓમાં રોકાણ કરાવ્યું અને ઠગ દંપતિએ વેપારીને રૂપિયા આપવા માટે 1.80 કરોડના ચેક આપ્યા.
જો કે ચેક વેપારીએ બેંકમાં જમા કરાવ્યા તો ચેક રિટર્ન આવ્યા અને આ પછી વેપારીએ જીગર તુલીને ફોન કરીને જાણ કરી તો તેણે એવું બહાનુ બતાવ્યુ કે થોડા દિવસ બાદ તમામ રૂપિયા ચૂકવી દઇશું. જો કે આખરે વેપારીએ આ મામલે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.