સમગ્ર દેશની સાથે હવે ગુજરાતમાંથી પણ બહેન દીકરીઓ સાથે છેડછાડ અને તેમની સાથે દુષ્કર્મ આચરવાની ઘટનાઓ સામે આવવા લાગી છે, ત્યારે હાલ અમદાવાદના વાડજ વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે જે જાણતા કોઈનું પણ લોહી ઉકળી ઉઠે. અહીંયા એક વૃદ્ધ વ્યક્તિએ 3 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરી અને ફરાર થઇ જવાનો પ્રયત્ન કરતા પહેલા પોલીસે ઝડપી પડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહેતા એક આધેડ ઉંમરના વ્યક્તિ ત્રણ વર્ષની બાળકીને રમાડવાના બહાને તેના ઘરમાં લઇ આવ્યો હતો. જેના બાદ વિકૃત મગજના આ વ્યક્તિએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેના બાદ તે ઘરમાંથી ફરાર થઇ ગયો હતો.

આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસ પણ દોડતી થઇ હતી. અને આરોપી આધેડની શોધખોળ શરૂ કરી હતી. જેના બાદ વતન ભાગવાની ફિરાકમાં ભાગી રહેલા આ આધેડને પોલીસે અમદાવાદ રેલવે સ્ટેશનથી ઝડપી પડ્યો હતો. આ આધેડનું નામ રામશરણ ચૌહાણ સામે આવ્યું છે.

આરોપી રામશરણ ચૌહાણ મૂળ ઉત્તરપ્રદેશ રહેવાસી છે. વતનમાં પત્ની અને બે દીકરીઓ રહે છે અને છેલ્લાં એક વર્ષથી અમદાવાદમાં રોજગારી માટે આવ્યો હતો. વાડજ વિસ્તારમાં રહીને છૂટક મજૂરી કરતો હતો. આ દરમિયાન આધેડે પાડોશમાં પણ સંબંધો બનાવ્યા હતા, જેના બાદ બાળકીને તેના ઘરે લઇ આવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આધેડ આ આગાઉ પણ બાળકીને રમાડવા માટે લઇ ગયો હતો તે અંગેની પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આધેડની ધરપકડ કરી અને રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે. ત્યારે આ ફૂલ જેવી બાળકીને પણ મેડિકલ રિપોર્ટ કરાવી અને વધુ તપાસ હાથ ધરી છે.