વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો ! 8 વર્ષના બાળકે ભૂતિયા ફિલ્મ જોઇ લગાવી લીધી ફાંસી

8 વર્ષના બાળકે પહેલા હોરર ફિલ્મ જોઇ પછી આ કામ કરવા ફાંસીએ લટકી ગયો, કારણ છે ચોંકાવનારું

સિનેમા, મોબાઇલ અને સોશિયલ મીડિયાની બાળકો પર ખરાબ અસર પડે છે. બાળકો ફિલ્મો જોઇ તેવું જ કરવાનો પ્રયાસ કરે છે. ઘણીવાર ફિલ્મોમાં આવતા સીનને બાળકો રમત રમતમાં રિક્રિએટ કરવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ ઘણીવાર એવી દુર્ઘટના ઘટતી હોય છે કે જે માતા-પિતાના વિચાર બહાર હોય છે. હાલ આવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં 8 વર્ષના બાળકે પહેલા મોબાઇલ ફોન પર હોરર ફિલ્મ જોઇ અને પછી તેના જેવું કરવાના ચક્કરમાં ફાંસી લગાવી જીવ આપી દીધો. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

પુણેને અડીને આવેલા પિંપરી ચિંચવાડમાંથી આ હ્રદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. 8 વર્ષના બાળકે મોબાઈલ ફોન પર હોરર ફિલ્મ જોઈ, પછી સીન રિક્રિએટ કરવાના પ્રયાસમાં ફાંસી લગાવી લીધી.નવાઈની વાત એ છે કે બાળકે પહેલા તેની ઢીંગલીને ફાંસી આપી અને પછી આ જીવલેણ પગલું ભર્યું. સોમવારે સાંજે આ ઘટના પિંપરી ચિંચવડના થેરગાંવ વિસ્તારમાં બની હતી. 8 વર્ષનો બાળક તેના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે રહેતો હતો. ઘટના સમયે માતા રસોડામાં હતી. બાળકના ભાઈ અને બહેન બહાર બેસીને ભણતા હતા.

બાળક રૂમમાં એકલો હતો અને મોબાઈલ ફોન પર હોરર ફિલ્મ જોઈ રહ્યો હતો. આ બાળક બહેનના રૂમ આગળ એક ઢીંગલી લાવ્યો અને મોઢા પર કાળું કપડું બાંધીને લટકાવ્યું. આ પછી, તેણે તેના ગળામાં બારી સાથે દોરડું બાંધ્યું અને પલંગ પરથી કૂદી ગયો. તમને જણાવી દઈએ કે ટૂંકા દોરડાના કારણે તેનો પગ જમીન સુધી ન પહોંચ્યો અને બાળકનું શ્વાસ રૂંધાવાને કારણે ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. બાળકની માતાએ કહ્યું- હું ઉપર કામ કરતી હતી. બાળક નીચે રમતું હતું. જ્યારે હું નીચે આવી ત્યારે મેં જોયું કે તે નીચે પડેલો હતો અને તેના ચહેરા પર કપડું બાંધેલું હતું. જ્યારે મેં કપડું હટાવ્યું, ત્યારે મેં તેના ગળામાં ફાંસીનો ફંદો જોયો.

તેણે આગળ જણાવ્યુ કે, તેનું શરીર ઠંડુ પડી ગયું હતું.વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટરના જણાવ્યા પ્રમાણે તેમને માહિતી મળી હતી કે એક બાળકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ પછી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાળકને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેના મોતની પુષ્ટિ થઈ. બાળકના પિતા જ સોસાયટીમાં ચોકીદાર છે. માતા ઘરોમાં રસોઈ બનાવવાનું અને સાફસફાઈનું કામ કરતી. હાલ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

બાળકની માતાના જણાવ્યા અનુસાર, જ્યારે તે પોતાનું કામ પૂરું કરીને તેના પુત્રને શોધતી રૂમમાં પહોંચી તો તે ત્યાં લટકતો હતો. તેની માતા તેને નીચે ઉતારીને હોસ્પિટલ લઈ ગઈ. અહીં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ પોલીસ તેને આત્મહત્યા માની રહી છે અને તપાસ આગળ ધપાવી રહી છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી સ્પષ્ટ થશે કે મૃત્યુ પાછળ અન્ય કોઈ એંગલ નથી.

Shah Jina