દેશના ચર્ચિત શ્રદ્ધા હત્યાકાંડના આરોપી આફતાબ અમીન પૂનાવાલાના વધુ એક રહસ્યનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે શ્રદ્ધાની હત્યા કર્યા પછી, આફતાબે હોલીવુડ સેલિબ્રિટી જોની ડેપ અને એમ્બર હર્ડના માનહાનિ કેસની લાઈવ ટ્રાયલ જોઈ હતી, તે પણ 100 કલાકથી વધુ સમય સુધી.
આ નવી માહિતી આફતાબના ઈન્ટરનેટ સર્ચ હિસ્ટ્રીમાંથી સામે આવી છે. આફતાબની ઈન્ટરનેટ સર્ચ હિસ્ટ્રી તપાસ્યા બાદ જાણવા મળ્યું કે તેણે શ્રદ્ધાની હત્યાના થોડા દિવસો બાદ જૂન મહિનામાં દુનિયાના સૌથી મોંઘા કેસની ટ્રાયલ ઘણી વખત જોઈ અને વાંચી હતી. જ્યારે મુંબઈ પોલીસ શ્રદ્ધાના ગુમ થવાના કેસની તપાસ કરી રહી હતી અને આફતાબની અનેક વખત પૂછપરછ કરી રહી હતી ત્યારે તે મુંબઈ પોલીસને ગેરમાર્ગે દોરવામાં સફળ રહ્યો હતો.
તેણે મુંબઈ પોલીસની સામે દાવો કર્યો હતો કે શ્રદ્ધાએ તેને છોડી દીધો હતો, જેના પર મુંબઈ પોલીસે વિશ્વાસ કર્યો અને આફતાબને છોડી દીધો. શરૂઆતમાં તેણે દિલ્હી પોલીસને આ જ વાત કહી હતી. દક્ષિણ જિલ્લા પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં તે દિલ્હી પોલીસને પણ ગેરમાર્ગે દોરતો રહ્યો.
પરંતુ હવે આફતાબના ઈન્ટરનેટ સર્ચ હિસ્ટ્રીમાં ખુલાસો થયો છે કે કેવી રીતે તેણે કાયદાકીય ચાલાકીની દરેક યુક્તિને અગાઉથી જાણવા અને સમજવાનો પ્રયાસ કર્યો અને તેનો ઉપયોગ દિલ્હી-મુંબઈ પોલીસની તપાસને ગૂંચવવા માટે કર્યો. આફતાબ પૂનાવાલાની દિલ્હી પોલીસે 12 નવેમ્બરે આફતાબની ધરપકડ કરી હતી. આ પછી તેને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
17 નવેમ્બરે તેની કસ્ટડી વધુ પાંચ દિવસ લંબાવવામાં આવી હતી. 26 નવેમ્બરે કોર્ટે તેને 13 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. આ દરમિયાન તેનો પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવ્યો. આફતાબ પર મે મહિનામાં દિલ્હીના મહેરૌલીમાં એક એપાર્ટમેન્ટમાં શ્રદ્ધાની હત્યા કરવાનો આરોપ છે. હત્યા કર્યા બાદ તેણે શ્રદ્ધાના 35 ટુકડા કરી દીધા અને તેને અલગ અલગ વિસ્તારોમાં ફેંકી દીધા.
આફતાબના વકીલનું કહેવું છે કે તેણે કોર્ટમાં ગુનો કબૂલ કર્યો નથી. નાર્કો-એનાલિસિસ ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન પણ આફતાબનું વર્તન શાંત હતું. આફતાબને હત્યાનો કોઈ પસ્તાવો નથી. આફતાબ હાલ તિહાર જેલમાં બંધ છે. દુનિયાના સૌથી મોંઘા કેસની વાત કરીએ તો, હોલીવુડ સુપરસ્ટાર જોની ડેપની પૂર્વ પત્નીએ 2018માં એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તે ઘરેલુ હિંસાનો શિકાર છે.
જોનીએ તેનું શારીરિ અને માનસિક શોષણ કર્યું હતું. જો કે આ પછી જોનીએ તેની પૂર્વ પત્ની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સમગ્ર વિશ્વમાં આ કેસની ચર્ચા થઈ હતી. આ કેસમાં 100 કલાકની જુબાની ચાલી હતી અને કોર્ટમાં જોની વતી જોરદાર દલીલો કરવામાં આવી હતી. આ મામલો દુનિયાભરમાં લાઈવ જોવા મળ્યો હતો.