ક્રૂર આફતાબે ઘણીવાર કર્યુ શ્રદ્ધાનું શારીરિક શોષણ, ડોક્ટરે કર્યો સૌથી મોટો ખુલાસો

હાલમાં તો જો કોઇ કેસની દેશભરમાં ચર્ચા થઇ રહી છે તો તે છે શ્રદ્ધા વોકર હત્યાકાંડ. શ્રદ્ધાના લિવ ઇન પાર્ટનર આફતાબે પાંચ-છ મહિના પહેલા શ્રદ્ધાનું ગળઉ દબાવી હત્યા કરી હતી. તે બાદ તેણે શ્રદ્ધાના કથિત રીતે 35 ટુકડા કર્યા હતા અને તેને રાખવા માટે તેણે એક ફ્રિજ પણ ખરીદ્યુ હતુ. દિલ્લી પોલિસ હાલ આ કેસની તપાસમાં લાગેલી છે. ત્યારે રોજ રોજ આ કેસને લઇને નવા અને ચોંકાવનારા ખુલાસા પણ થઇ રહ્યા છે. હાલમાં જ શુક્રવારના રોજ શ્રદ્ધાના ચહેરા પર ઇજાના નિશાન વાળી તસવીર સામે આવી હતી.

જે બાદ શ્રદ્ધાની તેના મિત્ર અને તેના ટીમ લીડર સાથેની પણ વોટ્સએપ ચેટ સામે આવી, જે આફતાબ અમીન પૂનાવાલા દ્વારા દુર્વ્યવહારના એક પેટર્નનો ખુલાસો કરે છે. ઉત્પીડન બાદ 18 મેના રોજ શ્રદ્ધાની હત્યા કરી દેવામાં આવી હતી. શ્રદ્ધાએ મોત પહેલા તેના મિત્રો અને સહકર્મી સાથે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરી હતી. તેણે તેને કહ્યું હતું કે તેમના સંબંધોની શરૂઆતથી જ આફતાબ દ્વારા તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા એક ચેટમાં લખે છે, હું ગઈકાલના મારમાંથી સાજી થઈ શકી નથી,

મને લાગે છે કે મારું બીપી લો થઇ ગયુ છે અને મારા શરીરમાં દર્દ છે. તેણે બે વર્ષ પહેલા તેના ટીમ લીડર સાથે આ વાતચીત કરી હતી. તે સમયે તે તેના બોયફ્રેન્ડ આફતાબ સાથે મુંબઈ નજીક તેના વતન વસઈમાં રહેતી હતી. શ્રદ્ધાના ચહેરા પર ઈજાના નિશાન હતા. તેની તસવીર જોડતા તેણે તેના સાથીદારને કહ્યું, મારામાં બેડ પરથી ઊભા થવાની હિંમત નથી. શ્રદ્ધાએ એ પણ કહ્યુ હતુ કે, તમને જે તકલીફ પડી છે અને જે રીતે કામ પર અસર પડી છે તેના માટે હું માફી માંગુ છું. ગયા વર્ષે ડિસેમ્બરમાં શ્રદ્ધાને વસઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ડૉક્ટરે કહ્યું કે જ્યારે તે તેની પાસે આવી ત્યારે આંતરિક ઈજાઓ હતી. તેને પીઠનો દુખાવો, ઉબકા, ગરદનનો દુખાવો, ગરદન ખસેડવામાં મુશ્કેલી અને નીચલા અંગોમાં કળતર અને નિષ્ક્રિયતા હતી. જણાવી દઇએ કે, શ્રદ્ધા અને આફતાબની મુલાકાત ડેટિંગ એપ બમ્બલ દ્વારા થઈ હતી. તે 8 મેના રોજ દિલ્હી આવ્યો હતો અને 15 મેના રોજ છતરપુર વિસ્તારમાં શિફ્ટ થયો હતો. 18 મેના રોજ આફતાબે શ્રદ્ધાની હત્યા કરી અને તેના શરીરના 35 ટુકડા કરી અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા.

જ્યારે આફતાબને પૂછપરછ માટે પહેલીવાર બોલાવવામાં આવ્યો હતો ત્યારે તેણે કહ્યું હતુ કે શ્રદ્ધા 22 મેના રોજ ઘરેથી નીકળી ગઈ હતી. જો કે, તેનો તમામ સામાન ઘરમાં હતો, જેના માટે આફતાબે પોલીસને કહ્યું કે તેણે માત્ર તેનો ફોન લીધો હતો. તેણે એવું પણ કહ્યું હતુ કે જયારથી શ્રદ્ધા ગઇ ત્યારથી તેમણે એકબીજા સાથે વાત કરી નથી. જે બાદ પોલિસને તેના પર શંકા ગઈ અને સતત પૂછપરછ કરવા પર આફતાબે આખરે શ્રદ્ધાની હત્યા કર્યાની કબૂલાત કરી, તે બાદ 12 નવેમ્બરના રોજ તેની ધરપકડ કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી જે શ્રદ્ધાના અવશેષો પ્રાપ્ત થયા છે, તેના ડીએનએ મેચિંગ માટે તેના પિતા અને ભાઈના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યુ હતું કે આરોપી દ્વારા આપવામાં આવેલા જવાબોની “ભ્રામક પ્રકૃતિ”ને ધ્યાનમાં રાખીને તેના નાર્કો ટેસ્ટ માટે અરજી કરવામાં આવી હતી અને કોર્ટે મંજૂર આપી છે. દિલ્હીની એક કોર્ટે પોલીસને પાંચ દિવસમાં આરોપી આફતાબ અમીન પૂનાવાલાના નાર્કો ટેસ્ટ પૂર્ણ કરવાનું કહ્યુ છે.

Shah Jina