અફઘાનિસ્તાનની હાર બાદ સ્ટેડિયમમાં મચી ગઈ બબાલ, અફઘાન ચાહકોએ પાકિસ્તાની ચાહકોને ધોઈ નાખ્યા, જુઓ વીડિયો

બુધવારે રાત્રે પાકિસ્તાન-અફઘાનિસ્તાન મેચ બાદ એશિયા કપમાં ઘણો હંગામો થયો હતો. પાકિસ્તાન સામેની રોમાંચક હાર બાદ અફઘાન ચાહકો એટલા ગુસ્સે થઈ ગયા કે તેઓએ સ્ટેડિયમમાં જ તોડફોડ શરૂ કરી દીધી. આ દરમિયાન અફઘાન પ્રશંસકોએ પાકિસ્તાની દર્શકો પર ખુરશીઓ પણ ફેંકી હતી. અફઘાન અને પાકિસ્તાની દર્શકો વચ્ચે લડાઈના અહેવાલો છે.

એશિયા કપ 2022માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પછી કંઈક એવું બન્યું, જેના કારણે તમામ ક્રિકેટ ચાહકો નાખુશ છે. આ મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવીને રોમાંચક જીત નોંધાવી હતી. આ પછી સ્ટેડિયમમાં જ બંને ટીમના ચાહકો સામસામે આવી ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ દરમિયાન અફઘાનિસ્તાનના ચાહકો સ્ટેડિયમની ખુરશીઓ બહાર કાઢીને દોડી આવ્યા હતા અને પાકિસ્તાની ચાહકોને ફટકાર્યા હતા. સ્ટેડિયમની બહાર પાકિસ્તાની ચાહકો વચ્ચે મારામારી પણ થઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે અને હવે આ મામલે શારજાહ પોલીસ પાસેથી તપાસની માંગ કરવામાં આવી છે.

આ મેચમાં બીજા દાવની 19મી ઓવર અફઘાનિસ્તાનના ફરીદ દ્વારા કરવામાં આવી રહી હતી. પાકિસ્તાનના આસિફ અલીએ ઓવરના ચોથા બોલ પર સિક્સર ફટકારી હતી, પરંતુ આગામી બોલ પર તે આઉટ થઈ ગયો હતો. આ પછી ફરીદે તેને મેદાન છોડી જવાનો ઈશારો કર્યો અને થોડા શબ્દો પણ કહ્યા. જવાબમાં આસિફે પણ કંઈક કહ્યું અને મામલો એટલો વધી ગયો કે આસિફે ફરીદને મારવા માટે બેટ હાથમાં લીધું. અંતે અમ્પાયર બચાવમાં આવ્યા અને મામલો થાળે પડ્યો.

આ પછી 20મી ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે 11 રનની જરૂર હતી અને નસીમ શાહે પ્રથમ બે બોલમાં બે છગ્ગા ફટકારીને હારી ગયેલી મેચ જીતાડી લીધી. આ મેચમાં અફઘાનિસ્તાને 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 129 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને નવ વિકેટે 131 રન બનાવ્યા હતા અને ચાર બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.

પાકિસ્તાનની જીત બાદ ટીમના સમર્થકોએ સ્ટેડિયમમાં જશ્ન મનાવવાનું શરૂ કર્યું હતું. કેટલાક અફઘાન દર્શકોને આ પસંદ ન આવ્યું અને તેઓએ સ્ટેડિયમની ખુરશીઓ કાઢીને પાકિસ્તાની દર્શકો પર ફેંકવાનું શરૂ કર્યું. આ પછી વિવાદ વધી ગયો અને સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવ્યો કે અફઘાન સમર્થકોએ શારજાહની ગલીઓમાં પાકિસ્તાની ચાહકોને દોડાવી દોડાવીને માર માર્યો હતો.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના પ્રશંસકો વચ્ચેની લડાઈનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો બે જૂથમાં વહેંચાઈ ગયા છે. એક પાકિસ્તાની પત્રકારે આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે અને શારજાહ પોલીસ દ્વારા તપાસની માંગ કરી છે અને વીડિયોમાં પાકિસ્તાની ચાહકોને મારતા દેખાતા લોકોની ઓળખ કરવાની માંગ કરી છે.

Niraj Patel