કૌશલ બારડ લેખકની કલમે

અફઘાનમાં જઇને ઘોરીની ચીરી નાખનાર રાજપૂત વીર પર બનશે ફિલ્મ! આ એક્ટર બનશે પૃથ્વીરાજ ચૌહાણ – સ્ટોરી વાંચો

થોડા સમયથી બોલિવૂડમાં હિસ્ટોરીકલ બાયોપિક મૂવીઓનો સીલસીલો ચાલુ થયો છે તે સારી વાત છે. એવી એક બાયોપિક મૂવી તૈયાર થવાના સમાચાર આવી રહ્યાં છે. જેમાંનો ટોપિક એક ભવ્ય, ભભકાદાર ઐતિહાસિક પાત્ર પર છે તેમાં કોઇ શંકા નથી.

કહેવાય છે કે, ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી ભારતના છેલ્લા ચક્રવર્તી હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પર ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છે. પૃથ્વીરાજ ચૌહાણ પર બનતી ફિલ્મમાં સ્ટોરી માટે તો કંઇ કહેવાપણું હોય જ નહી! વળી, ફિલ્મી રસિયાઓ માટે એ પણ એક સારા સમાચાર જ છે કે – આ ફિલ્મમાં પૃથ્વીરાજ ચૌહાણનું મુખ્ય પાત્ર અક્ષયકુમાર ભજવશે…!

ભારતીય ઇતિહાસના અભ્યાસુ ડાયરેક્ટર બનાવશે ફિલ્મ –

બિગ બજેટ ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ વિશે હજી માત્ર આટલી જ વાત બહાર પડી છે. અને માનવામાં આવે છે કે, ફિલ્મ વિશે જાન્યુઆરી,૨૦૧૯ સુધીમાં બધું ક્લીયર થઇ જશે. પણ હાલ તો હજી મુખ્ય પાત્રોનું ચયન પણ બાકી હોવાનું કહેવામાં આવે છે.

ચંદ્રપ્રકાશ દ્વિવેદી આ ફિલ્મને ડાયરેક્ટ કરવાના છે. કદાચ ખ્યાલ હોય તો ૧૯૯૧ના અરસામાં દુરદર્શન પર “ચાણક્ય” ટી.વી.સીરીઝ આવતી હતી, જે ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ડાયરેક્ટ કરેલી. આ ઉપરાંત તેઓએ ભારત-પાકિસ્તાન ભાગલા પર “પિંજર” નામક ફિલ્મ બનાવેલી. તદ્દોપરાંત, ઉપનિષદો પર ટીવી સિરીઝ અને મહાભારતના કર્ણના પાત્ર આધારીત “મૃત્યુંજય” શો પણ બનાવેલો.

આદિત્ય ચોપરા હશે પ્રોડ્યુસર –

યશ રાજ બેનર્સ હેઠળ પ્રોડ્યુસર આદિત્ય ચોપરા આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે. ઉલ્લેખનીય છે કે, આદિત્ય દ્વારા દિગ્દર્શિત ફિલ્મ “દિલવાલે દુલ્હનીયાં લે જાયેંગે”એ ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક સિમાચિહ્ન ખડું કર્યું છે. આદિત્ય અમિતાભ બચ્ચન અને આમિર ખાનને ચમકાવનારી ભાવિ ફિલ્મ “ઠગ્સ ઓફ હિન્દોસ્તાન”ને પણ પ્રોડ્યુસ કરવાના છે, જે એક બિગ બજેટ ફિલ્મ છે.

ઘરમાં જઇને વીંધી હતી ઘોરીની છાતી! –

પૃથ્વીરાજ ચૌહાણ પર બનનારી ફિલ્મ જરૂરથી ભારતના આશરે આઠેક સદી પહેલાંના ઇતિહાસને પૂનરાવર્તિત કરવાની છે. દર્શકો જોશે ભારતના વિરપુત્ર પૃથ્વીરાજ ચૌહાણની એ યશોગાથા જે પ્રત્યેક ભારતીયની છાતી ગજ-ગજ ફુલાવે તેવી છે! આથી ફિલ્મ જરૂરથી બોલિવૂડમાં એક આયામ ખડો કરશે એ બાબત તો તય છે.

મૂળે અજમેરના એવા પૃથ્વીરાજ ચૌહાણ સોમેશ્વર ચૌહાણના પુત્ર હતાં. ૧૧ વર્ષની ઉંમરે દિલ્હીની ગાદી પર આવ્યાં બાદ એના લશ્કરની રણભેરી આર્યાવર્તના સીમાડા ગજવવા માંડી હતી. કનોજના રાજા જયચંદ રાઠોડની પુત્રી સંયોગિતા સાથે પૃથ્વીરાજને (‘રાય પિથોરા’ પણ કહેવામાં આવે છે પૃથ્વીરાજ ચૌહાણને) પ્રેમ સબંધ હતો. પણ જયચંદ નહોતો ઇચ્છતો કે પૃથ્વીરાજ સાથે તેના વિવાહ થાય. માટે પૃથ્વીરાજ સંયોગિતાનું સ્વયંવર મંડપમાંથી અપહરણ કરે છે.

વાત અહીંથી વળાંક લે છે. ક્રોધમાં આંધળો બનેલો જયચંદ અફઘાનિસ્તાનના આક્રાંતા મહમ્મદ ઘોરીને મદદ કરે છે ભારત પર આક્રમણ લાવવામાં! હરિયાણાના તરાઇનમાં પૃથ્વીરાજ અને ઘોરી વચ્ચે બે યુધ્ધ થાય છે. તરાઇનના ૧૧૯૧માં લડાયેલા પ્રથમ યુધ્ધમાં તો રાય પિથોરા ઘોયીને ધોબીપછાડ હાર આપે છે. પણ એને બંદી બનાવીને જીવતો જવા દે છે.

મત ચૂક ચૌહાણ –

ઘોરી ફરીવાર આક્રમણ કરે છે અને તરાઇનના બીજા યુધ્ધમાં પૃથ્વીરાજને હરાવીને બંદી બનાવી અફઘાન લઇ જાય છે. ત્યાં તેની આંખો ફોડી નાખે છે! વર્ષ હતું ૧૧૯૨નું. પૃથ્વીરાજના જીગરજાન મિત્ર કવિવર ચંદ બરદાઇ ઘોરીના દરબારમાં આવે છે. અને તેમના કહેવાથી શબ્દવેધી બાણ વડે અંધ પૃથ્વીરાજ એક પ્રદર્શનમાં ઉંચે બેઠેલા ઘોરીને હણી નાખે છે! પછી બંને મિત્ર પણ એકબીજાને કટાર મારીને જીવ કાઢી નાખે છે.

હિન્દુસ્તાનનો ઇતિહાસ જ્યાં સુધી લખાશે ત્યાં સુધી કદી પૃથ્વીરાજ કે ચંદ બરદાઇ ભુલાવવાના નથી અને નથી ભુલાવવાનો પેલો દેશદ્રોહી જયચંદ! ચંદ બરદાઇએ લખેલ “પૃથ્વીરાજરાસૌ” હિન્દી ભાષાનું પ્રથમ પુસ્તક કહો તો પણ ચાલે!

ઇતિહાસને લક્ષીને આવી ફિલ્મ બનવી એ ખરેખર જરૂરી જ છે જ્યારે લોકોને ભારતસમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ વિશે માહિતી ના હોય!

લેખક – કૌશલ બારડ
Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.