ઢોલીવુડ મનોરંજન મૂવી રીવ્યુ

ડરની મચી રહી છે “અફરા તફરી” તમે જોયું કે નહિ? વાંચો ફિલ્મમાં બીજી ફિલ્મો કરતાં શું છે ખાસ

ભૂતનું નામ સાંભળતા જ આપણને કમકમીયા આવી જાય, બોલીવુડમાં તો ભૂતની ઘણી ફિલ્મો આવી અને જતી રહી અને એમાં પણ છેલ્લે આવેલી સ્ત્રી ફિલ્મ જોઈને ભલભલાને સાચી સ્ત્રીઓમાં પણ ભૂત દેખાવવા લાગ્યું હતું, હવે આ ભૂતની ફિલ્મોમાં ગુજરાતી ફિલ્મ જગત જો પગ પેસારો કરે તો કેવું થાય? આજ પહેલા પણ ઘણી ફિલ્મોમાં ભૂતની વાતો અને ભૂત પણ જોવા મળ્યા પણ એ માત્ર નામ પૂરતા, પણ હવે એક એવી ગુજરાતી ફિલ્મ બની જેમાં ભૂત હોય, અને આ ફિલ્મ છે “અફરા તફરી”.

ક્યારેય તમે વિચાર્યું છે કે કોઈ ભૂતની ફિલ્મ જોતા જોતા પણ હસવું આવે, આ તો પેલી ગુજરાતી કહેવત જેવી વાત થઇ “હસવું અને લોટ ફાંકવો”, જે એક સાથે ક્યારેય નથી થઇ શકતાં પરંતુ આ વાતને પણ ખોટી પાડે છે ફિલ્મ “અફરા તફરી” એકબાજુ ડરથી તમારા દિલની ધડકન ધક ધક કરતી હશે તો બીજીબાજુ તમારા ચહેરા ઉપર ખડખડાટ હાસ્ય પણ રેલાતું હશે.

વિરલ રાવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ “અફરા તફરી”માં તમને એક બે નહિ પરંતુ ઘણા કલાકારો જોવા મળશે, મિત્ર ગઢવી, સ્મિત પંડ્યા, ચેતન દૈયા, શેખર શુકલા, પ્રશાંત બારોટ, આકાશ ઝાલા, રાગી જાની, ખુશી શાહ જેવા નામી કલાકારો સાથે બીજા પણ ખરા, જે આખી ફિલ્મમાં તમને હસાવી હસાવીને લોટપોટ કરી દેશે.

ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ એક હોરર અને કોમેડીનો જબરદસ્ત મસાલો છે, ફિલ્મની શરૂઆત ડર સાથે થાય, વચ્ચેવચ્ચે પેટ પકડીને હસાવે અને છેલ્લે રોમેન્ટિક મૂડમાં પૂર્ણ થઇ જાય. જે લોકો પોતાના દૈનિક જીવનથી કંટાળ્યા હોય, ઘણા દિવસથી કામના કારણે થાકીને પોતાનો સ્ટ્રેસ દૂર કરવા માંગતા હોય તો એકવાર એમને સિનેમા હોલમાં જઈને “અફરા તફરી” જોઈ આવવી જોઈએ, કારણે એકવાર ફિલ્મ શરૂ થશે પછી સતત 2 કલાક સુધી તમને ફિલ્મ છોડવાનું મન નહીં થાય એ વાતની ગેરેન્ટી.

પ્રખ્યાત રેડિયો જોકી અને કિશોરકાકાના નામ ઉપર જે ઓળખાય છે એવા સ્મિત પંડ્યા પણ આ ફિલ્મમાં જોવા મળશે અને એમની કોમેડી વિશે તો કોઈ પુરાવા આપવાના જ ના હોય, આ ફિલ્મમાં પણ તેની કોમેડી રેડિયો ઉપર કે ટિક્ટોકના જોક્સમાં સાંભળીએ એવી અને એનાથી પણ થોડી વધારે મઝાની છે.

પરંતુ આ ફિલ્મમાં અભિનય કરતો ચેતન દૈયા તમારું ખાસું ધ્યાન ખેંચી લેશે, કારણ કે ચેતનની કોમેડી પણ આ ફિલ્મમાં લાજવાબ છે, ચેતનના એક એક સંવાદમાં તમને હસવું તો ચોક્કસ આવશે અને એનો કોમિક ટાઈમિંગ પણ ખરેખર વખાણવા જેવો છે.

મિત્ર ગઢવીને પણ તમે ઘણી ગુજરાતી ફિલ્મમાં જોયો, “છેલ્લો દિવસ” અને “શું થયું?” માં જેની કોમેડી આપણે બધાએ માણી એ જ મિત્ર હવે “અફરા તફરી”માં અફરા તફરી મચાવતો જોવા મળે છે. આ ફિલ્મમાં પણ મિત્રનો અભિનય વખાણવા યોગ્ય છે.

આ ફિલ્મમાં એક માત્ર મુખ્ય અભનેત્રી છે “ખુશી શાહ”. ખુશીએ પણ આ ફિલ્મમાં પોતાના અભિનયની આગવી છાપ છોડી જ દીધી છે, ભૂતના કેરેક્ટરમાં પણ એ બરાબર ફિટ બેસે છે. સાથે તેના ચહેરાના હાવભાવ પણ એના કેરેક્ટરને અનુરૂપ જ બંધ બેસે છે.

આ સિવાય પણ આ ફિલ્મમાં રાગી જાની, પ્રશાંત બારોટ જેવા બીજા કલાકાર પણ છે અને તેમને પણ આ ફિલ્મમાં પોતાનું સુંદર યોગદાન આપ્યું છે સાથે સાથે દર્શકોને હસાવવામાં પણ આ તમામ અભિનેતાઓ સફળ રહ્યા છે.

ફિલ્મમાં એક ગીત છે અને તે પણ ફિલ્મનું ટાઇટલ સોન્ગ. ફિલ્મ જોયા પછી કે એ ગીત સાંભળ્યા પછી તમને એ ગાતા રહેવાનું મન તો થવાનું જ છે.

સમગ્ર રીતે જોઈએ તો ગુજરાતી ફિલ્મોના એક નવા પડાવમાં આ ફિલ્મ ચોક્કસ સફળ છે, છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિષયો લઈને ઘણી બધી ફિલ્મો બની, પરંતુ એક રીતે જોવા જતા બીજી ફિલ્મોમાં જોવા મળતી જ કેટલીક વાર્તાઓ એમાં ભળતી હોય છે, પરંતુ “અફરા તફરી” એ બધી જ ફિલ્મો કરતા જુદી છે, એક નવો જ વિષય અને કથાવસ્તુ લઈને આવેલી આ ફિલ્મ જોવા જેવી નહીં, મઝા કરવા જેવી છે.

આ ફિલ્મનું ટ્રેલર જોઈને જ તમને જોવાનું મન થઈ જશે, જુઓ ટ્રેલર પણ:

જુઓ ફિલ્મનું ધમાકેદાર પ્રીમિયર જેમાં ફિલ્મ જગતની ઘણીં જ હસ્તીઓ હાજર રહી:

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.