અજબગજબ કૌશલ બારડ લેખકની કલમે

બેજોડ સત્યઘટના : ભાભીનું મહેણું સાંભળીને આર્મી જોઈન કરી અને એકલે હાથે હઠાવી દીધા ૧૫૦૦ પાકિસ્તાનીને!

ભારતીય સેનાના એવા સૈનિકોને પરમવીર ચક્ર આપવામાં આવે છે, જેણે રણભૂમિ પર ખરા અર્થમાં બેજોડ પરાક્રમ કર્યું હોય. ‘ન ભૂતો ન ભવિષ્યતિ’નું લેબલ જે શૂરવીરના સાહસની આગળ લાગે તેવા લાખોમાંથી એકની પસંદગી આ ચક્ર માટે થાય છે. યુધ્ધભૂમિમાં દર્શાવેલી વિરતાનો આ સર્વોચ્ચ મેડલ છે. પરિણામ સ્વરૂપ એ ભારતના ૭૨ વર્ષના આઝાદ ઇતિહાસમાં માત્ર ૨૧ સૈનકોને મળ્યો છે.

અહીં વાત કરવી છે એક એવા રણજોધ્ધાની જેણે કાશ્મીરની ભૂમિ પર અદ્વિતીય કહી શકાય તેવું પરાક્રમ બતાવીને એકલે હાથે દુશ્મનોને રોકી દીધા હતા! અને એ પણ એકાદ-બેને નહી, પૂરા મહાસાગરને ખાળ્યો હતો. આ વીરનું નામ છે : જદુનાથસિંહ રાઠોડ! આગળ વાંચો એ વાત, જે જાણીને ભારતીય હોવાને નાતે તમારી છાતી ગજ-ગજ ફૂલવાની છે.

બજરંગબલીનો અવતાર —

Image Source

જદુનાથસિંહનો જન્મ ઉત્તરપ્રદેશના શાહજહાંનપુરના ખજૂરી ગામમાં એક રાજપૂત પરિવારમાં થયો હતો. એ વખત હતો ૧૯૧૬ના નવેમ્બર મહિનાની આખરનો. પિતા બિરબલસિંહ રાઠોડની આર્થિક સ્થિતી ખરાબ હતી. વળી, કુલ મળીને ઘરમાં ૧૩ સભ્યોનું ભરણપોષણ કરવાનું! આવી પરિસ્થિતીમાં જદુનાથ ચાર ચોપડી તો માંડ ભણી શક્યા. પિતાને ખેતીના કામમાં મદદરૂપ થતા અને આખો દિવસ કુસ્તીના દાવપેચ શીખ્યા કરતા. સખ્ત કસરતો કરીને શરીરને ખાસ્સું લઠ્ઠા જેવું બનાવી દીધેલું. લોકો તેમને લાડથી બજરંગબલીનો ભગત જ કહેતા. અને ખરેખર તેઓ હનુમાનજીની જેમ જિંદગીભર કુંવારા પણ રહ્યા!

ભાભીનું મે’ણું ઘા કરી ગયું —
જદુનાથ શરીરને કુશળ બનાવવામાં જ રહેતા એટલે દૂધ પણ પુષ્કળ પીતા. ઘણીવાર તેઓ આખા પરિવારનું દૂધ એકલા ગટગટાવી જતા. તેમના મોટાભાઈના પત્નીથી આ સહન ના થયું. એક દિવસ તેમણે મહેણું માર્યું કે, ‘દિયર પેટપૂજા કરે અને અમારે ભૂખ્યાં રહેવાનું!’

જદુનાથને ભાભીનો ટોણો હાડોહાડ લાગ્યો. એ જ વખતે તેઓ ઘર છોડીને નીકળી ગયા અને કોઈ ઓળખીતાની મદદથી એ વખતની બ્રિટિશ આર્મીમાં ભર્તી થયા.

આરાકાનમાં અજેય —
એ વખતમાં બીજું વિશ્વયુધ્ધ ફાટી નીકળ્યું. ધરી રાષ્ટ્રોની પડખે રહેલું જાપાન બ્રિટિશ શાસિત ભારત પર કબજો લેવાને માટે પૂર્વીય દેશોને એક પછી એક સર કરતું આગળ વધવા માંડ્યું. મલેશિયામાં એમની આગેકૂચને રોકવા અંગ્રેજોએ ફોજ ગોઠવી. જદુનાથસિંહ રાઠોડ એમાં હતા. તેમણે આરાકાનના વિગ્રહમાં ખાસ્સું પરાક્રમ દેખાડ્યું. કટોકટીભર્યા સંજોગોમાં જીતી અને જીવી દેખાડ્યું. આરાકાનનાં એ યુધ્ધ પછી થોડો સમય અન્ય ઠેકાણે મોરચો સંભાળીને યુધ્ધ પૂર્ણ થતા ભારત આવ્યા.

પાકિસ્તાનીઓનું આક્રમણ ખાળવા કાશ્મીરમાં —
ભારતને આઝાદી મળી. મનની મેલી મુરાદ ધરાવનાર આડોડાઈના જ્વલંત ઉદાહરણ જેવા મુહમ્મદ અલી ઝીણાએ પાકિસ્તાન અલગ થયું એના બે મહિના બાદ જ કાશ્મીરમાં ભાડૂતોના અને પાકિસ્તાની સૈનિક ઘૂસણખોરોના ધાડાં મોકલ્યાં. એમનો ઇરાદો કાશ્મીર જીતવાનો હતો.

અગાઉ મેજર સોમનાથ શર્માની વાતમાં કહ્યું છે તેમ ભારતીય સૈન્યએ શ્રીનગર તરફ આવતાં ભાડૂતીઓના તીડનાં ઝૂંડનો મજબૂતીથી પ્રતિકાર કર્યો. એ પછી પાકિસ્તાનીઓએ જમ્મુને કબજે લેવા આગેકૂચ કરી.

તૈનધારની ટેકરીએ મહાસંગ્રામ —

Image Source

જમ્મુ તરફ જવા માટે પાકિસ્તાની સેનાને નૌશેરા મથક વટાવવું પડે તેમ હતું. ભારતીય સેનાએ ત્યાં પોતાની ફોજ ગોઠવી દીધી. બાજુમાં આવેલી તૈનધારની ટેકરી પર ૧લી રાજપૂત બટાલિયનની ત્રણ પ્લાટૂન તૈનાત કરવામાં આવી. એક પ્લાટૂનના લીડર જદુનાથસિંહ રાઠોડ હતા. ભારતીય સેનામાં તેમનો હોદ્દો નાયકનો હતો.

૬ ફેબ્રુઆરી, ૧૯૪૮ની પરોઢ થવાને થોડી રાહ હતી. હજુ અંધારું હતું અને એમાંયે હેમાળાનો શિયાળો! દાંતનાં ચોકઠાની ભડેડાટી મશીનગનમાંથી વછૂટતી જથ્થાબંધ કારતૂસોના દૂરથી આવતા અવાજ જેવી લાગતી હતી. એ વખતે દૂરથી હો-હા થવા માંડી. પાકિસ્તાનીઓ આવતા હતા, ટોળાબંધ આવતા હતા! તૈનધારની ટેકરી પર એની સામે કેટલા જવાનો હતા? એક પ્લાટૂનના દસ ગણો. ત્રણ પ્લાટૂન હતી ટેકરી પર. એટલે ગણીને થયા ૩૦!

ચીડની ગાઢ વનરાજીને પરિણામે દુશ્મનો સાવ નજીક સુધી આવી પહોંચે ત્યાં સુધી કળાવાના ન હતા. દુશ્મનોમાં હતું કોણ? ખૂંખાર, ઝનૂની પઠાણો. પાકિસ્તાની આર્મીએ એમને ‘ભાડે’ રાખ્યા હતા. ભાડું પણ કેવું? જીતાયેલા પ્રદેશમાંથી જેટલું જોઈએ એ અને જે મળે તે લૂંટી લેવાનું!

થોડીવાર થઈ. ૧૫૦૦ પઠાણોનું ટોળું સામે આવ્યું! મશીનગનો, મોર્ટાર, પાવરફૂલ રાઇફલો અને દારૂગોળાથી સજ્જ પઠાણો! એ હક્કીકત પણ જાણી લો, કે ભારતીય સૈન્ય પાસે એ વખતે શસ્ત્રોમાં તો એક સાંધો ને તેર તૂટે જેવી સ્થિતી હતી. આજે છે એવી ભારતીય આર્મી ત્યારે નહોતી. કટાયેલી દાતરડી લઈને આકરું પાણી પીવડાવેલ સમશેર સામી બાથ ભીડવાની હતી.

રણે ચડ્યો રજપૂત છૂપે નહી! —

Image Source

તૈનધારની ટેકરી પર અજવાળું થતાં જ મહાસમર રચાયું. દુશ્મનો ઝાડની ઓથ લઈને ગોળીઓ છોડવા લાગ્યા. મશીનગનો ધાણીફૂટ ચાલવા માંડી. મોર્ટારના કર્ણભેદી અવાજોથી તૈનધાર હલબલી ગઈ. ટેકરીની ડાબી તરફ મોરચો સંભાળતા જદુનાથસિંહની પ્લાટૂનના ૧૦ જવાનો સામે થોકબંધ પઠાણોનું ટોળું આવી ચડ્યું. જવાંમર્દ જવાનોએ ચલાવેલી ગોળીઓની ધોધમાર ધારામાં સેંકડો પઠાણો ઉથલી પડ્યા.

ગણીને ૧૦ નરવીરોની આ રાજપૂત રેજીમેન્ટની પ્લાટૂને રંગ રાખ્યો. ઘણા સમય સુધી પઠાણો પર ભારતીય જવાનોની ગોળીઓ હાવી થતી રહી. રાજપૂત રેજીમેન્ટનું ધ્રુવવાક્ય ‘બોલ બજરંગબલી કી જય!’નો નાદ ગગન ગજાવતો રહ્યો.

પણ આખરે થયું એવું કે જદુનાથસિંહ રાઠોડને બાદ કરતા એની પ્લાટૂનના નવેનવ જવાનો ઇજાગ્રસ્ત થયા, ગંભીર રીતે ઘવાયા. એટલે તેમને ઓથ લેવી પડી. હવે જદુનાથસિંહે સાક્ષાત્ કાળભૈરવનું રૂપ ધારણ કર્યું. પોતાની ધડેડાટી બોલાવતી મશીનગન લઈ તેઓ ‘પટ’માં આવી ગયા. કલ્પના કરો કે સામે અસંખ્ય દુશ્મનો ઓથ લઈને છૂપાયા હોય ત્યારે એકલપંડે બહાર નીકળવું એને શું કહેવાય? પોતાને ખબર પણ નથી કે દુશ્મનો ક્યાં છૂપાયા છે, એ વખતે આવું સાહસ કરવું એટલે એનો એકમાત્ર અંજામ મોત જ હોય!

પણ અહીં પઠાણોની પથારી માથે ‘ચિનકું’ નહી, ‘ફણીધર’ ચડ્યો હતો! એને જેટલી ઘડીઓ જવાની હતી એમાં એ અનેક પાકિસ્તાનીઓ માટે મોતનું પાથરણું કરવાનો હતો. જદુનાથસિંહના હાથમાં રહેલી મશીનગન જે તરફ ગઈ એ તરફ દુશ્મનોની સંખ્યામાં બાદબાકી થતી ગઈ. મશીનગનની ગોળીઓ ખૂટી એટલે કમરે લટકાવેલા હાથબોમ્બના ચારેબાજુ ઘા કર્યા. એક પછી એક બોમ્બ ફાટવા માંડ્યા એમ ગેબી અવાજો સાથે ધરતી ધણધણી ઉઠી. જે પાકિસ્તાનીઓ આ ગોળાઓની આંટીમાં આવ્યા એમના દેહ ઓળખ્યા જેવા રહેવાના નહોતા.

એક વખત પરિવારનું બધું દૂધ પી જતો જદુનાથ આજે રણભૂમિ પર એ દૂધનું ગણીગણીને પરિણામ આપતો હતો. ‘પીધું પરમાણ છે’ની વાત સાર્થક કરતો હતો.

એ પછી હાથબોમ્બ પણ ખૂટ્યા. એટલે એમણે પોતાના મજબૂત બાવડાનો ઉપયોગ કર્યો. અનેક પઠાણોને ઉપાડી-ઉપાડીને જમીન પર પછાડ્યા. (અને હલ્લો! આ કોઈ ફિલ્મી પટકથા જેવું લાગે છે? પણ ખરા અર્થમાં આ રિયલ જિંદગીમાં બન્યું છે હો! કેમ કે ફિલ્મને વધીને ‘ઓસ્કાર’ મળે, ‘પરમવીરચક્ર’ નહી!) એક ઢેર કરેલા દુશ્મનની હાથમાં આવેલી મશીનગન જદુનાથસિંહને હાથે ચડી અને વળી પાછો ‘ડેન્જર રાઉન્ડ’ શરૂ થયો. અનેક કબાલીઓ માટે વધુ એકવાર મોતની ચાદર પથરાણી.

પણ હવે હદ થઈ હતી. જદુનાથસિંહ રાઠોડનું આ પ્રકારનું પરાક્રમ દુશ્મનોએ પણ કલ્પ્યું નહોતું. આ સમય દરમિયાન જદુનાથનાં શરીરમાં અનેક ગોળીઓ ઘૂસી ગઈ હતી. સ્વાભાવિક છે, કે વરસાદમાં છત્રી વગરના બહાર નીકળો અને છાંટોય ડીલ પર ન પડે એ શક્ય નથી! આખરે માતૃભૂમિથી કોંસો દૂર આ રાજપૂત પડ્યો, પણ તિરંગાને પડવા ન દીધો! પાકિસ્તાનીઓનું જમ્મુ પર કબજો લેવાનું સપનું પણ ધૂળધાણી થઈ ગયું. જદુનાથસિંહ બિરબલસિંહ રાઠોડની એ વખતે વય તો ૩૨ વર્ષની જ હતી!

આજે ભારતના મુગટ કાશ્મીરને ખંડિત કરવાના સ્વપ્ન સેવનાર હુર્રિયતના દેશદ્રોહીઓ માટે તો એ જ કહેવાનું થાય કે તમે ખીચડખાયા છો, હિંદના જાયા નહી! હિંદજાયો તો પરમવીર જદુનાથસિંહ રાઠોડ હતો, જેણે માતાના દેહને ઊની આંચ ન આવવા દેવા સારુ પોતાના દેહને ચાસણી જેવો બનાવી દીધો હતો!

પોતાના અવિશ્વસનીય પરાક્રમ બદલ જદુનાથસિંહને મરણોતર પરમવીર ચક્ર મળ્યો હતો. આજ પણ તેનું સ્મારક તૈનધારની ટેકરી પર છે. ભારતીય સેનાનું સર્વોચ્ચ સમ્માન મેળવનાર આ સંતાન પ્રત્યે તેના મા-બાપની છાતી ગજગજ ફૂલતી જ હોવાની!

વંદે માતરમ્ ! જય જદુનાથ

Author:Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks