26 વર્ષ બાદ નવા અંદાજમાં આવી રહી છે શાહરૂખની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’

‘DDLJ ‘ પર છેલ્લા 3 વર્ષથી કામ કરી રહ્યો છે આદિત્ય ચોપરા

નિર્માતા નિર્દેશક આદિત્ય ચોપરા પોતાની કારકિર્દીમાં એક નવો પ્રયોગ કરવા જઈ રહ્યા છે. નિર્દેશક તરીકે તેમની પહેલી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ની રિલિઝના 26 વર્ષ પછી, તે ફરીથી તે જ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે, પરંતુ આ વખતે કહાની સ્ટેજ પર મ્યુઝિકલ નાટક એટલે કે બ્રોડવે તરીકે રજૂ કરવામાં આવશે. ‘કમ ફોલ ઇન લવ: ધ ડીડીએલજે મ્યુઝિકલ’ અમેરિકાના સાન ડિએગોના ઓલ્ડ ગ્લોબ થિયેટરમાં પ્રિમિયર થશે. આદિત્ય છેલ્લા ત્રણ વર્ષથી તેની કારકિર્દીના આ મહત્વપૂર્ણ પ્રયોગ પર કામ કરી રહ્યો છે.

વિશાલ-શેખર આ બ્રોડવે માટે સંગીતકાર તરીકે જોડાયા છે. આ સિવાય આદિત્યએ તેના પ્રથમ થિયેટર પરફોર્મન્સ માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ટેકનિશિયનોની ટીમને એકત્ર કરી છે. આદિત્ય માને છે કે મ્યુઝિકલ બ્રોડવે ભારતીય ફિલ્મો જેવુ જ છે અને આ બે લાંબા અંતરની સ્ટ્રીમ તેના પ્રથમ બ્રોડવે શો કમ ફોલ ઇન લવ: ધ ડીડીએલજે મ્યુઝિકલમાં મળશે. બહુ ઓછા લોકો જાણતા હશે કે આદિત્ય પહેલા ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મને અંગ્રેજી ફિલ્મ બનાવવા માંગતો હતો અને પછી તે આ ફિલ્મના હીરો તરીકે ટોમ ક્રૂઝને કાસ્ટ કરવા માંગતો હતો.

યશ રાજ ફિલ્મ્સના હાલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય ચોપરાએ 1995 માં રોમેન્ટિક ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ થી પોતાની દિગ્દર્શક કારકિર્દીની શરૂઆત કરી હતી. DDLJ તરીકે જાણીતી આ ફિલ્મ ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ગણાય છે. હવે 26 વર્ષ પછી, આદિત્ય ફરીથી DDLJનું નિર્દેશન કરવા જઈ રહ્યો છે પરંતુ આ વખતે બ્રોડવે ડિરેક્ટર તરીકે. આદિ માને છે કે બ્રોડવે અને ભારતીય ફિલ્મો લાંબા સમયથી અલગ થયેલા બે પ્રેમીઓ જેવા છે. આ એટલા માટે છે કારણ કે તે બંને વચ્ચેની આંતરિક સમાનતાને ઓળખે છે કારણ કે તેઓ બંને હૃદય સ્પર્શી વાર્તાઓ, સંગીત અને નૃત્યની મદદથી માનવીય લાગણીઓની ઉજવણી કરે છે. મળતી માહિતી મુજબ, આદિત્ય છેલ્લા ત્રણ વર્ષથી આ પ્લાન પર કામ કરી રહ્યો છે.

પોતાના પ્રથમ બ્રોડવે અનુભવને યાદ કરતાં આદિત્ય ચોપરા કહે છે, ‘1985નો ઉનાળો. હું 14 વર્ષનો હતો અને લંડનમાં વેકેશન મનાવી રહ્યો હતો. મારા માતા-પિતાએ મારા ભાઈ અને મને સંગીતમય થિયેટરનો પ્રથમ અનુભવ કરાવવા માટે લઈ ગયા. લાઈટો ઝાંખી થઈ, પડદા ઉંચા થયા અને પછીના ત્રણ કલાક દરમિયાન જે સામે પ્રગટ થયું તેણે મને અવાચક અને સ્તબ્ધ કરી દીધો! ત્યાં સુધી હું એક બાળક હતો જે ખૂબ જ જુસ્સા અને આતુરતાથી ફિલ્મો જોતો હતો અને તે સમયે મને મોટા પડદા પર ભારતીય બ્લોકબસ્ટર સૌથી વધુ ગમતા હતા. પરંતુ તે દિવસે સ્ટેજ પર મેં જે જોયું તેનાથી મારા હોશ ઉડી ગયા. હું માનતો ન હતો કે સ્ટેજ પર આ પ્રકારની ભવ્યતા જીવંત રચાઈ શકે છે. પરંતુ આ અનુભવનું સૌથી મહત્ત્વનું પાસું જે મને પ્રભાવિત કરે છે તે એ હતું કે મ્યુઝિકલ થિયેટર આપણી ભારતીય ફિલ્મો સાથે કેટલું સમાન છે.

પોતાની વાતને વધુ સ્પષ્ટ કરતાં આદિ કહે છે, ‘વાસ્તવિકતા એ હતી કે બંને વાર્તા કહેવા માટે ગીતોનો ઉપયોગ કરે છે, પરંતુ મામલો તેના કરતાં ઘણો ઊંડો હતો. હકીકતમાં, બંનેએ બરાબર સમાન લાગણીઓને ઉત્તેજિત કરી. રંગોનો વરસાદ, નાટકીયતા, જોસીલા ગીતો, બેદાગ નૃત્ય, એક ઉત્તમ વાર્તા, એક સુખદ અંત. તે મને તે જ પ્રકારની ખુશી અને લાગણીથી ભરી દે છે જે કોઈપણ સારી ભારતીય ફિલ્મ કરે છે. ત્યારે મને સમજાયું કે ભારતીય ફિલ્મો અને વેસ્ટર્ન મ્યુઝિકલ થિયેટર અલગ-અલગ દુનિયા, અલગ-અલગ ભાષાઓ હોવા છતાં લાંબા સમયથી અલગ પડેલા બે પ્રેમીઓ છે.

પોતાની કારકિર્દીના સૌથી મહત્વના પ્રયોગ વિશે વાત કરતા આદિત્ય ચોપરા કહે છે, હું આજ સુધીનો મારો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યો છું. હું લાંબા સમયથી ખોવાયેલા બે પ્રેમીઓને ફરી મેળવી રહ્યો છું – બ્રોડવે મ્યુઝિકલ્સ અને ભારતીય ફિલ્મો. 26 વર્ષ પહેલા મેં મારી કારકિર્દીની શરૂઆત ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ થી કરી હતી. આ મૂવીએ ઇતિહાસ રચ્યો અને તેણે મારી સાથે અન્ય ઘણા લોકોનું જીવન કાયમ માટે બદલી નાખ્યું પરંતુ જે મોટાભાગના લોકો નથી જાણતા તે એ છે કે હિન્દીમાં ડીડીએલજે બનાવવાનો મારો ઈરાદો ક્યારેય નહોતો. 23 વર્ષની ઉંમરે હું હોલીવુડ અને અમેરિકન પોપ કલ્ચરથી ખુબ પ્રભાવિત હતો અને મેં વિચાર્યું કે થોડીક ભારતીય ફિલ્મો કર્યા પછી હું હોલીવુડ તરફ દોડીશ અને ટોમ ક્રુઝની મુખ્ય ભૂમિકા સાથે વિશ્વભરના અંગ્રેજી બોલતા પ્રેક્ષકો માટે DDLJ બનાવીશ.

‘કમ ફોલ ઇન લવઃ ધ ડીડીએલજે મ્યુઝિકલ’ યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે. ચોપરાની મૂળ વાર્તા પર આધારિત, મ્યુઝિકલમાં લોરેન્સ ઓલિવર એવોર્ડ વિજેતા નેલ બેન્જામિનનાં પુસ્તકો અને ગીતો દર્શાવવામાં આવશે. વિશાલ દદલાણી અને શેખર રાવજીયાની તેમાં સંગીતકાર તરીકે કામ કરશે. ફ્રોઝન, થોરલી મોર્ડન મિલી, ધ બોયઝ ફ્રોમ સિરાક્યુઝથી જાણીતા ટોની અને એમી વિનર રોબ એશફોર્ડ સહયોગી કોરિયોગ્રાફર શ્રુતિ મર્ચન્ટ સાથે આ પ્રોડક્શન કોરિયોગ્રાફ કરશે. ડિઝાઇન ટીમ બ્રોડવે માટે એમી અને ટોની એવોર્ડ-વિજેતા ડેરેક મેકલેન દ્વારા બનાવેલ સેટ ડિઝાઇન પર કામ કરશે, અને સંગીતની દેખરેખ ટોની, ગ્રેમી અને એમી એવોર્ડ વિજેતા બિલ શેરમન કરશે. એડમ જોટોવિચ આ પ્રોજેક્ટના એક્ઝિક્યુટિવ નિર્માતા છે. આવતા વર્ષે થિયેટરોમાં આવવા માટે ‘કમ ફોલ ઇન લવ: ધ ડીડીએલજે મ્યુઝિકલ’ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

YC