કૌશલ બારડ દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક રસપ્રદ વાતો લવ-સ્ટોરી લેખકની કલમે

પ્રેમ હોય તો આવો: અડધું શરીર ગુમાવી ચૂકેલી યુવતીની જીવનભર સેવા કરવાનો યુવકે લીધો નિર્ણય!

આજકાલ સમાજમાં કોઈ દેખીતા કારણ વગર અને નજીવી બાબતોમાં થયેલી સગાઈઓ તૂટી જતી હોય છે. યુવક કે યુવતીમાંથી વાતવાતમાં પણ એક જણનો અહમ્ ઘવાય એટલે વાત છેક સબંધો કાપી નાખવા સુધી પહોંચી જાય. એક પ્રકારનો ટ્રેન્ડ જ બની ગયો છે આ તો હવે! આ સમયમાં એક એવી સત્યઘટનાની વાત અહીં પ્રસ્તુત ગણાશે જે એટલું શીખવી જાય છે કે અમુક માણસો બધું જ તરછોડીને પણ સબંધો કેવી રીતે નીભાવે છે?

સગાઈને એક મહિનો જ થયો ત્યાં…

વાત છે જામનગરની. ચિરાગ અને હિરલ નામનાં બે પ્રેમીઓની, જેનો પ્રેમ ખરેખર કસોટીના ઉકળતા તાવડે તવાઈને એ હદે પાક્કો બન્યો કે, આજે આપણે તેનું ઉદાહરણ આપવું પડે છે! ચિરાગ ગજ્જર નામના યુવકની હિરલ સાથે સગાઈ થઈ હતી.

Image Source

વિધિએ શું ધાર્યું કે સગાઈને હજુ એક મહિનો જ વીત્યો હતો ને હિરલ સાથે એક ભયંકર ઘટના બની. એક દિવસ તે કપડાં સૂકવવા જતી હતી અને ચાલુ લાઇટનો હાઇ વોલ્ટેજ ધરાવતો વાયર તૂટીને એના માથે પડ્યો! વીજળીનો આ પ્રહાર ખતરનાક હતો. હિરલનો હાથ તો જાણે નકામો જ બની ગયો.

જામનગરની સિવિલ હોસ્પિટલમાં હિરલને દાખલ કરવામાં આવી પણ ડોક્ટરોએ ગંભીર પરિસ્થિતી જોતા સારવાર માટે પોતાની અસમર્થતા બતાવી અને કેસ આગળ લઈ જવા કહ્યું. આખરે તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી. અહીં તેનો એક હાથ અને પગ કાપી નાખવા પડ્યા! શરીરનું ઘરેણું ગણાય એવાં અંગો હવે હિરલ પાસે નહોતાં!

Image Source

હિરલનો સાથ છોડે એ બીજો! —

હિરલના માતા-પિતાને હિરલ મોતનાં મુખમાંથી ઉગરી ગઈ એનો થોડો સંતોષ હતો પણ સામે પક્ષે હિરલને પોતાના હાથ-પગ ગુમાવવા પડ્યા એનું દુ:ખ જોયું જાય તેમ નહોતું. વળી, હવે એ પણ પાક્કું હતું કે હિરલના સાસરીયાઓ આ સબંધને હવે આગળ નહી વધારે!

પણ થયું એની તદ્દન વિપરીત! ચિરાગે કોઈ પણ કાળે હિરલનો હાથ તરછોડવાની ના પાડી. પોતાના માતા-પિતાને પણ નિર્ણય સંભળાવ્યો કે, પોતે હિરલનો કોઈ પણ પરિસ્થિતીમાં જિંદગીભર સાથ નીભાવશે! ચિરાગનો મક્કમ નિર્ણય જોતા અને ઈશ્વરની ઇચ્છાને બળવાન માનતા ચિરાગના પિતાએ ચિરાગને પૂરો સાથ આપ્યો.

એની જિંદગીભર સેવા કરીશ! —

ચિરાગના નિર્ણયથી હિરલના માતાપિતાને પણ આનંદ થયો. તેઓની ધારણા કરતા જૂદી પરિસ્થિતી ઉદ્ભવી અને ચિરાગનો હિરલ પ્રત્યેનો અદ્ભુત પ્રેમ જોઈ તેમને ઘણી ખુશી થઈ. હોસ્પિટલના બિછાને અનેક લોકો ચિરાગના આ નિર્ણયને બિરદાવવા આવી રહ્યા હતા.

Image Source

“આવું તો કોઈની પણ સાથે થઈ શકે. હું હિરલની જિંદગીભર સેવા કરીશ.” – ચિરાગ ગજ્જર પોતાનો નિર્ધાર જણાવતા કહે છે. હિરલ પણ શરૂઆતમાં તો સગાઈ તૂટવાના ભયથી ચિંતીત હતી પણ જ્યારે તેણે જાણ્યું કે ચિરાગ પોતાનો સાથ જીવનભર નીભાવશે ત્યારે તેને આશ્વર્યની સાથે આ અમૂલખ પ્રેમનો આનંદ પણ થયો.

સમાજમાં પ્રેરણારૂપ કિસ્સો —

આજે ઘણે ઠેકાણે જોવામાં આવે છે, કે લોકો કન્યામાં એકાદ ખોટ દેખાઈ આવે તો પણ સબંધો તોડી નાખે છે. એની સામે ઉપરનો કિસ્સો કેટલો નિરાળો છે! સાચા સબંધોની પરિક્ષા ભલે ઈશ્વર આકરી રીતે લેતો હોય, પણ બાદમાં એનું ફળ પણ એટલું જ ભરપૂર આપે છે!