જે ટીવી અભિનેત્રીની હત્યા મામલે દીકરા પર લાગ્યો હતો આરોપ, એક જ મિનિટમાં ત્યારે બદલાઇ ગઇ કહાની જ્યારે અભિનેત્રી જીવિત પહોંચી પોલિસ સ્ટેશન

મૃત ટીવી અભિનેત્રી વીણા કપૂરે પોલિસ સ્ટેશન પહોંચી બધાને ચોંકાવ્યા, બોલી- દીકરાએ મને નથી મારી- જાણો શું ચાલી રહ્યું છે

થોડા દિવસો પહેલા મનોરંજનની દુનિયામાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા હતા કે ટીવી એક્ટ્રેસ વીણા કપૂરની તેના પુત્ર દ્વારા હત્યા કરી દેવામાં આવી. અભિનેત્રીના પુત્રએ મિલકત માટે આ પગલું ભર્યું હોવાનું કહેવામાં આવી રહ્યુ હતુ. પરંતુ તમને જાણીને હવે આશ્રય થશે કે મૃત અભિનેત્રી વીણા કપૂર જીવિત છે. મુંબઈના દિંડોશી પોલીસ સ્ટેશનમાં વીણા કપૂરે ફરિયાદ નોંધાવીને દાવો કર્યો છે કે તે જીવિત છે. આ મામલો જરા વિચિત્ર લાગશે કે મૃતક મહિલા ફરિયાદ કેવી રીતે નોંધાવી શકે, પરંતુ આ સત્ય છે.

વાસ્તવમાં થયું એવું કે આ હત્યા ટીવી એક્ટ્રેસ વીણા કપૂરની નહોતી થઇ, પરંતુ મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતી એક મહિલાની થઈ હતી અને તેનું નામ વીણા કપૂર હતું, જેની હત્યા તેના પુત્ર સચિન કપૂરે કરી હતી. બંને એક જ નામ હોવાના કારણે લોકોને કન્ફ્યુઝન થયુ હતુ અને તેઓ અભિનેત્રી વીણા કપૂરને મૃત માનવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં લોકોએ સોશિયલ મીડિયા પર અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું. એટલું જ નહીં તેના પુત્રને પણ જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો હતો.

હવે અભિનેત્રી વીણા કપૂરની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે. અભિનેત્રી વીણા કપૂરે પોલીસને ફરિયાદ કરી છે કે તે જીવિત છે અને તેના મૃત્યુના ખોટા સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યા છે. અભિનેત્રીએ કહ્યું કે સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપતી વખતે લોકો તેના પુત્રનું અપમાન કરી રહ્યા છે, જેના કારણે તે દુઃખી છે. અભિનેત્રી તેના મૃત્યુની અફવાથી પરેશાન થઈ ગઈ હતી, જેના પગલે તેણે પોલીસનો સંપર્ક કર્યો.

અભિનેત્રી વીણા કપૂરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘હું પરેશાન છું. મારા ફોટા વાયરલ થયા છે અને લોકો મને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મને લોકોના ફોન આવી રહ્યા છે અને હું મારા કામ પર ધ્યાન કેન્દ્રિત પણ કરી શકતી નથી. હું બધાને કહેવા માંગુ છું કે મારા દીકરાએ મને મારી નથી. મારા મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા છે. આ ખોટી અફવાને કારણે મને કામ મળવાનું પણ બંધ થઈ ગયું છે.

નોંધનીય છે કે જે મહિલાની હત્યા કરવામાં આવી તેનું નામ પણ વીણા કપૂર છે અને તેને કારણે જ આ મુંઝવણ ઊભી થઇ છે. વીણા કપૂરના પુત્ર અભિષેકે જણાવ્યું કે આ સમાચાર ફેલાતા જ તેને ઘણા ફોન આવવા લાગ્યા કે મેં મારી માતાની હત્યા કરી છે. હું મારી માતાને ખૂબ પ્રેમ કરું છું અને સમાચાર સાંભળતા જ હું બીમાર પડી ગયો. હાથ જોડીને હું વિનંતી કરું છું કે મારી માતા જીવિત છે અને મેં તેને મારી નથી.

Shah Jina