પ્રખ્યાત ટીવી અભિનેત્રીનું રોડ દુર્ઘટનામાં થયું મોત, ઈન્ડિસ્ટ્રીમાં છવાયો શોકનો માહોલ

Actress Pavithra Jayaram Passed Away : ગુજરાત સમેત દેશભરમાંથી અકસ્માતની ઘણી ખબરો સામે આવતી રહે છે, ઘણા લોકો રોડ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવતા હોય છે, ત્યારે સામાન્ય માણસોની સાથે સાથે ઘણા સેલેબ્સના નિધનની  ખબર પણ સામે આવતા જ ચાહકોમાં તેમજ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ જતો હોય છે, હાલ એવી જ એક ખબર સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી સામે આવી છે, જ્યાં પ્રખ્યાત ટીવી અભિનેત્રીનું રોડ દુર્ઘટનામાં મોત નીપજતા ચાહકો શોકમાં ડૂબ્યા છે.

હિટ તેલુગુ ટીવી શ્રેણી ‘ત્રિનયની’માં તિલોત્તમાની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી પવિત્રા જયરામનું રવિવારે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આંધ્રપ્રદેશના મહેબૂબા નગર પાસે એક ભયાનક કાર અકસ્માતમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. બાદમાં હૈદરાબાદથી વાનપાર્ટી આવી રહેલી બસે જમણી બાજુએ કારને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં અભિનેત્રીને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મળતી માહિતી મુજબ, કર્ણાટકના માંડ્યા જિલ્લાના હનાકેરેથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રોડ અકસ્માતમાં અભિનેત્રીની પિતરાઈ બહેન અપેક્ષા, ડ્રાઈવર શ્રીકાંત અને અભિનેતા ચંદ્રકાંત ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

તેમના નિધનના સમાચાર મળતાં તેલુગુ મનોરંજન ઉદ્યોગ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. અભિનેતા સમીપ આચાર્યએ અભિનેત્રીના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર લેતાં તેણે લખ્યું, “આ ખબરથી જાગ્યો અને જાણ્યું કે  તમે હવે નથી. વિશ્વાસ નથી કરી શકતો. મારી પહેલી ઓન-સ્ક્રીન માતા, તમે હંમેશા ખાસ રહેશો.”

Niraj Patel