1 દિવસ પહેલા જ કરી હતી હોળીની ઉજવણી અને હવે મૃત્યુ પામ્યા, જુઓ અંતિમ તસવીરો

મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબર આવવાનો સિલસિલો યથાવત છે. ત્યારે હાલ જે ખબર આવી છે તેને ચાહકોને શોકમાં ગરકાવ કરી દીધા છે. બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને ખ્યાતનામ ફિલ્મ નિર્માતા સતીશ કૌશિકનું 66 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેમના નિધનનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું છે. ત્યારે તેમના નિધન બાદ ચાહકો તેમજ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

સતીશ કૌશિકના નિધન પર ચાહકોને વિશ્વાસ નથી. કારણ કે સતીશ કૌશિકે નિધનના એક દિવસ પહેલા હોળી રમી હતી. કોણ જાણતું હશે કે એક દિવસ અગાઉ આટલી ખુશી અને ઉત્સાહથી જીવન જીવનાર વ્યક્તિ એક દિવસ પછી અલવિદા કહી દેશે. સતીશ કૌશિક ચાલ્યા ગયા પરંતુ ચાહકો માટે ફિલ્મોમાં તેમના શાનદાર કામનો વારસો પાછળ છોડી ગયા. હિન્દી સિનેમામાં તેમના યોગદાન માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે.

અભિનેતા હોવા ઉપરાંત સતીશ કૌશિક દિગ્દર્શક, નિર્માતા, પટકથા લેખક અને કોમેડિયન પણ હતા. કોમેડીની વાત આવે ત્યારે સતીશ કૌશિક સ્ક્રીન પર આખી લાઇમલાઇટ લૂંટી લેતા હતા. સતીશ કૌશિકે ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. તેમની લોકપ્રિય ફિલ્મોમાં “પ્રેમ, ઢોલ, ક્યૂંકી, કાગઝ, માસૂમ, મિસ્ટર ઈન્ડિયા, જલવા, રામ લખન, જમાઈ રાજા, આંટી નંબર 1 વગેરેનો સમાવેશ થાય છે. તેમની છેલ્લી ફિલ્મ ઈમરજન્સી હશે, જેનું નિર્દેશન કંગના રનૌતે કર્યું છે. ફિલ્મો સિવાય સતીશ કૌશિકે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણું નામ કમાવ્યું હતું.

સતીશ કૌશિકના નિધન પર હવે ઘણા બધા સેલેબ્સ પણ તેમને સોશિયલ મીડિયા દ્વારા શ્રધાંજલિ આપી રહ્યા છે. સતીશ કૌશિકના નિધન વિશે જાણકારી આપતા અનુપમ ખેરે લખ્યું – “હું જાણું છું કે “મૃત્યુ આ દુનિયાનું છેલ્લું સત્ય છે”, પરંતુ હું જીવતી વખતે મારા શ્રેષ્ઠ મિત્ર સતીશ કૌશિક વિશે આ વાત લખીશ, મેં સપનામાં પણ વિચાર્યું ન હતું. 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ. તમારા વિના જીવન ક્યારેય સમાન નહીં હોય. ઓમ શાંતિ!”

અજય દેવગને અભિનેતા સતીશ કૌશિકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, “સતિષજીના નિધનના દુઃખદ સમાચારથી ઊંઘ ઉડી ગઈ. મેં તેમની સાથે સ્ક્રીન પર અને ઑફ સ્ક્રીન હસી મજાક કર્યો છે. તેમની હાજરીએ એક ફ્રેમ ભરી દીધી. જીવનમાં પણ જ્યારે પણ અમે મળ્યા ત્યારે તેમણે મારા ચહેરા પર સ્મિત લાવી દીધું. તેમના પરિવાર પ્રત્યે સંવેદના. RIP સતીશજી”

Niraj Patel