ગુજરાતી ફિલ્મોથી લઈને બોલીવુડની ફિલ્મોમાં પણ પોતાના નામનો ડંકો વગાડનાર દિગ્ગજ અભિનેતા કિરણ કુમારે કેવી રીતે હાંસલ કર્યું આ મુકામ જુઓ

ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા અને બોલીવુડની ફિલ્મોમાં ખલનાયક તરીકેની ભૂમિકા ભજવી ચૂકેલા કિરણ કુમારના જીવન વિશેની કેટલીક અવનવી વાતો…

ફિલ્મો જોવાનું દરેકને પસંદ હોય છે અને નવી ફિલ્મ આવતા જ તેને જોવા માટે દર્શકો થિયેટર સુધી દોડી પણ જતા હોય છે. આજે તો જમાનો વળી ઇન્ટરનેટ અને સ્માર્ટફોનનો છે જેના દ્વારા લોકો ઘરે બેઠા બેઠા જ પોતાના મોબાઈલમાં જૂની ફિલ્મો પણ નિહાળતા હોય છે. ફિલ્મોની સાથે સાથે તેમાં કામ કરનારા કલાકારો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે.

જો બોલિવૂડની ફિલ્મોના ખલનાયકોની વાત કરીએ તો જે કલાકારોનું નામ મનમાં આવે છે તે છે કિરણ કુમાર. 80-90ના દાયકામાં તેઓ ઘણા જબરદસ્ત ખલનાયકોમાં પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહ્યા હતા. કિરણે પોતાના અભિનયથી લાખો દિલો પર ઊંડી છાપ છોડી છે. તેમને હિન્દી ઉપરાંત ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

કિરણ કુમારે પોતાનું શિક્ષણ ઈન્દોરથી કર્યું છે. તે ત્યાં બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. તે પછી તેમણે મુંબઈની આરડી નેશનલ કોલેજમાં એડમિશન લીધું. અભિનયની દુનિયામાં જોડાતા પહેલા કિરણ કુમારે પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન સંસ્થામાં અભ્યાસ કર્યો હતો. કિરણ કુમારના પિતા પીઢ અભિનેતા હતા, તેથી તેઓ ઇન્ડસ્ટ્રીના લોકો સાથે પહેલેથી જ પરિચિત હતા.

1971માં કિરણ કુમારે ફિલ્મ દો બૂંદ પાનીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે દરમિયાન તેમણે ઘણી ફિલ્મોમાં મુખ્ય પાત્ર ભજવ્યું હતું. કિરણ કુમારે હિન્દી ઉપરાંત ભોજપુરી અને ગુજરાતી ભાષાઓની ફિલ્મો અને ટેલિવિઝનમાં પણ કામ કર્યું છે. તેમની મુખ્ય ફિલ્મોમાં દારાર, ખુદગર્ઝ, તેઝાબ, કાલા બજાર, આજ કા અર્જુન, થાનેદાર, પથ્થર કે ફૂલ, ખૂન કા કર્ઝ, હિના, બોલ રાધા બોલ, કુદરત, આગ હી આગ, ધડકન, યે હૈ જલવા, એલઓસી કારગિલ અને બોબી જાસૂસનો સમાવેશ થાય છે.

કિરણ કુમારે ફિલ્મો ઉપરાંત ટેલિવિઝનમાં પણ ઘણું કામ કર્યું છે. તેમની મુખ્ય સિરિયલોમાં ઝિંદગી, ઘુટન, સાહિલ, મંઝીલ, કથા સાગર, ફિર એક દિન, આર્યમન, એહસાસ, મર્યાદા, મિલી, વૈદેહી, વિરાસત, સંયુક્તા અને પૃથ્વી વલ્લભનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઘણી ગુજરાતી ફિલ્મો અને ધારાવાહિકોમાં પણ તેમને ખુબ જ નામના મેળવી હતી.

કિરણ કુમારે ગુજરાતી અભિનેત્રી સુષ્મા શર્મા સાથે લગ્ન કર્યા હતા. દંપતીને બે બાળકો છે, પુત્ર શૌર્ય અને પુત્રી સૃષ્ટિ. શૌર્ય પણ તેના પિતાની જેમ અભિનેતા બનવા માંગે છે. તેણે ડેવિડ ધવન, અબ્બાસ મસ્તાન અને ઈમ્તિયાઝ અલી સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. જ્યારે પુત્રી સૃષ્ટિ ફેશન ઈન્ડસ્ટ્રીમાં સ્ટાઈલિશ તરીકે કામ કરી રહી છે.

Niraj Patel