BREAKING NEWS: ‘મહાભારત’ના શકુની મામાનું નિધન, ઘણા દિવસોથી હોસ્પિટલમાં હતા દાખલ

Gufi Paintal Passes Away: મહાભારતમાં શકુની મામાનું પાત્ર ભજવી ઘરે ઘરે ફેમસ થયેલ એક્ટર ગુફી પેંટલના નિધનના સમાચાર સામે આવ્યા છે. ગૂફી પેંટલનું સોમવારે સવારે નિધન થયું છે, તેઓ 78 વર્ષના હતા. એક્ટર છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના કો-સ્ટાર સુરેન્દ્ર પાલે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. આજે સાંજે 4 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગૂફીની તબિયત લથડી ત્યારે તેઓ ફરીદાબાદમાં હતા.

તેમને પહેલા ફરીદાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પછી મુંબઈ લાવવામાં આવ્યા હતા. ગુફીએ 1975માં ‘રફુચક્કર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે 80ના દાયકામાં ઘણી ફિલ્મો અને ટીવી શોમાં જોવા મળ્યા હતા. જો કે, તેમને વાસ્તવિક ઓળખ 1988માં બીઆર ચોપરાના સુપરહિટ શો ‘મહાભારત’થી મળી હતી. તેમણે આ શોમાં શકુની મામાનું પાત્ર ભજવ્યું હતું.

ગૂફી છેલ્લે સ્ટાર ભારતના શો ‘જય કન્હૈયા લાલ કી’માં જોવા મળ્યા હતા. અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા ગૂફી પેંટલ આર્મીમાં હતો. 1962માં જ્યારે ભારત-ચીન યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે તે એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા. યુદ્ધ દરમિયાન કોલેજમાં આર્મી ભરતી ચાલતી હતી. તેઓ હંમેશા આર્મીમાં જોડાવા માંગતા હતા. તેમની પહેલી પોસ્ટિંગ ચીન બોર્ડર પર આર્મી આર્ટિલરીમાં હતી.

તેમણે દૈનિક ભાસ્કર સાથે ખાસ વાતચીતમાં કહ્યું હતું કે- બોર્ડર પર મનોરંજન માટે ટીવી અને રેડિયો નહોતા, તેથી અમે (સેનાના જવાનો) બોર્ડર પર રામલીલા કરતા. હું રામલીલામાં સીતાનો રોલ કરતો હતો અને રાવણના વેશમાં એક વ્યક્તિ સ્કૂટર પર આવતો અને મારું અપહરણ કરતો હતો. મને અભિનયનો શોખ હતો, આનાથી થોડી ટ્રેનિંગ પણ મળી ગઇ.

જ્યારે અભિનયમાં રસ વધવા લાગ્યો, ત્યારે ગુફી તેમના નાના ભાઈના કહેવા પર 1969માં મુંબઈ આવ્યા અને મોડલિંગ-એક્ટિંગ શીખ્યા. તે પછી તેમણે ઘણી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું. આ દરમિયાન તેમને બીઆર ચોપરાની મહાભારતમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરવાની તક મળી.

Shah Jina