ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતોના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં જ પડધરી બાયપાસ પાસે પુરપાટ ઝડપે આવી રહેલ ઇક્કો કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો. કાર ચાલકે આગળ જતી એક્ટિવાને હડફેટે લીધી અને તેને કારણે ભાઈ-બહેન રોડ પર ફંગોળાયા અને યુવતીનું ગંભીર ઇજાને પગલે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. જો કે, ભાઈને ઇજાને પગલે સારવાર હેઠળ રાજકોટ ખસેડાયો હતો.
ઘટનાની જાણ થતા જ પડધરી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, જોડિયાના કેસીયા ગામે રહેતાં 22 વર્ષિય જેમીનાબેન ગોધાણી રાજકોટમાં એમસીએના અભ્યાસ બાદ અમદાવાદમાં ઇન્ટરશીપ કરતી હતી. જો કે, સાતમ-આઠમે રજા હોવાથી તે કેસીયા ગામે આવી હતી અને તહેવાર બાદ તે તેનો ભાઇ કે જે રાજકોટમાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હતો,

તેને પણ રજા પુરી થતાં જેમીનાને અમદાવાદ જવાનું હોવાથી બપોરે બંને ભાઇ-બહેન ઘરેથી એક્ટિવ પર નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ પડધરી બાયપાસ પાસે રેલવે ઓવરબ્રિજ પર પહોંચ્યા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી ઇક્કો કારના ચાલકે એક્ટિવાને હડફેટે લીધી અને બંને ભાઈ-બહેન રોડ પર પટકાયા. જેને કારણે જેમીનાનું માથાના ભાગે ગંભીર ઇજાને પગલે મોત નીપજ્યું અને તેના ભાઇને ઇજા પહોંચતા તેને સારવાર હેઠળ ખસેડાયો.

ઘટનાની જાણ થતાં જ પડધરી પોલીસ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી. પોલિસે અકસ્માત સર્જનાર ઇક્કો કાર ચાલક સામે ગુનો નોંધવા સહિતની તજવીજ હાથ ધરી હતી. જો કે, જેમીનાના મોત બાદ પરિવાર ઘણો આઘાતમાં હતો પરંતુ તે છત્તાં તેમણે દીકરીના ચક્ષુદાનનો નિર્ણય કરી માનવતા મહેકાવી.