ગુજરાતમાં એક જ દિવસમાં 4 અકસ્માત…મર્સિડીઝના ચાલકે બેફામ ડ્રાઈવિંગ કરી 3 વાહનોને અને મરણપ્રસંગમાં જતી દેરાણી-જેઠાણીને લીધા અડફેટે…

રાજ્યમાં ગત રોજ અલગ અલગ અકસ્માતમાં કેટલાક લોકોનાં મોત નીપજ્યા છે. ગાંધીનગરમાં મર્સિડીઝના ચાલકે બેફામ ડ્રાઈવિંગ કરી ત્રણ વાહનોને અને મરણપ્રગંસે જતી વખતે રસ્તા પર ઊભેલી બે મહિલાઓને અડફેટે લેતા બે મહિલાનાં મોત થયાં જ્યારે અન્ય વાહનચાલકોને ઈજા થતા સારવાર માટે ખસેડાયા. આ ઉપરાંત મોરબીના વાંકાનેર નેશનલ હાઈવે પર બીજો અકસ્માત થયો, જેમાં આખલો આડે આવતા ડમ્પરચાલકે કાબૂ ગુમાવ્યો અને ડમ્પર અર્ટિગા કાર પર પડ્યું.

આ દુર્ઘટનામાં કારચાલક અને ડમ્પરમાં સવાર બે લોકો એમ કુલ ત્રણનાં મોત થયાં અને બેને સારવાર માટે ખસેડવામાં આવ્યા. વધુ એક અકસ્માત જૂનાગઢમાં મોટી ખોડિયાર ગામ નજીક થયો, જેમાં એક રિક્ષા પુલ પરથી નીચે પડતા બે લોકોના મોત થયા. પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરના મહુડી હાઈવે પર ઉનાવા ગામના પાટિયા પાસેથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલ મર્સિડીઝના ચાલકે પિકઅપ ડાલાને ટક્કર મારી અને કાર ત્યાં ન અટકી,

નજીકમાં ચાની કીટલી પાસે ઊભેલી બે મહિલાને અડફેટે લીધા બાદ કીટલી સાથે અથડાઈ. આ પછી એક બાઈક અને ફન્ટી કાર સાથે અથડાઈ. મર્સિડીઝના ચાલકે કુલ ત્રણ વાહનો અને ચાની કીટલી તેમજ બે મહિલાઓને અડફેટે લીધી. આ અકસ્માતમાં બે મહિલાઓનાં મોત નીપજ્યાં જે ગાંધીનગરના સેક્ટર – 3 ખાતે રહેતા હતા અને કૌટુંબિક દેરાણી જેઠાણી હતા. તેઓ વક્તાપુર ગામે મરણ પ્રસંગે જવા ઘરેથી નીકળ્યાં હતાં.

આ અકસ્માતને પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ અને સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. બીજા અકસ્માતની વાત કરીએ તો ગત રોજ સવારે વાંકાનેર બાજુથી મોરબી તરફ ડમ્પર આવી રહ્યું હતું ત્યારે ડમ્પર આડે આખલો આવ્યો અને તેની સાથે ડમ્પર અથડાયું. આ પછી ડમ્પરચાલકે કાબૂ ગુમાવી દીધો અને ડમ્પર સામેના રોડ પરથી પસાર થતી આર્ટિગા કાર ઉપર પટકાયું. આ અકસ્માતમાં આર્ટિગાના ચાલક સહિત કુલ ત્રણ વ્યક્તિનાં મોત નીપજયાં અને એક મહિલા અને તેની દીકરીને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં.

ત્રીજો અકસ્માત જૂનાગઢમાં મોટી ખોડિયાર ગામ નજીક થયો, એક રિક્ષા પુલ પરથી નીચે પડી હતી, જેમાં બે લોકોના મૃત્યુ થયા છે. વધુ એક અકસ્માત ભાવનગર રાજકોટ હાઈવે પર થયો, હિટ એન્ડ રનના આ મામલામાં એક તેજ ગતિએ જતી કારે એક મોટરસાયકલ પર સવાર દંપતીને અડફેટે લીધું અને દંપતી ઘાયલ થતા, તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

Shah Jina