રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતનું કારણ ક્યારેક રફ્તારનો કહેર હોય, તો ક્યારેક ડ્રાઇવરની બેદરકારી. તેમાં અનેક નિર્દોષોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આવો જ એક ભયાનક અકસ્માત આજે વહેલી સવારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર સર્જાયો હતો. જેમાં, ત્રાપજ બાયપાસ નજીક બંધ પડેલા ડમ્પર પાછળ એક ખાનગી બસ ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અન્ય 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર હેછળ ખસેડાયા છે.
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રાપજ બાયપાસ નજીક બંધ પડેલા ડમ્પર પાછળ એક ખાનગી બસ ઘૂસી જતા 6 લોકોના મોત થયા હતા. જેમાં ત્રણ બાળક , બે મહિલા અને 1 પુરૂષનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત એટલો ગમખ્વાર છે કે, ખાનગી કંપનીની બસનો એક બાજુનો અડધો ભાગનો કચ્ચરઘાણ વળી ગયો છે.
મળતી જાણકારી અનુસાર, ભાવનગર-ગીર સોમનાથ નેશનલ હાઈવે પર વહેલી સવારે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે તળાજા અને ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તમાંથી એક મહિલા અને એક બાળકી ગંભીર રીતે ઘાયલ થતા ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. અન્ય ઈજાગ્રસ્તો તળાજાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ખાનગી કંપનીની આ બસ સુરતથી રાજુલા જઈ રહી હતી. લોકોનું એવું કહેવું છે કે, વહેલી સવારે અંધારામાં રસ્તા પર ઉભેલું ડમ્પર ન દેખાતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હશે. અકસ્માત બાદ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.