આજે જ હજુ તો આણંદના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર સવારના સમયે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતની ખબર સામે આવી અને આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે હવે રાજ્યમાં વધુ એક અકસ્માતની ખબર સામે આવી રહી છે. સેલવાસના દુધની રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો.
આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર સુરતના પાંચ પૈકી ચારના ઘટનાસ્થળે જ મોત થયા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના પાંચ મિત્રો કાર લઇને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દૂધનીના પ્રવાસે આવ્યા હતા. જ્યાથી ફરી પરત સુરત આવવા રવાના થયા હતા. આ દરમિયાન જ ખાનવેલ તરફ જતા સમયે ઘાટ ઉતરતી વખતે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો.
કારચાલકે સમય સુચકતા વાપરી મોટી દુર્ઘટના ટાળવા ઘાટ ઉપરના મોટા પથ્થર સાથે કાર અથડાવી. જો કે, કમનસીબે કાર ચાર-પાંચ પલટી મારીને નીચે ઘાટમાં ઉતરી જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર પાંચ પૈકી ચારના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં ફસાયેલ મૃતદેહોને પતરાં ચીરીને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં હસમુખ માગોકિયા, સુજીત પુરુષોત્તમ કલાડિયા, સંજય ચંદુ ગજ્જર અને હરેશ વડોહડિયાનો સમાવેશ થાય છે જ્યારે સુનીલ કાલિદાસ નિકુડે ઇજાગ્રસ્ત છે.