ખબર

ચોટીલામાં માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત, સાત લોકો કારમાં જ બળીને ભડથું

ચોટીલા માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલા પાટણ જિલ્લાના રાઘનપુર તાલુકાના નાનાપુરા ગામ અને સાંતલપુર તાલુકાના કોરડા ગામના પરિવારને સુરેન્દ્રનગર પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો છે. જેમાં પરિવારના 7 સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે શુક્રવારના રોજ ચોટીલા માતાજીના દર્શન કરીને પોતાના ગામ પરત ફરી રહેલા નાઈ પરિવારની કારને એક ડમ્પર દ્વારા ટક્કર મારવામાં આવતા કાર દૂર જઈને ફંગોળાઈ હતી અને કારની અંદર ભયાનક આગ લાગી ગઈ હતી.

કારની અંદર આગ લાગતા જ એક જ પરિવારના 7 સભ્યો બળીને આગમાં ભડથું થઇ ગયા હતા. જ્યારે એક મહિલાનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો હતો. તેમને સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના બાદ સમગ્ર કોરડા ગામની અંદર શોકનો માહોલ ફરી વાળ્યો છે. સર્વે મૃતકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારને આ દુઃખ સામે લડવાની હિંમત આપે એજ પ્રાર્થના !!