ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે. કેટલીવાર અકસ્માતમાં ઘણા લોકો જીવ પણ ગુમાવે છે. ત્યારે હાલમાં જ ગાંધીનગરના કોબા કમલમ કાર્યાલય સામેના રોડ પર આજે સવારે અકસ્માત સર્જાયો, જેમાં ફોર-વ્હીલ ગાડીના ચાલકે પૂરપાટ હંકારી એક્ટિવા સવાર પિતા, પુત્ર અને દીકરીને અડફેટે લીધાં અને આ અકસ્માતમાં પિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ઉલ્લેખનીય છે કે, 17 વર્ષીય દીકરીની હાલત નાજુક છે.
આ અકસ્માત એટલો ભયંકર હતો બંને વાહનોનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો, અને કારની સેફ્ટી બેગ પણ ખૂલી ગઈ હતી. અકસ્માતને પગલે ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર ટ્રાફિકજામ પણ સર્જાયો હતો અને ડીવાયએસપી સહિતનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં જોઇ શકાય છે કે કાર અને એક્ટિવાનો બૂકડો બોલાઈ ગયો છે. આ સિવાય એક્ટિવાની સીટ પણ અલગ થઈ અને ડિવાઈડરની પેલી બાજુ પડેલી છે.
કારને પણ આગળના ભાગે વધારે નુકસાન થયું છે અને આ નુકશાનથી એ અંદાજ લગાવી શકાય કે અકસ્માત કેટલો ગંભીર હશે ? આ અકસ્માત ભાજપ કમલમ પાસે સર્જાયો હતો.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં VIVP અને રાજકીય મુવમેન્ટ માટે અપાયેલા ડાયવર્ઝન અને સ્પીડ બ્રેકર ન હોવાથી અકસ્માતના ચાન્સ વધી જાય છે. ત્યારે આજે એટલે કે સોમવારે એક પિતા તેમની દીકરીને એક્ટિવા પર સ્કૂલ મૂકવા માટે જઈ રહ્યા હતા,
ત્યારે જ કારની ટક્કરે બંને રોડ પર પટકાયા અને આમાં પિતાનું ગંભીર ઈજાઓને પગલે મોત થયુ જ્યારે ધોરણ 11માં ભણતી દીકરીને ઈજાઓને પગલે સારવાર હેઠળ ખસેડાઈ છે. જો કે, અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તેમણે રોડ પણ બ્લોક કરી દીધો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાઈવે પર પહેલા કોબા ગામમાં જવાના રસ્તે ડિવાઈડર હતું પરંતુ તે બંધ કરીને ભાજપ કમલમ ખાતે લઈ જવાયું જેના કારણે આ રસ્તો વધારે જોખમી બન્યો છે.