અમદાવાદ : હજુ તો ઇસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના તાજી છે ત્યાં વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત…નશામાં ધૂત ચાલકે બાકડા પર કાર ચડાવી દેતા પલટી મારી

અમદાવાદમાં નબીરા બન્યા બેફામ ! નશામાં ધૂત કારચાલકે સર્જ્યો અકસ્માત, કારમાંથી મળી બિયરની બોટલ

Accident In Ahmedabad Maninagar : ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં સમગ્ર ગુજરાત અને દેશમાં જો કોઇ અકસ્માતનો કેસ ચર્ચામાં હોય તો તે છે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પરનો ગમખ્વાર અકસ્માત, જેમાં ઘણા નિર્દોષ લોકો અત્યાર સુધી જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના હજુ તો તાજી છે ત્યાં વધુ એક નબીરાએ અમદાવાદના મણિનગરમાં બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો.

ડ્રિંક એન્ડ ડ્રાઇવનો મામલો
અમદાવાદમાંથી જે રીતે અકસ્માતના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે હવે એ જોતા એવું લાગી રહ્યુ છે કે લોકોનું બહાર જાહેર રસ્તા પર ફરવું અને બેસવું પણ જોખમી બની ગયું છે. અમદાવાદમાં તાજેતરમાં એક ડ્રિંક એન્ડ ડ્રાઇવનો મામલો સામે આવ્યો. જેમાં મણિનગરમાં જવાહર ચોક પાસે પ્રભુ એપાર્ટમેન્ટ સામેના બાંકડા પર નશાની હાલતમાં નબીરાએ બાકડા પર કાર ચડાવી દીધી અને આ કાર પલટી ખાઇ ગઇ. જો કે, આ ઘટનામાં માંડ માંડ જાનહાનિ ટળી હતી.

કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો
આ ઉપરાંત કારમાંથી બિયરની બોટલ મળી હોવાનું પણ સામે આવ્યુ છે. પ્રાપ્ત માહિતી મુજબ, મણીનગર વિસ્તારમાં જવાહર ચોક પાસે પ્રભુ એપાર્ટમેન્ટ સામે ગઈકાલે રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને કાર પલટી મારી બાંકડા સાથે અથડાઈ. જો કે, આ બાંકડા પર ત્રણ વ્યક્તિ બેસેલા હતા પણ તેમણે સમયસૂચકતા વાપરી પોતાનો જીવ બચાવ્યો. ત્યારે આ ઘટનામાં કારચાલકને પહોંચી ઈજા પહોંચી છે અને તે નશામાં ધૂત હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસને કારની તપાસમાં બિયરની બોટલ મળી
જો કે, ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી હતી અને કાર ચાલક સહિત ત્રણ નબીરાઓને સ્થાનિકોએ દબોચી પોલીસને સોંપ્યા હતા. પોલીસને કારની તપાસમાં બિયરની બોટલ મળી આવી છે અને તે બાદ ડ્રિંક એન્ડ ડ્રાઇવ મામલે પોલીસે તપાસ તેજ કરી છે. આ અકસ્માતમાં માંડ માંડ પોતાનો જીવ બચાયેલ પ્રત્યક્ષદર્શીએ કહ્યુ કે ગઇકાલે રાત્રે મારો નવો જન્મ થયો એવું લાગ્યું. જો હું સમયસર બાંકડા પરથી દૂર ન ગયો હોત તો મારું મોત નક્કી હતુ.

Shah Jina