ગુજરાતમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના આવી સામે, ટ્રક અને કાર વચ્ચે સર્જાયો એવો ભીષણ અકસ્માત કે 4 લોકોના થઇ ગયા મોત, જુઓ વીડિયો

સાડા-પાટડી હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, ગંભીર રીતે ઈજાગ્રસ્ત 4 લોકોનાં ઘટના સ્થળે જ મોત

Accident between car and truck in Surendranagar : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, આવા ઘણા અકસ્માતની અંદર નિર્દોષ લોકોના જીવ પણ ચાલ્યા જતા હોય છે. મોટાભાગના અકસ્માત કોઈના બેફિકરાઈ ભરેલા ડ્રાઈવિંગના કારણે થયા હોવાનું જ સામે આવે છે, ત્યારે હાલ વધુ એક અકસ્માતની ઘટનાએ લોકોના રૂંવાડા ઉભા કરી દીધા. આ ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે સુરેન્દ્રનગરના દસાડામાંથી. જેમાં ચાર લોકો મોતને ભેટ્યા છે.

5 ફૂટ દૂર જઈને પડી કાર :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત વહેલી સવારે સર્જાયો હતો. જેમાં દસાડા – પાટડી હાઇવે પર જતી એક કારને ટ્રક ચાલકે જબરદસ્ત ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે ટક્કર બાદ કાર 5 ફૂટ સુધી દૂર જઈને પડી હતી, આ કારમાં ચાર લોકો સવાર હતા અને ચારેયના આ અકસ્માતમાં મોત નિપજ્યા. ચારેય મૃતકો મોરબીના હોવાનું સામે આવ્યું છે અને હાલ તેમના મૃતદેહોને પાટડી સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

કારનો વળી ગયો કચ્ચરઘાણ :

આ બાબતે એવી પણ માહિતી સામે આવી રહી છે કે અકસ્માતમાં મોતને ભેટેલા મૃતકો મોરબીથી પોતાની સ્વીફ્ટ કાર લઈને કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન જ પાટડીના જૈનાબાદ અને દસાડા વચ્ચે વળાંક નજીક રાજસ્થાન પાર્સીંગની એક ટ્રક પુરપાટ ઝડપે આવતા કાર સાથે તેની ટક્કર થઇ હતી અને કારનું પડીકું વળી ગયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર બાજુના ખેતરમાં જઈને પડી. જેના કારણે કારમાં સવાર ચારેય લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

મૃતકોની ઓળખ નથી થઇ :

આ અકસ્માત અંગે દસાડા પોલીસને જાણ થતા જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઉપરાંત 108ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે પાટડીની સિવિલ હોસ્પિટલમાં ખસેડીને પોલીસ આગળની તપાસ પણ હાથ ધરી હતી. હજુ સુધી મૃતકોની ઓળખ થઇ શકી નથી. પરંતુ અકસ્માતનો ભોગ બનેલી સ્વિફ્ટ કાર કુલદીપસિંહ પરમારના નામે હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

Niraj Patel