લેખકની કલમે

રામ- રહીમ વિદ્યાલય – ખુદ પ્રભુએ પણ માનવ માનવ વચ્ચે ભેદ નથી રાખ્યો પણ કહેવાતા બુદ્ધિશાળી પ્રાણી માનવે પોતાના અંગત સ્વાર્થ માટે આ વાડા અને વિવાદ જીવિત રાખ્યા છે…

“સરનામું શ્રુષ્ટીકર્તાનું, શોધવાની ક્યાં જરૂર છે.
નજર મારી જ્યાં જ્યાં ઠરે,ત્યાં હાજરા હજુર છે.
બનાવ્યા છે આપણે, મન્દિર મસ્જિદના ભેદો,
ગમે તે સ્થાનકમાં, કુદરત ખુદ ભરપૂર છે…”
                                                      – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

એ દિવસે ફરીથી ગામની એ વિવાદિત જમીન પર એક લોહિયાળ જંગ ખેલાયો. હજી તો ત્રણ મહિના અગાઉજ ત્યાં હિન્દૂ મુસ્લિમ ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એ દિવસે વાત એમ બની હતી કે…

કેટલાક હિન્દૂ યુવાનો એ જગ્યાએ એકઠા થઇ એ જગ્યા પર હવે જલ્દી મંદિર બને એવી વાતો કરી રહ્યા હતા. વાતો કરતા કરતા ત્યાં ધર્મશાળા પરબ પક્ષીઓ માટે ચબુતરો વગેરે પણ સાથે સાથે બનાવવું જોઈએ એવી પણ વાતો કરી રહ્યા હતા. એમની આ વાત ચાલતી હતી ત્યાં ગામના કેટલાક મુસ્લિમ યુવાનો પસાર થઈ રહ્યા હતા. હિન્દૂ ભાઈઓની વાતો સાંભળી તેઓ એમની નજીક જઈ એ જગ્યાએતો મસ્જિદ બનવી જોઈએ એવી વાતો કરવા લાગ્યા. મંદિર અને મસ્જિદ બનાવવાની વાતમાં વાત ખૂબ આગળ વધી ગઈ અને બન્ને જૂથ વચ્ચે મારામારી થઈ ગઈ.

હવે ઝગડાને તો કોઈ વિવેક હોય નહીં…!!! બન્ને કોમના યુવાનોએ એકબીજા પર હુમલો કર્યો. અને બન્ને જૂથના બે પાંચ બે પાંચ ભાઈઓને ઇજા થઇ. બંને કોમના ભાઈઓ પોતપોતાના વાસમાં ગયા અને બન્ને કોમોએ એકબીજાને પાઠ ભણાવી દેવાનું નક્કી કરી જ નાખ્યું… જૂથમાના અમુક બરૂકા યુવાનો તો કહેતા હતા કે…
“હવે તો ફેંસલો કરી જ નાખવો છે… હવે તો આ પાર અથવા પેલે પાર…”
આવું નક્કી થયું એટલે એ દિવસે બન્ને જૂથો વચ્ચે, બંને ધર્મો વચ્ચે મંદિર અને મસ્જિદ બનાવવાંની બાબતમાં મોટું ધીંગાણું થયું હતું…

ગામના છેક છેવાડે આવેલા એક ઝુંપડા જેવા બે કાચા મકાનમાં પાસ પાસે રહેતા બે નેવું વર્ષની ઉંમર વટાવી ચૂકેલા બે વૃધ્ધો ના કાને આ સમાચાર સાંભળ્યા કે …”આજે ફરી ગામમાં ઈશ્વર અલ્લાહ ના નામે ધીંગાણું થયું અને કેટલાય યુવાનો લોહીમાં ખરડાયા…”

આ સમાચાર સાંભળતા બન્ને વૃધ્ધોનો જીવ કકળી ઉઠ્યો અને એક વૃદ્ધ બોલ્યો…

“રહીમ… યાદ છે તને વર્ષો પહેલા એજ જગ્યાએ અલ્લાહની ઈબાદત માટેનો મોટો ઓટલો બનાવેલો હતો…”
તરત બીજા વૃદ્ધે જવાબ આપતા કહ્યું…

“હા, રામ… અને એ ઓટલાને અડકીને ભગવાન રામજીની નાનકડી દેરી હતી…”
બન્ને વૃધ્ધો કે જે પોતાના કોઈ કુટુંબ વિનાના સાવ એકલા અટૂલા વર્ષોથી એ કાચા મકાનોમાં રહેતા હતા. ગામના લાંબા એકતાના સ્વર્ણિમ ભૂતકાળના બંને સાક્ષી હતા. ગામ
લોકોની નજરમાં બંને નું ખૂબ માન પાન હતું. બંનેની વાત કોઈ ગામ લોક ક્યારેય ઉથાપતું ન હતું… પણ શી ખબર કેમ આ એકજ બાબતમાં એ બંનેનું કોઈ માનતું ન હતું…
બંને વૃધ્ધોને એ પણ યાદ આવ્યું કે કેવા હિન્દૂ મુસ્લિમના તહેવારો વખતે એ જગ્યા પર બંને કોમના લોકો ખૂબ હળીમળી ખૂબ પ્રેમથી સહભાગી બનતા હતા. અજાણ્યા માણસ ને તો ખ્યાલ પણ ન આવે કે આમાં હિન્દૂ કોણ અને મુસ્લિમ કોણ…

ગામને આમ એકતા ના સૂત્રમાં બાંધવામાં એ બંને વૃદ્ધ રામભાઈ અને રહિમભાઈનો ખૂબ મોટો ફાળો હતો… પણ આજે એમના જીવનની ઢળતી સાંજે ગામમાં જે કાંઈ થઈ રહ્યું હતું એ સાંભળી બંને દોસ્તારો નું દિલ ખૂબ દ્રવીત હતું. વર્ષો પહેલા બંને કોમો વચ્ચેનું વૈમનસ્ય આજે ટૂંકા સ્વાર્થ અને અન્ય લોકોની ચડામણી થી વેરમાં પરિવર્તિત થયેલું જોઈ બંને વૃદ્ધ મિત્રોને હંમેશા થતું કે ઈશ્વર કે અલ્લાહ એમને પોતાની પાસે બોલાવી લે એ પહેલાં આ ગામમાં ફરીથી એકતાનો શિલાન્યાસ કરી ને વિદાય થવું… એ બંને નક્કી તો કરતાં પણ હવે ફરીથી બંને કોમોને ભેગી કરવી અને વર્ષો જુના વિવાદને સદા માટે ખતમ કરવો એ ખૂબ દુસ્કર કાર્ય હતું… છતાં બંને એ આજે તો નક્કી કરીજ નાખ્યું કે આ વિવાદને ગમેતે ભોગે ખતમ કરવોજ છે…
આ માટે બંને એ આટલી પાકટ વયે પોતાના ઘર ત્યજી એ વિવાદિત જગ્યાએ રહેવાનું શરૂ કર્યું. વરસતા વરસાદ , હાડ થિજાવી દેતી ઠંડી કે કાળઝાળ ગરમી માં બંને વૃધ્ધો એ જમીન પર જ વસવાટ કરવા લાગ્યા. ગામના બંને ધર્મના નાના નાના બાળકો રમવા અર્થે ત્યાં આવવા લાગ્યા. શરૂઆતમાં મોટા લોકો બાળકોને ત્યાં જતા રોકતા પણ બંને વૃધ્ધો નાનકડા બાળકોને જે વ્હાલ કરતા જે વાર્તાઓ કહેતા રમતો રમાડતા એ પ્રેમ બાળકોને એમની તરફ ખેંચી જતો હતો. એક દોઢ વર્ષ વીત્યું પણ બન્ને વૃધ્ધોનો એકતા સ્થાપન નો શુભ યજ્ઞ અવિરત ચાલુ જ હતો. છાસવારે એ વિવાદિત જગ્યાએ કોમી ઝગડાના છમકલાં થતા એ છેલ્લા દો ઢેક વર્ષથી સદંતર બંધ થઈ ગયા હતા.

હંમેશા માનસિક તાણમાં જીવતા બંને ધર્મના લોકો ને ધીમે ધીમે શાંતિના માહોલમાં સુકુન મહેસુસ થવા લાગ્યું હતું. લોકોને ધર્મના નામે થતા ઝગડા કરતા આ શાંતિના માહોલમાં ગમવા લાગ્યું હતું. લોકોનો અહં અને સ્વાર્થ સાવ ઓગળી ગયો હતો અને લોકો સમજી ગયા હતા કે એ જગ્યા પર મંદિર બને કે મસ્જિદ એનાથી ગામને કોઈ નુકશાન નઈ જાય એનાથી વધુ નુકશાન તો છાસવારે થતા ઝગડા થી થતું હતું…

…અને એક રાત્રે એક અજબ ઘટના બની જે ચમત્કાર થી સહેજ પણ કમ ન હતી… બન્યું એવું કે બંને ધર્મના લોકો એ જગ્યાએ જ્યાં રામ અને રહીમ નામના બંને વૃધ્ધો ઘણા સમયથી વસ્યા હતા ત્યાં એકઠા થયા. જે જગ્યા પર એકબીજા ધર્મ પ્રત્યે આંખોમાંથી વેર વરસતું હતું ત્યાં આજે મમતા અને પ્રેમ દેખાઈ રહ્યો હતો. હિન્દૂઓ એ બંને વૃધ્ધોને કહી રહ્યા હતા કે…
“આ જગ્યા પર મસ્જિદ બનવી જોઈએ…” અને મુસ્લિમ ભાઈઓ કહી રહ્યા હતા કે… “આ જગ્યા પર મંદિર બનવું જોઈએ…” બંને ધર્મોના લોકોમાં પેદા થયેલ માનવતા અને ઉદારતા જોઈ બન્ને વૃધ્ધો ની આંખો પ્રેમના આંસુથી ઉભરાઈ ગઈ…

રામ રહીમ નામના બંને મિત્રો એકબીજાની સામે જોઈ રહ્યા. અને પોતાની યોજના મુજબ રામે લોકોને સંબોધતા કહ્યું કે…
“તમારી વચ્ચે પેદા થયેલ આ પ્રેમ આ ઉદારતા જોઈ ખરેખર ઈશ્વર અને અલ્લાહ જો કે એ એકજ ઈશ્વર ના બે અલગ નામ છે એને સૌથી વધુ આનંદ થયો હશે… વર્ષો પહેલા આપણાં ગામમાં બંને કોમો વચ્ચે આવોજ ઉદહારણીય પ્રેમ હતો પણ અન્ય લોકો ની કાન ભમ્ભેરણી ના કારણે વળી વેર ઉતપન્ન થયું. અમે નથી ઇચ્છતા કે આજે પેદા થયેલ પ્રેમ વર્ષો પછી પાછો વેરમાં પલટાય એટલે આ વિવાદ નો અંત અમે ચિરંજીવી બનાવવા માંગીએ છીએ…”

અને પછી… રહીમ નામનો વૃદ્ધ બોલ્યો કે…
“તમારા સૌની સંમતિ થી અમે આપની સમક્ષ એક પ્રસ્તાવ મૂકીએ છીએ… આશા છે આપ સૌને એ ગમશે… આપ સૌ એ સ્વીકારશો…”
ત્યાં બન્ને ધર્મના લોકો એકી અવાજે એ વૃધ્ધો ની વાત માનવા તૈયાર થઈ ગયા. કારણ રોજે રોજના ઝગડા અને વિવાદથી હવે સૌ ખૂબ ત્રાહિત હતા.
વાતની અને વિવાદની પુર્ણાહુતી કરતાં રામ અને રહીમ એકી સાથે બોલ્યા કે… “આ જગ્યા પર નથી બનાવવું મંદિર કે નથી બનાવવી મસ્જિદ… આ જગ્યા પર બનશે માનવતા અને ભાઈચારાનો પાઠ શીખવતું સુંદર મજાનું વિદ્યાલય…”

બન્ને વૃધ્ધો નો આ વિચાર સાંભળી લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા. લોકોને આ વિચારમાં વિવાદનો કાયમી અંત શ્રદ્ધા સાથે દેખાઈ રહ્યો હતો. લોકોએ બન્ને વૃધ્ધોનો વિચાર સહર્ષ વધાવી લીધો…

લોકો કહેવા લાગ્યા કે…”વડીલો અમે તમારી વાત માની તો તમારે પણ અમારી એક વાત માનવી પડશે…”

…અને ટોળામાંથી એક હિન્દૂ અને એક મુસ્લિમ યુવાન બોલ્યા કે…”

“બનનાર વિદ્યાલય નું નામ હશે…”રામ-રહીમ વિદ્યાલય” લોકોની લાગણી અને માંગણી ને માન્ય રાખતા બન્ને વૃધ્ધો એ સંમતિ આપી…

અને મંદિર મસ્જિદના વિવાદમાં ફસાયેલ જમીન પર ભાઈચારા અને કોમી એકતા ના પ્રતીક સમાં “રામ-રહીમ વિદ્યાલય” નું નિર્માણ થયું… જે વિવાદ અને વેરઝેર જેવા માનવતાને ભરખી જતા રાક્ષસ પર વજ્રઆઘાત સમાન પુરવાર થયું…

● POINT : ધર્મો અને નામ અલગ છે પણ શ્રુષ્ટીકર્તા નું સરનામું તો એકજ છે. ખુદ પ્રભુએ પણ માનવ માનવ વચ્ચે ભેદ નથી રાખ્યો પણ કહેવાતા બુદ્ધિશાળી પ્રાણી માનવે પોતાના અંગત સ્વાર્થ માટે આ વાડા અને વિવાદ જીવિત રાખ્યા છે… બાકી જતું કરવાથી બધાનું ભલું જ થાય છે… જેના શુફળ આવનારી પેઢીઓ ચાખી શકે છે…

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર) GujjuRocks Team

દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.