પસ્તાવો – વૃદ્ધ મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા માણસો ઈચ્છે છે કે એમના સંતાન એમને વૃદ્ધાવસ્થામાં સાચવે, પણ સંતાન જેવું જુવે એવુંજ સમજે અને શીખે ને ??

0

પસ્તાવો… (વાર્તા)

અમદાવાદની મધ્યે આવેલું વિશ્રામ વૃદ્ધાશ્રમ. એ વૃદ્ધાશ્રમ ની રમ નંબર ૨૧ ની બારી પાસે બેઠેલા બે વૃદ્ધો. ઉંમરના કારણે થઈ ગયેલા વૃદ્ધો નહિ પણ પરિસ્થિતિ ના કારણે દેખાતા વૃદ્ધો. એ બારી પાસે બેઠેલા બળવંતભાઈ અને એમના પત્ની ગોમતીબેન. એમનો એકનો એક દીકરો અનિલ પોતાના માં બાપને આ ઘરડાઘરમાં આજથી લગભગ પંદર દિવસ પહેલા મૂકી ગયો હતો. બળવંતભાઈને હજી યાદ છે પંદર દિવસ પહેલાનો એ દિવસ જ્યારે એમનો દીકરો અને વહું બંનેને ઘરડાઘરમાં મૂકી ઘેર ચાલતો થયો ત્યારે બોલ્યો હતો કે…”પપ્પા, હું તમને અહીં મૂકીને જાઉં છું એમાં કશું નવું કરતો નથી… આ બાબત તો હું તમારી પાસેથીજ શીખ્યો છું. હું નાનો હતો ત્યારથી તમે અને મમ્મી દાદાજીને વૃદ્ધાશ્રમમાં મુકવાની વાત કરતા હતા અને એક દિવસ સાચેજ આજ વૃદ્ધાશ્રમમાં એમને મૂકી ગયા હતા. હું તો તમારીજ પરંપરા આગળ વધારી રહ્યો છું…”
એ દિવસે દીકરા દ્વારા બોલાયેલા આ શબ્દો બળવંતભાઈ અને ગોમતીબેન બંનેને આજ દિન સુધી સુળ ની જેમ પીડા આપી રહ્યા છે. વૃદ્ધાશ્રમ માં આવ્યે હજી તો પંદર દિવસ થયા છે પણ આ પંદર દિવસ બંને માટે જાણે પંદર વર્ષ કરતાંય વધુ હોય એવા લાગી રહ્યા છે. વીતતા એક એક દિવસની સાથે સાથે બંનેની વ્યથા પણ વધતી જાય છે…

આ તરફ અનિલે લીધેલું આ પગલું પ્રથમ નજરે અમાનવીય લાગે છે. પરંતુ અનિલ પણ પોતાના ઘેર પોતાની પત્ની સાથે ખૂબ એકલતા અનુભવી રહ્યો છે. મા બાપ વિનાનું ઘર જાણે બંને માણસને કરડવા દોડતું હોય એવું લાગે છે. દિવસની એકેય એવી મિનિટ નથી જ્યારે અનિલ મનોમન પોતાના મા બાપની ક્ષમા ન માગતો હોય…!!! અને દુઃખ સાથે કહેતો હોય કે…”મમ્મી પપ્પા મેં તમને વૃદ્ધાશ્રમ મોકલ્યા છે મને માફ કરજો પણ એની પાછળ મારો કોઈ ખરાબ ઈરાદો નથી. સમય બતાવશે કે એમાંથી ઘણાને શુભ સંદેશ મળશે…”
વૃદ્ધાશ્રમમાં આવ્યે પંદર દિવસ વીતી ચુક્યા અને ઉગ્યો સોળમો દિવસ. રૂમની બારી માંથી બહાર જોઈ રહેલા ગોમતીબેન ખૂબ ઊંડા વિચારોમાં ગરકાવ હતા. ભૂતકાળમાં પોતાના સસરા સાથે કરેલા વ્યવહારને યાદ કરતા કરતા આજે એમની આંખોજ નહિ હૃદય પણ રડી રહ્યું હતું. એમને યાદ આવી ગયા એ દિવસો જ્યારે એમના સસરા એમને બોજ લાગતા હતા. પોતાના પતિ બળવંતભાઈને એ વારંવાર કહેતા…”હવે આ ડોસાનું ઘરમાં કોઈ કામ નથી. ઘરનો એક રૂમ સાવ લેવાદેવા વગરનો એ વાપરે છે. મારે ક્યાંક બહાર જવું હોય તોય આ ડોસાના કારણે જવાતું નથી. પાછા એમના નખરા તો જુવો… આખો દિવસ કઈ કામ કરવાનું નહિ અને ખાવાનું પાછું ટાઇમસર જોઈએ…હું તો કહું છું એ ડોસાને વૃદ્ધાશ્રમમાં મૂકી દો… એટલે છૂટીએ આપણે એમનાથી…”
અને જવાબમાં બળવંતભાઈ પણ કહેતા…”હા ગોમતી… હું પણ કેટલાય દિવસથી એજ વિચાર કરું છું. આમે બા તો છે નહીં એટલે બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ. પછી હું તું અને આપણો અનિલ ખૂબ મજાથી ઘરમાં રહીશું…”
અને બળવંતભાઈ એમના પિતા બાબુભાઇ ને આ વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા હતા. બાબુભાઇ ને એમના પૌત્ર અનિલ પ્રત્યે ખૂબ લગાવ હતો. પોતાનજ ઘરથી પોતાનો પુત્ર આમ પોતાને ઘર વિહોણો કરી,એક પિતાએ કરેલા ઉપકારો પલમાં ભૂલી એકલો મૂકી દીધો ત્યારે બાબુભાઈની મનોવ્યથા સ્પષ્ટ રીતે એમની આંખોમાં છલકાતી હતી. દાદાને દૂર ન કરવા માટે બાર વર્ષના અનિલે પણ ખૂબ તોફાન મચાવેલું પણ તેમ છતાં એના મમ્મી પપ્પા બાબુભાઈને વૃદ્ધાશ્રમ મૂકી આવેલા.

એકલતાની વેદના અને પોતાના દીકરાનું આવું અમાનવીય કૃત્યનો આઘાત બાબુભાઇ સહન ન કરી શક્યા અને છ માસ માજ મૃત્યુને ભેટ્યા હતા. આજે એજ વૃદ્ધાશ્રમમાં ગોમતીબેન અને બળવંતભાઈ પોતે કરેલા પાપોને યાદ કરી રાતા પાણીએ રોઈ રહ્યા છે. પારાવાર પસ્તાવાની આગમાં બંને સળગી રહ્યા છે. અને એ વાતને સમજી રહ્યા છે કે પોતે જેવું કર્યું હતું એવુંજ આજે એમની સાથે બન્યું છે. આજે બંનેને અહેસાસ થઈ રહ્યો છે કે જ્યારે પોતાનાજ પોતાને ઠુકરાવે ત્યારે એની વેદના હજારો વીંછીના ડંખથી પણ વધુ હોય છે…
આમ પસ્તાવાના આંસુએ રડતા રડતા વૃદ્ધાશ્રમમાં આવ્યે એમને એક મહિનાનો સમય વીતી ચુક્યો છે. એક સવારે એ વૃદ્ધાશ્રમના આંગણ માં એક ગાડી આવીને ઉભી રહી. આગાશીમાંથી પોતાના પુત્રને ગાડીમાંથી ઉતરતા જોઈ બળવંતભાઈ અને ગોમતીબેન દોડીને દાદરો ઉતરી રીતસરના પોતાના પુત્રને ભેટી પડ્યા. બધાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો અને અનિલ બોલ્યો…”મમ્મી પપ્પા ચાલો ઘેર હું તમને લેવા આવ્યો છું…”

દીકરાના આટલા શબ્દો એ બંનેને એટલી બધી શાતા આપી કે એનું વર્ણન ન થઈ શકે. બંનેના હૃદયમાં હરખની એવી હેલી ચડી કે દીકરાને કપાળે ગાલે ચુંબન કરી હરખના આંસુ વહાવવા લાગ્યા. ત્યાં હાજર તમામ વૃદ્ધો ની હાજરીમાં અનિલે કહ્યું…”મમ્મી પપ્પા એક મહિના માટે મેં તમને અહીં મોકલ્યા એ માટે મને માફ કરજો. હું તમને એ બતાવવા માંગતો હતો કે પુત્ર જ્યારે પોતાના માતા પિતાને નકામા ગણી પોતાનાથી દૂર કરે ત્યારે એ મા બાપ ના દુઃખની કોઈ સીમા નથી રહેતી… વિચાર કરો આ એક મહિનો તમે મારા વિના ,ઘર વિના કેવી રીતે કાઢ્યો. તો દાદાજીએ અહીં કેવી રીતે દિવસો કાઢ્યા હશે…!!! એમને કેટલું દુઃખ થયું હશે…!!!
દીકરાની વાત સાંભળી બળવંતભાઈ અને ગોમતીબેન નું મસ્તક શરમથી ઝૂકી ગયું અને ગોમતીબેન બોલ્યા…”દીકરા તારી વાત સાચી છે… આમતો મા બાપ પોતાના સંતાનોને સદઆચરણ શીખવે છે પણ આજે તે અમને અને અમારા જેવા હજારોને જીવનનો મોટામાં મોટો પાઠ ભણાવ્યો છે…”
અને અનિલ પોતાના મા બાપને લઈને ઘેર જવા રવાના થયો…

જીવનની ઢળતી સાંજે એ વૃદ્ધાશ્રમમાં રહેલા તમામ વૃદ્ધો અનિલની ઘર તરફ જતી ગાડી પાછળ જોઈ રહ્યા. દરવાજા તરફ તાકી રહેલી એમની ઉદાસ આંખો જાણે કહી રહી હતી…”અમારા દીકરાઓ પણ અમને ક્યારે લેવા આવશે…!!!”

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here