લેખકની કલમે

“ઓપરેશન…” – આ વાર્તા વાંચ્યા પછી તમે પણ એવું જ કહેશો કે હજી પણ સંસ્કાર કોઈનમાં જીવે છે ને માનવતા મરી નથી…..!!! હૃદયસ્પર્શી આ સ્ટોરી વાંચો અને તમારા પરિવારજનોને વંચાવો…

“ઓપરેશન…”

  • “દરિદ્રનારાયણ રૂપમાં, થઈ ગયા તારા દર્શન.
  • એ રૂપ જોઈ તારું, હર્ષિત બન્યું મારું મન.
  • કરેલ મારા કર્મનું મૂલ્ય, તું જ કરજે પ્રભુ,
  • ઊમટતા મારા મન શંસયનું,તું કરજે શમન…”
    – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’
    શહેર ની એક ખૂબ મોટી અને ખ્યાતનામ હોસ્પિટલ. એ હોસ્પિટલમાં લગભગ તમામ રોગોની સારવાર થતી. તમામ પ્રકારની દવાઓ અને લેબોરેટરી ટેસ્ટ પણ અંદરજ થઈ જતા. દર્દી એ હોસ્પિટલમાં સારવાર અર્થે આવે એટલે એને ક્યાંય બહાર જવાની જરૂર જ નહીં. તમામ પ્રકારની સુવિધા ત્યાંજ મળી રહેતી. પાંચ માળની શહેરની મધ્યે આવેલી એ હોસ્પિટલમાં બધીજ સુવિધા નંબર વન હતી. આવેલ દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે આખો હોસ્પિટલ સ્ટાફ ખડે પગે હાજર રહેતો. બસ શરત માત્ર એટલી કે આવેલ દર્દીનું ખિસ્સું રૂપિયાથી ભરેલું હોવું જોઈએ. બધી સરસ સુવિધા હોવાથી અન્ય હોસ્પિટલો કરતા ત્યાં ખર્ચ થોડો વધારે થતો પણ તેમ છતાં જલ્દી સાજા થઈ જવા માટે દર્દીઓની ભીડ પણ ત્યાં વધુ રહેતી…

એ હોસ્પિટલમાં એક દિવસ એક યુવાન પોતાના વૃદ્ધ દાદાજીને લઈને સારવાર અર્થે આવ્યો. એ યુવાનના દાદાને લગભગ ત્રણેક મહિનાથી પેટમાં દુખાવાની ફરિયાદ હતી. ઘણા બધા દવાખાના ફર્યા પણ રતીભાર પણ ફરક પડતો ન હતો. તેથીજ એ મોંઘી પણ દુખાવો મટવાની આશાએ એઓ અહીં આવ્યા હતા. પેટ દર્દના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે દાદાની તપાસ કરી. પેટના થોડા રિપોર્ટ કરાવવા દવાખાનાના લેબોરેટરી વિભાગમાં એમને મોકલવામાં આવ્યા. દાદાના બ્લડના સેમ્પલ ત્યાં પહોંચ્યા અને એક કલાક બાદ રીપોર્ટ માં આવ્યું કે દાદાને લિવરનું કેન્સર છે. એ યુવાનને ડોક્ટરે પોતાના કેબિનમાં બોલાવી જણાવ્યું કે…”હવે દાદાનું ઓપરેશન કર્યા સિવાય કોઈ છૂટકો નથી. હું દવા આપીશ એનાથી દાદાને રાહત રહેશે પણ કેન્સર મટાડવા માટે ઓપરેશન અનિવાર્ય છે…”  અને ડોક્ટરે ઓપરેશનનું અંદાજીત પચાસ હજાર રૂપિયા જેટલું ખર્ચ પણ જણાવ્યું. મધ્યમ પરિવાર માંથી આવતા એ યુવાન પાસે આટલી મોટી રકમ ન હતી. પણ ત્રણેક દિવસ પછી રૂપિયાનો બંદોબસ્ત કરી ઓપરેશન માટે આવવાનું કહી એ યુવાન અને એના દાદા ઘેર જવા રવાના થયા…
ત્રણ દિવસ બાદ એ યુવાન અને એના દાદા સાહિઠ હજાર જેટલી રકમ લઈને ઓપરેશન માટે દવાખાને સવારમાં આવી ગયા. દાદાજીને દાખલ કરવામાં આવ્યા. ડોકટર તરફથી એમના ઓપરેશનમાટે સાંજના ચાર વાગ્યાનો સમય આપવામાં આવ્યો. ઉપરના જનરલ વોર્ડમાં પોતાના દાદાને સુવડાવી એ યુવાન નીચેના માળે પાણીની બોટલ ભરવા જઇ રહયો હતો ત્યારે વેઇટિંગ એરિયામાં એક ખૂણામાં છેલ્લી બેન્ચ પર એને એક હૃદયદ્રાવક દ્રશ્ય જોયું. એને જોયું કે એક સાવ જૂની સાડી પહેરેલ એક સ્ત્રી પોતાની સાડીના પાલવ વડે પોતાની ભીંજાયેલી આંખો લૂછી રહી હતી. એની બાજુમાં એના ખોળામાં માથું મૂકી એક આઠેક વર્ષનું બાળક સૂતું હતું. ઘડીભર દૂર ઉભા રહી એ યુવાને એમનું નિરીક્ષણ કર્યું. એને જોવા મળતું હતું કે થોડી થોડી વારે એ બાળક ઊંઘમાંથી ઉઠી રડવા લાગતુ હતું અને એની મા એના માથે હાથ ફેરવતી વળી અને એને સુવડાવતી…

આ દ્રશ્ય જોઈ એ યુવાનનું હૃદય દ્રવી ઉઠ્યું અને એ પહોંચી ગયો એ સ્ત્રી તરફ. આમતો હોસ્પિટલમાં આવા દ્રશ્યો જોવા મળતાજ હોય છે પણ ખબર નઈ કેમ એ સ્ત્રી તરફ એ યુવાનને વિશેષ લાગણી થઈ આવી હતી. સ્ત્રી પાસે પહોંચી એણે એ સ્ત્રીને રડવાનું અને બાળકની બીમારી વિશે પૂછ્યું…
અને એ યુવાનને એ સ્ત્રીની હકીકત જાણવા મળી કે એ સ્ત્રી એક વર્ષ પહેલાં વિધવા થઈ થઈ હતી. એનું કુટુંબ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતું હતું. પતિના મૃત્યુ પછી એના ઘરની સઘળી જવાબદારી એ વિધવા બાઈ પર આવી પડી હતી. પેલું બાળક એ એનો આઠ વર્ષનો દીકરો હતો. એનો દીકરી છેલ્લા એક મહિનાથી સતત માથું દુઃખવાની ફરિયાદ કરતો હતો. એ સ્ત્રીએ ઘરના ઘણા બધા ઓસડ કર્યા ઘણી દવા લેવડાવી પણ તોય કોઈ ફરક પડ્યો ન હતો. પોતાની આર્થિક પરિસ્થિતિનો વિચાર કર્યા વિના પોતાના દીકરાનું દર્દ દૂર કરવા એ એને અહીં મોંઘી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવી હતી.

થોડા પૈસા લઈને એ સ્ત્રી આવી હતી એ બધાજ દીકરાના લેબોરેટરી ટેસ્ટ અને કેશ ફી માં વપરાઇ ચુક્યા હતા. એના દીકરાના ટેસ્ટ માં એના મગજમાં લોહીની ગાંઠ થયાનો રિપોર્ટ આવ્યો હતો અને એના કારણેજ એને માથાના દુખાવાની ફરિયાદ રહેતી હતી. ડોક્ટરે એમ પણ જણાવ્યું હતું કે જો ઓપરેશન નહિ થાય તો એ બાળક ને જીવનું જોખમ છે. ડોક્ટરે જેટલું બને એટલું જલ્દી એનું ઓપરેશન કરવાની વાત કરી હતી. ઓપરેશન ખર્ચનો અંદાજ લગભગ સાહિઠેક હજાર રૂપિયા હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યો હતો. એની પાસે આટલી મોટી રકમની કલ્પના કરવી પણ અસંભવ હતી. બીજી તરફ પોતાનો એકમાત્ર સહારો એવા એના દીકરાની જિંદગીની ચિંતા. આ બન્ને કારણોને લીધે એ સ્ત્રી ખૂબ ચિંતિત અને વ્યથિત હૃદયે ત્યાં બેઠી હતી. એ સ્ત્રીની હકીકત જાણી એ યુવાનનું હૃદય પણ રડી પડ્યું.
મનમાં કશુંક નક્કી કરી એ યુવાન પહોંચી ગયો સિધોજ પોતાના  દાદાજી પાસે અને એમની સામે એને એ સ્ત્રીની બધી વાત કરી. પોતાના પૌત્રના ઉમદા વિચારને મનોમન પારખી લેતા આછા સ્મિત સાથે એના દાદા બોલ્યા…”દીકરા, તારા મનની વાત હું જાણી ચુક્યો છું. તું મારી ચિંતા છોડ અને તારા હૃદયે તને જે કરવાનું કહ્યું છે એ જ કર…”  આંખમાં હર્ષ અને શોક ના મિશ્રિત આંસુ સાથે યુવાન પોતાના દાદાને વ્હાલથી ભેટી પડ્યો…

ત્યાંથી એ યુવાન સિધોજ કેશ કાઉન્ટર પર ગયો. અને પેલી સ્ત્રીના બાળકના કેશ એકાઉન્ટમાં રૂપિયા સાહિઠ હજાર જમા કરાવી દીધા અને ડોક્ટરને એ બાળકનું ઓપરેશન કરવાનું પણ જણાવી દીધું. યુવાન પેલી સ્ત્રી પાસે જઈને લાગણીના રણકાર સાથે બોલ્યો…”બેન, હવે તમે કોઈ ચિંતા ન કરો. તમારા દીકરા, મારા નાના ભાઈ ને કશુંજ નહિ થાય…એનું ઓપરેશન થઈ જશે…”   પેલી સ્ત્રી તો દેવદૂત સમાન એ યુવાન સામે જોઇજ રહી…
એક તરફ હોસ્પિટલના ઓપરેશન રૂમમાં એ બાળકનું ઓપરેશન ચાલી રહ્યું હતું તો બીજી તરફ એ યુવાન હોસ્પિટલમાં રહેલી ભગવાનની મૂર્તિ સામે હાથ જોડી ઉભો હતો અને મનોમન પ્રાર્થના કરી રહ્યો હતો…
“હે દીનાનાથ… મેં મારા દાદાજીના ઓપરેશન ને બદલે આ બાળકનું ઓપરેશન કરાવાનો જે નિર્ણય લીધો છે એ યોગ્ય છે કે અયોગ્ય એની મને કશી ખબર નથી. પણ બાંકડે નિરાધાર બેઠેલ એ વિધવા સ્ત્રીના રૂપમાં દરિદ્રનારાયણ ના દર્શન થયા છે અને મેં આ નિર્ણય લીધો છે. પ્રભુ એના દીકરાની જિંદગી બચાવી લેજે…”

અને પોતાના દાદાજીની થોડી દવા લઈ એ યુવાન અને એના દાદા એક ઉત્તમ પરમેશ્વરી અને માનવતાવાદી કર્મ કરી એ હોસ્પિટલ માંથી પોતાના ઘર તરફ જવા રવાના થયા…

● POINT:-

દુનિયામાં હજી પણ આવા માણસો અને જેને આપણે બગડી ગયેલી યુવા પેઢી માનીએ છીએ એવા યુવાનો પણ હોય છે કે જેના કારણે આપણે સૌ માણસો હજી પણ ભગવાન મનુ ના વંશજો એવા  “માનવ”  કહેવાઈએ છીએ…

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’    (શંખેશ્વર)