લેખકની કલમે

માતાપિતાની છત્રછાયા ગુમાવનાર આઠ વર્ષની દીકરીની “કાકી મટી ‘મા’ બની…” અને પોતાના ભાવિ સંતાનનો પણ સદા માટે ત્યાગ કરી દીધો, વાંચો એક સ્ત્રીના ત્યાગની વાર્તા …

કાકી જ્યારે ‘મા’ બની… (સત્ય ઘટના…)

પાટણ જિલ્લામાં આવેલી ધર્મનગરી કહો કે ગુજરાતનું બીજા નંબરનું જૈન તીર્થધામ કહો… જ્યાં આવેલા છે અનેક જીનાલયો. જીનાળાયોની બાંધણી અને પથ્થરની કોતરણી જોતા લાગે કે એને બનાવનાર ધર્મપ્રેમીઓ કે કારીગરો એ માત્ર તન,મન,ધન જ નહીં પણ પોતાનો અંતર આત્મા પણ એ દેરાસરો બનાવવા રેડી દીધો છે… જી હા હું વાત કરી રહ્યો છું એ અદભુત અને સત્ય પ્રેમ અહિંસા ની જ્યાં જ્યોત જલે છે એવા શંખેશ્વર ધામની. જ્યાં દેશ અને દુનિયામાંથી લાખો જૈન ભાવિકો દર્શનાર્થે આવે છે અને ભગવાન પાર્શ્વનાથના ચરણે પોતાના શ્રદ્ધા સુમન ધરે છે.

શંખેશ્વર ધામમાં આંમતો સત્તર જેટલી જૈન સંસ્થાઓ અને મંદિરો છે પણ એ બધામાં સૌથી વધુ પ્રભાવશાળી અને ભક્તોના વિશેષ શ્રદ્ધાનું કેન્દ્ર એટલે શંખેશ્વર ગામ મધ્યે આવેલ ‘જૂનું દેરાસર…’ તમામ દેરાસરો માં સૌથી જૂનું હોવાથી એ જુના દેરાસર તરીકેજ ઓળખાય છે… હાલ આ દેરાસર જ્યાં સ્થિત છે બરાબર એની નજીકજ એક ખંડેર હાલતમાં મૂળ દેરાસર પણ આવેલું છે જે ભારતમાં મુઘલ શાસન વખતે ખંડિત કરાયેલું મનાય છે…

રોજના ક્રમ મુજબ રાતનું વાળું કરી જુના દેરાસરમાં મારા કાકા એ દિવસે પણ દર્શને ગયેલા. ભગવાનના દર્શન કરી ભક્તિ ગીતોનો લ્હાવો લઈ એ દેરાસરની સામેના ઓટા પર બેઠા હતા. અને એમને જોયું કે એક આઠેક વર્ષની દિકરી એના દાદા અને એક પાંત્રીસ વર્ષના યુવક અને યુવતી સાથે ત્યાં હાજર તમામ લોકોને અગિયાર અગિયાર રૂપિયાની પ્રભાવના કરી રહી હતી. (પ્રભાવના એ પ્રાકૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય ધાર્મિક સ્થળે ભક્તિભાવ થી લોકો ને કોઈ વસ્તુ કે પૈસાનું કરાતું દાન…) આટલી નાની દીકરીનું આ કાર્ય જોઈ મારા કાકા એ બાજુમાં બેઠેલા એક ભાઈને સાહજિક રીતે આ પરિવાર વિશે પૂછી લીધું… અને એ ભાઈએ આ પરિવારની વાત મારા કાકાને જણાવી. જે વાત મારા કાકા દ્વારા મને જાણવા મળી અને હું આપ સર્વે ને એ જણાવું છું… અહીં ઉલ્લેખનીય વાત એ છે કે જ્યારે મારા કાકા મને આ વાત જણાવી રહ્યા હતા ત્યારે રીતસરના એ રડી પડ્યા હતા…
એ પરિવાર અમદાવાદનો જૈન પરિવાર હતો. એ આઠ વર્ષની દીકરી એ વૃદ્ધની પૌત્રી અને એ યુવક અને યુવતી એ વૃદ્ધનો નાનો દીકરો અને દીકરાની વહુ હતી…

એ દિવસથી લગભગ ચાર માસ પહેલા એ વૃદ્ધ કાકાના મોટા પુત્ર અને પુત્રવધુ એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા. એ વૃદ્ધ કાકાનો અમદાવાદમાં સારો એવો કાપડનો વેપાર છે અને કરોડપતિ ગણી શકાય એટલા એ સમૃદ્ધ છે. મોટા પુત્ર અને પુત્રવધૂના અકાળે અવસાન થી આખો પરિવાર દુઃખી હતો. મૃત્યુ પામનાર પુત્ર પોતાની પાછળ મૂકી ગયો હતો પિતાની સંપતિમાંથી આવતો પોતાનો ભાગ અને આઠ વર્ષની નાની દીકરી…

એ વૃદ્ધ પિતા અને એમના નાના દીકરાએ નક્કી કર્યું કે મૃતકના ભાગની તમામ સંપત્તિ ધર્મનગરી શંખેશ્વરના પાર્શ્વનાથ દાદાના ચરણે ધરી દેવી… પિતા અને પુત્રનો આ ઉદારતાભર્યો અને ધર્મપ્રિય નિર્ણય હતો. હજી આગળ મેં જે વાત સાંભળી એના પરથી લાગ્યું કે હજી મહાન ત્યાગ તો બાકી હતો… એ વૃદ્ધ પિતાના નાના દીકરા અને એની વહુએ એ આઠ વર્ષની દીકરીને પોતાની દીકરી ગણી લીધી. નાની વહુ હવે એ દીકરીની કાકી મટી “મા” બની હતી… સાથે સાથે યુવાનીના ઉંબરે આવીને ઉભેલા એ યુવક અને યુવતી એ બીજો પણ નિર્ણય કર્યો…કે “આપણે આપણું કોઈ સંતાન નહિ થવા દઈએ, આજથી મોટા ભાઈની દીકરી એ જ આપણું સંતાન…” આવું નક્કી કરી એ દીકરીની કાકીએ સંતાન ન થવા નું ઓપરેશન પણ કરાવી નાખ્યું…
આજે પિતાની સંપત્તિ માટે લડતા ભાઈ ભાઈ તો દરેક જગ્યાએ જોવા મળે છે, ભાઈના સંતાનો ને હડધૂત કરતા માણસો પણ જોવા મળે છે… પણ આ જૈન પરિવારની વાત સાંભળી મનમાં એજ પ્રશ્ન થાય કે આમાં સૌથી સમજદાર અને મહાન કોને ગણવું…???
મારું દ્રષ્ટિએ સૌથી મહાન ત્યાગ તો એ વૃદ્ધ કાકાની નાની પુત્રવધુનો છે કે જે માતાપિતાની છત્રછાયા ગુમાવનાર આઠ વર્ષની દીકરીની “કાકી મટી ‘મા’ બની…” અને પોતાના ભાવિ સંતાનનો પણ સદા માટે ત્યાગ કરી દીધો…

લેખક:- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.